સાળંગપુરમાં કષ્ટભંજન દાદાના મંદિરે ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવ યોજાશે, 51 હજાર કિલો રંગ ઉદયપુરથી મંગાવાયા, ૧૧ દેશના ભક્તો ઉમટશે

  • March 11, 2025 04:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ  હરિપ્રકાશદાસ સ્વામીની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શન હેઠળ સાળંગપુર ધામમાં દાદાના પ્રાંગણમાં અને  દાદાના સાનિધ્યમાં સંતો અને ભક્તો સાથેનો આગામી તા. ૧૪  માર્ચે એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે. આ રંગોત્સવમાં  દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે. જે બાદ ૭ પ્રકારના ૫૧ હજાર કિલો રંગ અર્પણ કરાશે. સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરાશે. આ ઓર્ગેનિક સપ્ત ધનુષના રંગો ડાયરેક્ટ ઉદયપુરની ફેક્ટરીમાંથી મંગાવ્યા છે.


 ઉજવણી અંગે કોઠારી વિવેકસાગરદાસ સ્વામીએ જણાવ્યું હતું  કે, આ જીવનનો અલૌકિક લ્હાવો હશે ભક્તિના રંગે રંગાવાનો. દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદકિલ્લોલ કરશે. મહત્ત્વનું છે કે, સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાનારા ગુજરાતના સૌથી મોટા રંગોત્સવમાં ૧૧ થી વધુ દેશ સહિત ગુજરાત અને અન્ય રાજ્યના લાખો ભક્તો આવશે. આ માટે મંદિરના સંતો અને ભક્તો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. તો  શા.હરિપ્રકાશદાસ સ્વામીના સાંનિધ્યમાં અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામી સહિત સંતો અને દેશ દુનિયાથી પધારેલા હજારોની સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાશે.હાલ  મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે.


આ રંગોત્સવ અંગે વાત કરતાં પૂજારી સ્વામીએ જણાવ્યું  હતું કે, હોળી અને ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા પહેરાવાશે. દાદાની સન્મુખ ૧૦ થી ૧૧ પ્રકારના ઓર્ગેનિક રંગ ધરાવાશે અને ફૂલનો અભિષેક કરવામાં આવશે. સવારે ૮થી ૧૧ વાગ્યા સુધી રંગોત્સવ થશે. આ દિવસના વિશેષ વાઘા રાજકોટમાં એક અઠવાડિયાની મહેનતે બનાવવામાં આવ્યા છે. "દાદાના દરબારમાં ઐતિહાસિક હોલી" હોલી ઉત્સવમાં ૧૪ માર્ચ ૨૦૨૫ને (પૂનમ) શુક્રવારના રોજ સવારે ૭:૩૦ થી ૧૧:૦૦ કલાકે પરિવાર સાથે દાદાના રંગે રંગાવા તમામ ભક્તોને  સાળંગપુરધામ ખાતે ઉપસ્થિત રહેવા  મંદિર દ્વારા અનુરોધ કરાયો છે. 

ગુજરાતના સૌથી મોટા રંગોત્સવના આકર્ષણ 

  • મંદિર પરિસરમાં કલરના ૭૦ થી ૮૦ ફૂટ ઊંચા ૫૦૦ બ્લાસ્ટ કરાશે.
  • ૧૦ હજાર કિલો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઊડાડવામાં આવશે. 
  • ૧૦૦ જેટલા રિબિન બ્લાસ્ટ કરવામાં આવશે.
  • ભક્તો દાદાના રંગે રંગાયા બાદ રાસ-ગરબાની રમઝટ બોલાવશે. 
  • ૫૦ નાસિક ઢોલના સથવારે રંગોત્સવ ઉજવાશે.
  • ૧૧થી વધુ દેશના ભક્તો રંગોત્સવમાં ભાગ લેવા આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application