એસ.પી. પ્રેમસુખ ડેલુની હાજરીમાં બાળકીના સ્વજનોને રૂા. ૭.૧૧ લાખનું અનુદાન અર્પણ
જામનગરના મહિલા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી સેજલબેન જોગેશભાઈ નકુમ, કે જેઓનું ગત વર્ષે હ્રદય રોગનો હુમલો આવી જતાં અવસાન થયું હતું, અને તેના વિયોગમાં ત્યારબાદ તેણીના પતિ જોગેશભાઈ નું પણ અવસાન થતાં તેઓની એક માત્ર છ માસની પુત્રી નોંધારી બની ગઈ હતી.
જે હાલ એકાદ વર્ષની ઉંમરની છે. જે બાળકીના ઉજવળ ભવિષ્ય માટે મદદ રૂપ થવા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે જામનગર શહેર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે ફાળો એકત્ર કર્યો હતો. જેમાં જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુ સહિતના તમામ અધિકારી અને કર્મચારીઓ દ્વારા કુલ ૭,૧૧,૦૦૦ (સાત લાખ અગિયાર હજાર) જેટલી સહાયની રકમ એકત્ર કરી લેવામાં આવી હતી.
જે તમામ રકમ આજે સેજલબેન ના પિતા તેમજ જોગેશ ભાઈના પરિવાર વગેરેને એસ.પી. કચેરીએ બોલાવવામાં આવ્યા હતા, અને તેઓની હાજરીમાં નાની બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે ૭,૧૧,૦૦૦ ની રકમ અર્પણ કરવામાં આવી હતી.
આ વેળાએ જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ, જામનગર પોલીસ હેડ ક્વાર્ટરના ડીવાયએસપી વી.કે. પંડ્યા, જામનગર શહેર વિભાગ ના ડી.વાય.એસ.પી. જે. એન. ઝાલા તેમજ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.આર. કારાવદરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેના અનુસંધાને સેજલબેન નકુમના પરિવારજનોએ સમગ્ર પોલીસ વિભાગ નો આભાર વ્યક્ત કર્યો હતો.