ખાનગી સ્કૂલોના ફી વધારાના વિરોધ વચ્ચે ગુજરાતમાં પ્લે હાઉસ અને નર્સરીના વિદ્યાર્થીઓ પાસે લાખો રૂપિયાની ફી ઉઘરાવવામાં આવી રહી છે. જેમાં રાજ્યમાં સૌથી વધારે નર્સરી ફી રૂ.2.33 લાખ રાજકોટની ગેલેક્સી સ્કૂલ, ધોરણ એકમાં સૌથી વધારે ફી ગાંધીનગરની અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ રૂ.4.52 લાખ ઉઘરાવે છે. એકંદરે બાળકોને એબીસીડી શીખવવા માટે મેડિકલ અને એન્જિનિયરિંગમાં લેવાતી ફી ગુજરાતની આ ખાનગી સ્કૂલો એક વર્ષમાં લે છે.
મેડિકલ, ડેન્ટલ, ઈજનેરી કે અન્ય મહત્વના કોર્ષ માટે લાખોમાં ફી લેવાય છે પરંતુ હવે રાજ્યમાં બાળકોને એ બી સી ડી અને વન,ટુ,થ્રિ શિખવાડવા માટે પણ સ્કૂલો લાખો રૂપિયા ફી ઉઘરાવી રહી હોવાનું સામે આવ્યું છે. રાજ્યની શાળાઓમાં નર્સરી, જુનિયર કે.જી. અને સિનિયર કે.જી.માં વિદ્યાર્થીઓને ભણાવવા માટે રૂ.2.33 લાખ સુધીની ફી ઉઘરાવવામાં આવી રહી છે. જ્યારે ધોરણ-1માં ભણાવવા માટે પણ વાલીઓ પાસેથી રૂ.4.52 લાખ જેટલી ફી વસૂલવામાં આવી રહી છે. આ ફી સ્કૂલો દ્વારા ખોટી રીતે લેવામાં આવી રહી હોય તેમ નથી, પરંતુ ફી કમિટી દ્વારા જ સ્કૂલોની સત્તાવાર રીતે ફી મંજૂર કરેલી હોવાનું જાણવા મળે છે. પ્રિ-પ્રાઈમરી એટલે કે નર્સરી, જૂનિયર કે.જી. અને સિનિયર કે.જી. માટે રાજ્યમાં સૌથી વધુ ફી રૂ.2.33 લાખ રાજકોટની ગેલેક્સી સ્કૂલ દ્વારા ઉઘરાવવામાં આવે છે. જ્યારે ધોરણ-1ની સૌથી વધુ ફી ગાંધીનગરની અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રૂ.4.52 લાખ ફી લેવાય છે. રાજ્યની સ્કૂલોમાં એવરેજ પ્રિ-પ્રાઈમરીની ફી રૂ.20 હજારથી લઈને રૂ.50 હજાર સુધીની હોય છે, પરંતુ અમુક સ્કૂલો દ્વારા તો રૂ.2 લાખ કરતા પણ વધુ ફી વસૂલાય છે.
પ્રિ-પ્રાઈમરી એટલે કે નર્સરી, જુનિયર કે.જી. અને સિનિયર કે.જી.ની વાત કરીએ તો સૌથી વધુ ફી રાજકોટની ગેલેક્સી સ્કૂલ દ્વારા લેવામાં આવી રહી છે. આ સ્કૂલ દ્વારા જુનિયર કે.જી. અને સિનિયર કે.જી. માટે વાર્ષિક રૂ.2.33 લાખની ફી લેવામાં આવી રહી છે. જ્યારે રાજકોટની જ એસ.એન. કણસાગરા સ્કૂલ દ્વારા જુનિયર કે.જી. માટે રૂ. 2.13 લાખ અને સિનિયર કે.જી. માટે રૂ.1.99 લાખની ફી વસૂલવામાં આવી રહી છે. અમદાવાદની રિવરસાઈડ સ્કૂલ દ્વારા પણ પ્રિ-પ્રાઈમરી સ્કૂલની ફી પેટે વાલીઓ પાસેથી રૂ.1.59 લાખ લેવાય છે. જ્યારે સુરતની અર્થ સ્કૂલ દ્વારા પ્રિ-પ્રાઈમરી પેટે રૂ.1.41 લાખ અને સુરતની ફાઉન્ટનહેડ સ્કૂલ દ્વારા નર્સરી, જુનિયર કે.જી. અને સિનિયર કે.જી. માટે રૂ.1.24 લાખની ફી લેવાઈ રહી છે.
આ સ્કૂલોમાં અભ્યાસ એટલે ગજવા બહારની વાત
ધોરણ-1માં પણ વાલીઓ પાસેથી લાખો રૂપિયા ફી લેવામાં આવી રહી છે. ગાંધીનગર ખાતે આવેલી અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ-1ની ફી પેટે તોતિંગ રૂ.4.52 લાખની ફી લેવામાં આવે છે. જ્યારે વલસાડની લક્ષ્મી ગ્લોબલ સ્કૂલ દ્વારા ધોરણ-1ની ફી પેટે રૂ. 2.13 લાખ, અમદાવાદની કેલોરેક્સ ઓલિવ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રૂ. 2.03 લાખ, અમદાવાદની સત્ત્વ વિકાસ સ્કૂલ દ્વારા રૂ.1.87 લાખ, વડોદરાની નવરચના સ્કૂલ દ્વારા રૂ.1.67 લાખ, રાજકોટની નોર્થસ્ટાર સ્કૂલ દ્વારા રૂ.1.63 લાખ અને અમદાવાદની મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રૂ.1.15 લાખ જેટલી ફી વસૂલવામાં આવે છે. આ તમામ ફી સ્કૂલ દ્વારા ફી કમિટી દ્વારા મંજૂર કરાયા બાદ વસૂલવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
આઈ.બી.,આઈ.સી.એસ.ઇ. સ્કૂલો ફી લેવામાં મોખરે
આજકાલ ગુજરાત બોર્ડ ઉપરાંત વિદ્યાર્થીઓને આઇબી, આઈસીએસસી, કેમ્બ્રિજ, સીબીએસઇ બોર્ડમાં ભણાવવા માટે માતા પિતા ઝંખના સેવતા હોય છે ત્યારે આ બોર્ડની ફી પણ કંઈ ઓછી નથી. જેમાં રાજકોટની ગેલેક્સી સ્કૂલ આઈ.બી. 4.58 લાખ, આઈસીએસસી, કેમ્બ્રિજમાં રાજકોટની ધ નોટ સ્ટાર 3.5 લાખ અને ગેલેક્સી સ્કૂલ 3.26 લાખ ત્યારબાદ રાજકોટની જ એસએનકે 2.13 લાખ, ત્યારબાદ અમદાવાદ અને સુરત તેમજ વલસાડ ની ખાનગી સ્કૂલો આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડીયા : સમી સાંજે વરસાદી માવઠું, ધોધમાર દોઢ ઇંચ ખાબક્યો
May 23, 2025 04:34 PMરાજકોટ : લાખોના માદક પદાર્થનો કરાયો નાશ
May 23, 2025 04:31 PMઅમરેલીમાં યુવાનની હત્યા મામલે જિજ્ઞેશ મેવાણી ભાવનગર પહોંચ્યા
May 23, 2025 04:28 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech