૮ સ્થળેથી મેંગો શેઇક-જ્યુસ તેમજ ૭ સ્થળેથી ગોલાના સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા: શહેરમાં બરફના આઠ કારખાનાઓમાં ચેકિંગ: ઠંડા પીણાની દસ દુકાનો પણ ચેક કરાઇ: હાઈ-વે પરની ૧૨ હોટલોમાં પણ ચેકિંગ કરાયું
ઉનાળાની સીઝનને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા સક્રિય બની છે. ફૂડ વિભાગના અધિકારી દશરથભાઈ આસોડિયા, અને નિલેશ પી જાસોલિયાની રાહબરી હેઠળ ફૂડ વિભાગની ટીમે છેલ્લા એક સપ્તાહ દરમિયાન જામનગર શહેરમાં આવેલા અલગ અલગ આઠ જેટલા બરફના કારખાનાઓમાં જઈને ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરી હતી, અને ક્લોરીનેશન નું ધોરણ જાળવવા સંબંધે ચેકિંગ કર્યા બાદ જરૂરી સૂચનો આપ્યા હતા.
ત્યારબાદ જામનગર શહેરમાં ઠંડા પીણા ની દુકાનો કે જેમાં એક્સપાયરી ડેઇટના ઠંડા પીણા નું વેચાણ થઈ રહ્યું છે કે કેમ, તે સંદર્ભમાં ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરી હતી.
ખાસ કરીને નાગનાથ ગેઇટ- ત્રણ દરવાજા સહિતના વિસ્તારોમાં એક્સપાયરી ડેઇટના ઠંડા પીણાંનું વેચાણ થઈ રહ્યું છે, તેવી ફરિયાદના આધારે ઉપરોક્ત સમગ્ર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને વેપારીઓને જરૂરી સુચના અપાઇ હતી. જામનગર શહેરમાં સાત જેટલા વિક્રેતાઓને ત્યાંથી ગોલા ના સેમ્પલો લેવામાં આવ્યા છે, અને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ ઉપરાંત જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારમાં આવેલી કેરીના રસ અને જ્યુસ ની દુકાનોમાંથી કુલ આઠ સ્થળેથી સેમ્પલો એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં ખાસ કરીને સાધના કોલોની રોડ સહિતના વિસ્તારમાં હાઇવે હોટલ માં હાઈજેનિક ફૂડ સંબંધે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને કુલ ૧૨ હોટલોમાં ચેકિંગ કરાયું હતું, અને સ્વચ્છતા જાળવવા અંગેના જરૂરી સૂચનો અપાયા હતા.