મ્યાનમારથી થાઈલેન્ડ સુધી ભૂકંપથી તબાહી, 188ના મોત, 800થી વધુ ઘાયલ

  • March 28, 2025 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મ્યાનમારથી થાઈલેન્ડ સુધી આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 188 લોકોના મોત થયા છે, જ્યારે 800થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.


થાઈલેન્ડ અને મ્યાનમારમાં મોટા પાયે ભૂકંપ આવ્યો છે. બેંગકોકમાં ભૂકંપની સૌથી વધુ અસર જોવા મળી છે. અહીં એક બહુમાળી ઈમારત જોતજોતામાં જમીનદોસ્ત થઈ ગઈ છે. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું.


ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ખૂબ જ શક્તિશાળી ભૂકંપથી ધરતી ધ્રૂજી ઉઠી. તેની અસર થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ જોવા મળી છે. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 માપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બેંગકોકમાં એક નિર્માણાધીન બહુમાળી ઇમારત ભૂકંપના આંચકાથી ધરાશાયી થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર પ્રસારિત એક વીડિયોમાં એક બહુમાળી ઈમારત ધૂળના ગોટેગોટા વચ્ચે ધરાશાયી થતી જોવા મળી રહી છે અને ત્યાં હાજર લોકો ચીસો પાડીને ભાગી રહ્યા છે. ઈમારતના કાટમાળમાં 40થી વધુ મજૂરો ફસાયા હોવાની આશંકા છે. પોલીસે ‘એસોસિએટેડ પ્રેસ’ને જણાવ્યું કે તેઓ બેંગકોકના ‘ચતુચક માર્કેટ’ પાસેના ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય કરી રહ્યા છે.


શરૂઆતના અહેવાલો અનુસાર, યુએસ જિયોલોજિકલ સર્વે અને જર્મનીના જીએફઝેડ જિયોસાયન્સ સેન્ટરે જણાવ્યું હતું કે બપોરે આ ભૂકંપ 10 કિલોમીટર (6.2 માઇલ)ની ઊંડાઈએ આવ્યો હતો, જેનું કેન્દ્ર પાડોશી દેશ મ્યાનમારમાં હતું. મ્યાનમારમાં ભૂકંપની અસરના તાત્કાલિક કોઈ સમાચાર નથી.


ગ્રેટર બેંગકોક વિસ્તારની વસ્તી 1.70 કરોડથી વધુ છે, જેમાંથી ઘણા લોકો ઊંચી ઇમારતોવાળા એપાર્ટમેન્ટમાં રહે છે. બપોરે લગભગ દોઢ વાગ્યે ભૂકંપ આવતા ઇમારતોમાં એલાર્મ વાગવા લાગ્યા અને ગીચ વસ્તીવાળા મધ્ય બેંગકોકની ઊંચી ઇમારતો અને હોટલોમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે કેટલીક ઊંચી ઇમારતોના આંતરિક ભાગમાં ‘સ્વિમિંગ પુલ’ના પાણીમાં મોજાં ઉછળતા જોવા મળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application