ચાલો અમરનાથ: સિવિલમાં ચાર દિવસમાં 165 યાત્રિકોના ફિટનેસ સર્ટી નીકળ્યા, ફિટનેસ સર્ટી માટે આ 13 સ્ટેપ પુરા કરવા જરૂરી

  • April 12, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રાએ જવા માટેના યાત્રિકોનો મેડિકલ ફિટનેસ સર્ટી ફિકેટ માટે દરરોજ મોટી સંખ્યામાં ધસારો જોવા મળી રહ્યો છે. તા.8 એપ્રિલથી મેડિકલ ફિટનેસ સર્ટી આપવા માટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવતા આજે ચાર દિવસમાં 165 યાત્રિકોના મેડિકલ સર્ટી ફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જયારે 500 યાત્રિકોને ફિટનેસ માટેની તારીખ આપવામાં આવી છે.


બરફાની બાબા તરીકે ઓળખાતા અમરનાથ મહાદેવની યાત્રાનું અનેરું મહત્વ છે. જમ્મુના શ્રી નગરથી 130 કિમીથી વધુના અંતરે આવેલી અમરનાથની ગુફામાં ભક્તજનો દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ યાત્રામાં દેશ-વિદેશમાંથી લોકોનો પ્રવાહ દર વર્ષે ઉમટી પડે છે. યાત્રામાં શ્રધ્ધાળુઓની સંખ્યા અને રેકર્ડ રાખવા ઉપરાંત સમુદ્રતટ કરતાં ૧૩,૬૦૦ ફૂટ જેટલી ઊઁચાઈ પર પહાડી ગુફા હોવાથી ત્યાં જવા માટે વ્યક્તિ આરોગ્યની દ્રષ્ટિએ ફિટ છે કે કેમ ? એ માટેનું અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા સરકારી હોસ્પિટલમાંથી આપવામાં આવેલું મેડિકલ સર્ટિફિકેટ યાત્રિકો પાસેથી ફરજીયાત પણે મેળવવામાં આવે છે. યાત્રાની શરૂઆત દર વર્ષે જૂન થી ઓગસ્ટ સુધીમાં થતી હોઈ છે. એ પૂર્વે યાત્રિકો દવારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી મેડિકલ સર્ટી સહિતની કામગીરી પૂર્ણ કરતા હોઈ છે. હાલ અમરનાથ યાત્રા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને પદ્મકુંવરબા હોસ્પિટલ (ગુંદાવાડી)માં ફિટનેસ માટેના મેડિકલ સર્ટી માટે ખુબ મોટી સંખ્યામાં ધસારો જોવા મળે છે.


સિવિલમાં તા.8થી મેડિકલ ફિટનેસ સર્ટી માટેની અલાયદી વ્યવસ્થા ઓપીડી બિલ્ડીંગમાં બીજા માળે શરૂ કરવામાં આવી છે. તા.8થી તા.12 સુધીમાં 165 લોકોના ફિટ હોવાના મેડિકલ સર્ટી કાઢવામાં આવ્યા છે. તેમજ 500 વ્યક્તિઓને ફિટનેસ માટેની ડેટ આપવામાં આવી છે. સવારે 9 વાગ્યા થી બપોરે 1 વાગ્યા સુધીના નિયત સમય દરમિયાન દરરોજ 50 લોકોના ફિટનેસ સર્ટી ઈશ્યુ કરવામાં આવે છે. જયારે મંગળ અને શુક્રવારે પદ્મકુંવરબા હોસ્પિટલમાં ફિટનેસ સર્ટી કાઢવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અવ્યવસ્થાની સ્થિતિ ન સર્જાય માટે અલગથી મેડિકલ ઓફિસરની પણ ખાસ નિમણુંક કરવામાં આવી છે. આ માટેની કામગીરી સિવિલ સુપ્રિટેન્ડેટ ડો.મોનાલી માકડીયાના માર્ગદર્શન હેઠળ આર.એમ.ઓ. ડો હર્ષદ દૂસરાની રાહબરીમાં ક્લાર્ક ગૌતમભાઈ આહીર, વિરલભાઈ, ઉમાબેન, દિલીપ રાઠોડ સહિતના કર્મીઓની ટિમ દ્વારા કરવામાં આવી રહી છે.​​​​​​​


