મહાપાલિકા દ્વારા ફાયર સર્વિસ ડેની ઉજવણી

  • April 14, 2025 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૧૪ મી એપ્રિલ ૧૯૪૪ના રોજ ઇંગ્લેન્ડથી આવેલા અને મુંબઇના વિકટૉરીયા ડોક યાર્ડમાં લંગારેલા એસ.એસ. ફોર્ટ સ્ટાઇકીન નામના સ્ટીમરમા ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી, આ આગ બુઝાવવાની કામગીરી દરમ્યાન મુંબઇ ફાયર સર્વિસના ૬૬ જવાનોએ લોક સલામતી કાજે પોતાના જાનની પરવાહ કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાતનું બલિદાન આપ્યુ હતું. આ વિનાશક બનાવને નજર સમક્ષ રાખી ભારત સરકારના ગૃહ મંત્રાલય તથા ફાયર એડવાઇઝરી કમિટી દ્વારા ભારતભરમા આ દિવસની ફાયર સર્વિસ ડે તરીકે ઉજવણી થાય છે અને મુંબઇ ડોકયાર્ડમા આગ વિસ્ફોટની વિનાશક ઘટનામા શહિદ થયેલ જવાનો ઉપરાંત દેશની તમામ ફાયર સર્વિસમા વર્ષ દરમ્યાન પોતાની જાનની પરવાહ કર્યા વગર અન્યની જાન બચાવતા દેશના ફાયર જવાનોને પણ આ વિશે બે મિનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામા આવે છે. તેમજ લોકોને આગ-અકસ્માત વિશે વિશેષ જાણકારી મેળવે અને સાવચેતી માટે પુરતા પ્રયત્ન કરે તે માટે કાર્યક્રમો તમામ ફાયર સર્વિસીઝ દ્વારા લોક જાગૃતિ અને લોક શિક્ષણના કાર્યક્રમો કરવામા આવે છે.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત અનુસંધાને આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર સર્વિસ ડે નિમીત્તે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ દ્વારા શહિદ દિનની ઉજવણી કાલાવડ રોડ ફાયર સ્ટેશન ખાતે તમામ ફાયર સ્ટાફ દ્વારા બે મિનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવેલ. આ ઉપરાંત ફિલ્ડ માર્શલ બ્લડ બેન્કના સહયોગથી રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા રકતદાન કેમ્પ સફળ રીતે પુર્ણ કર્યો હતો.

ઉપરોકત કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, ચેતન નંદાણી, એચ.આર. પટેલ, સહાયક કામિશર બી.એલ. કાથરોટિયા, ચીફ ફાયર ઓફિસર અમિત દવે તથા ડે.ચીફ ફાયર ઓફિસર, તમામ સ્ટેશન ઓફિસર, સબ ફાયર ઓફિસર તેમજ તમામ ફાયર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application