વિશ્વાસઘાત કરવા સબબ નાના આંબલા ગામના શખ્સ સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના મોટા આંબલા ગામના મૂળ રહીશ અને હાલ મહારાષ્ટ્ર રાજ્યના ભીવંડી ખાતે રહેતા ભુપેન્દ્રભાઈ વેલજીભાઈ નગરીયા નામના ૬૨ વર્ષના વયોવૃદ્ધ જૈન આસામીના વૃદ્ધ પિતા વેલજીભાઈ તેમના મોટા આંબલા ગામે એકલા રહેતા હતા.
અહીં તેમની જમીન વાવતા નાના આંબલા ગામના રહીશ ઈકબાલ કાસમ ગજલ નામના શખ્સ દ્વારા તેમની સાથેના જુના સંબંધનો ફાયદો ઉઠાવીને વેલજીભાઈ નગરીયાને વિશ્વાસમાં લઈ, તેમની જમીનના પ્રતિ વીઘા રૂપિયા સાડા ત્રણ લાખ આપવાની મૌખિક વાત કરી આ અંગેનો સોદાખત તૈયાર કરાવ્યો હતો. આ સોદાખતમાં પ્રતિ વીઘે રૂપિયા અઢી લાખ દર્શાવીને તેમની સહી લઈ લીધી હતી.
આ રીતે તેમની સાથે ખોટો ભરોસો કેળવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ ભુપેન્દ્રભાઈ નગરીયાએ વાડીનાર મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે નાના આંબલા ગામના ઈકબાલ કાસમ સામે આઈ.પી.સી. કલમ ૪૦૬ તથા ૪૨૦ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.