ફિટનેસ સર્ટી માટે આ 13 સ્ટેપ પુરા કરવા જરૂરી

  • યાત્રિકે પોતાના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે લાવવાનો રહેશે
  • ઓપીડી બિલ્ડિંગમાં કેશબારીએ રૂ.5 ભરી મેડિસિન વિભાગનો કેસ કઢાવવાનો રહેશે
  • યાત્રા માટેનું જો ફોર્મ ન હોય તો આરએમઓ ઓફિસ 17 નંબર વિભાગમાંથી ફોર્મ મેળવવાનું રહેશે
  • 17 એફ - માં મેડિકલ તપાસ કરાવવાની રહેશે
  • 16 નંબરમાં ઈસીજી કરાવવાનું રહેશે
  • 10 નંબર ગ્રાઉન્ડ ફ્લોર લેબોરેટરી વિભાગમાં રિપોર્ટ માટે જવાનું રહેશે
  • 21 નંબર પોલીસ ચોકી પાસે એક્સ-રે માટે જવાનું રહેશે
  • 06 નંબર ટ્રોમા સેન્ટરમાં એક્સ-રે નું રિપોર્ટિંગ કરાવવું
  • 17 ઈ નંબર માં લેબોરેટરી રિપોર્ટ લઈને જવાનું રહેશે
  • 19 નંબર ઓપીડીમાં જવાનું રહેશે
  • 17 નંબર આર.એમ.ઓ. ઓફિસમાં રિપોર્ટ અને ફાઈલ સાથે જવાનું રહેશે
  • તબીબી અધિક્ષક કચેરીએ સહી સીક્કો કરાવવાનો રહેશે ( ફોર્મ-આધાર કાર્ડની ઝેરોક્ષ કરાવી)
  • 18 નંબર સર્ટિફિકેટ વિભાગમાં ફાઈલ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
  • આ તમામ કામગીરી રજાના દિવસો સિવાયના સોમથી શનિ, ઓપીડી સમય સવારે 9 થી 1 અને બપોરે 4 થી 6 દરમિયાન થશે
  • 13 વર્ષથી ઓછી અને 70 વર્ષથી વધુ વયના વ્યક્તિનું મેડિકલ ફિટનેસ સર્ટી નહીં નીકળી શકે જેની દરેકે નોંધ લેવી


મેડિકલ સર્ટીફિકેટ માટે કોઈ પણ વ્યક્તિને પૈસા આપી છેતરાશો નહીં

સિવિલ હોસ્પિટલમાં ગઠિયાઓ અને દલાલો સક્રિય હોવાથી હાલ અમરનાથ યાત્રા માટે યાત્રિકો મોટી સંખ્યામાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટે આવી રહ્યા છે. આ ઘસારાનો લાભ લેવા માટે ગઠિયાઓ અને દલાલો ઝડપથી મેડિકલ સર્ટી કઢાવવી આપવા કે અન્ય કોઈ પ્રક્રિયામાંથી નીકળ્યા વગર સર્ટી કઢાવી આપવાની લાલચ આપી યાત્રિકો પાસેથી જો પૈસા માગવામાં આવે તો કોઈએ પૈસા આપવા નહીં, મેડિકલ ફિટનેસ સર્ટી માટે કોઈ પૈસા હોસ્પિટલમાં પણ લેવામાં આવતા નથી. અને આવા કોઈ વ્યક્તિ પૈસાની માંગણી કરે તો તાત્કાલિક સુપ્રિટેન્ડેન્ટ ઓફિસ અથવા આર.એમ.ઓ ઓફિસ 17 નંબરમાં સંપર્ક કરવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application