ગોંડલના કમઢીયામાં દંપતી પર પાડોશીનો હુમલો: પથ્થરમારો

  • May 16, 2025 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગોંડલ તાલુકાના કમઢીયા ગામે રહેતા યુવાન અને તેની પત્ની પર પાડોશમાં રહેતા પરિવારે છરી- લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં યુવાનનો પગ ભાંગી ગયો હતો. યુવાનના ઘર નજીક વીજ થાંભલો હોય જેમાં આરોપી આંકડી નાખવા આવતા અહીં બાળકો રમતા હોય આંકડી નાખવાની ના પાડી હતી. જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે યુવાનની ફરિયાદ પરથી સુલતાનપુર પોલીસે 11 શખસો સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ તાલુકાના કમઢીયા ગામે રહેતા પ્રકાશ મનજીભાઈ પરમાર (ઉ.વ 35) નામના યુવાને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં ગામમાં તેમના પાડોશમાં રહેતા ઘનશ્યામ દુર્લભભાઈ દેવીપુજક, વિપુલ દુર્લભભાઈ, રાહુલ દુર્લભભાઈ, દુર્લભ લાખાભાઈ, રોહિત વલ્લભભાઈ, રવિ વલ્લભભાઈ, વલ્લભભાઈ, લાખાભાઈ, જોસનાબેન દુર્લભભાઈ, સાજન વિપુલભાઈ, કિરણ રાહુલભાઈ અને પુરીબેન ઘનશ્યામના નામ આપ્યા છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પત્નીનું નામ સુમીબેન છે. ગઈ તા. 14/5 ના યુવાન તથા તેની પત્ની સુમિતાબેન ઉર્ફે સુમી ઘરે હતા ત્યારે ઘરની સામે પીજીવીસીએલનો થાંભલો હોય ત્યાં પાડોશી ઘનશ્યામ દેવીપુજક આંકડી નાખવા માટે આવતા થાંભલા નીચે ફરિયાદીના સંતાનો રમતા હોય જેથી શોટ સર્કિટ થવાના ડરથી ઘનશ્યામભાઈને આંકડી નાખવાની ના પાડી હતી. જેથી તે ગાળો બોલતો અહીંથી જતો રહ્યો હતો.


સાંજના છ વાગ્યા આસપાસ ઘનશ્યામ તેનો ભાઈ વિપુલ તેના પિતા દુર્લભ તેની માતા જોશના તેમજ તેના મોટા બાપુ વલ્લભ તેનો પુત્ર રોહિત, રવિ, ઘનશ્યામના પત્ની પુરીબેન રાહુલ ની પત્ની કિરણ વિપુલની પત્ની સાજન બધા અહીં ઘરે આવ્યા હતા. રાહુલના હાથમાં પાઇપ હતો અને રોહિતના હાથમાં છરી હતી તેમજ દુર્લભ,વલ્લભ, ઘનશ્યામ અને વિપુલના હાથમાં લાકડીઓ હતી. કહેવા લાગ્યા હતા કે તું કેમ થાંભલે આંકડી નાખવાની ના પાડે છે. આંકડી તો અમારે નાખવી જ છે તું આંકડી નાખવાની ના પાડીશ તો તારા ટાંટિયા ભાંગી નાખીશું તારૂ ઘર સળગાવી દેશું તેવી ધમકી અને ગાળો આપવા લાગ્યા હતા. બાદમાં યુવાનને લાકડી વડે માર માર્યો હતો. રોહિત છરી મારવા જતા યુવાને હાથ આડો રાખતા હાથમાં છરી વાગી હતી.


યુવાનની પત્ની સુમિતા પુત્ર યશને તેડીને ઉભી હોય ત્યારે રાહુલ તથા જોશના તેને મારવા ગયા હતા અને રાહુલને લાકડી વડે તથા જોશનાએ ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં આ શખસો ઘર પર પથ્થરોના ઘા કરવા લાગ્યા હતા અને ધોકા વડે સિમેન્ટના પતરા તોડવા લાગ્યા હતા. દુર્લભ તથા વલ્લભ યુવાનને ઢસડીને ખેતરમાં અંધારામાં નાખી દીધો હતો. બાદમાં આ લોકો અહીંથી જતા રહ્યા હતા. ત્યારબાદ 108 મારફત યુવાનને સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ત્યારબાદ રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવાનના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. ત્યારબાદ તેણે પાડોશમાં રહેતા 11 શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સુલતાનપુર પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application