રાજકોટ શહેર પોલીસ વેલ્ફેર માટે સંચાલીત જામનગર રોડ પરના પોલીસના પેટ્રોલ પંપમાં આર્થિક કે કમિશનના ગોટાળા ગોલમાલ થયાની ભારે ચર્ચા પોલીસ કમ્પાઉન્ડ અને પોલીસ પેટ્રોલ પપં સાથે સંકળાયેલાઓમાં થઈ રહી છે. એવી વાત છે કે, ખાનગી રાહે થયેલી અને થઈ રહેલી તપાસમાં કમિશનમાં કાંડ થયાનું પ્રાથમીક તબકકે બહાર આવી રહ્યું છે. સમગ્ર દોષનો ટોપલો હાલ પંપના ખાનગી કર્મચારી પર ઓઢાડી દેવાયાની જેથી જો કોઈ પોલીસના જવાબદારો હોય તો બચી શકે તેવી ગોઠવણ થયાની ભારે વાતો ઉઠી છે. રાજકોટ શહેર પોલીસના જામનગર રોડ સાંઢીયા પુલ ચડતા પહેલા જ આવેલા પેટ્રોલ પંપનું નિર્માણ થયું ત્યારે તેનું સંચાલન મેઈન પાવર, મેઈન્ટેનન્સ માટે ચોકકસ ટકાવારી કે લીટર દીઠ અમુક પૈસા (૨૦, ૨૫ પૈસા જેવું હશે) કમિશન સાથે ખાનગી પેઢી કે વ્યકિતને સોંપાયું હતું. પેટ્રોલ પપં પર પેટ્રોલ તથા ડીઝલ બન્ને પ્રોડકટનું સેલ પણ સારૂ હોવાનું અને બન્ને પ્રોડકટ વેચાણ તેમજ હવે સીએનજી પોઈન્ટ પણ કાર્યરત છે તેના વેચાણથી પોલીસ વેલફેરમાં સરેરાશ મહિને ૭ લાખ કે તેથી વધુની આવક થતી હોવાનો અંદાજ છે.
પપં પર રોજીંદા કે સમયાંતરે બે–ત્રણ દિવસે આવતા પેટ્રોલ, ડીઝલના ટેંકરનો હિસાબ, રોજીંદા વેપારની રકમ ખાનગી પેઢીના સંચાલક કર્મચારી દ્રારા થતો રહે છે અને પેમેન્ટ પોલીસ એકાઉન્ટમાં જમા થાય છે. કંપનીને ચુકવવાની થતી રકમ પોલીસ અધિકારીઓની સહીથી ચેક કે આવી રીતે ઓનપેપર થતો હોવાની અંદરની વિગતો છે. આ સમગ્ર હિસાબ પોલીસ ઉચ્ચ અધિકારી સમક્ષ મુકવામાં આવે છે. આવી હિસાબોની કે પેટ્રોલ પંપના વહીવટની ફાઈલ થોડા વખત પહેલા ઉચ્ચ અધિકારી સમક્ષ મુકાઈ હતી અને કહેવાય છે કે, ચર્ચા છે કે, ડોકયુમેન્ટ આંકડાઓ ચેક કરવા દરમિયાન કયાંક કાંઈ ગરબડી હોવાનું અધિકારીની નજરે પડયું હતું.
પેટ્રોલ પપં સંબંધી અંદરના જ આંતરીક વર્તુળોમાં ચાલતી ખાનગી વાતો મુજબ સાહેબ દ્રારા સમગ્ર કાંડની ખાનગી રાહે અધિકારીને તપાસ સોંપાઈ હતી. જેમાં પપં તરફ પણ તપાસ થઈ હતી. પ્રાથમીક કે પ્રારંભીક તપાસમાં જ મોટા આંકડા (છ અંકમાં) કમિશનમાં કંઈક ઉલટ સુલટ થયાનું બહાર આવ્યું હતું. છ આંકનો ગોટાળો થયો તેમાં એવી ચર્ચા છે કે, અત્યારે તો પંપનું સંચાલન કરતા કોઈ જવાબદાર ખાનગી કર્મીએ પોતાનાથી ભુલ થઈ છે. આ છ આંકડાની રકમ પોતે આપી દેશે તેવું સ્વીકારી લીધું છે તેવી વાત છે.
હજી આવું કાંઈ જાહેર નથી થયું અને કોઈ પપં કર્મી કે પોલીસના કોઈ અધિકારી, કર્મી પર પગલા લેવાયા નથી અને જો લેવાયા હોય તો બહાર આવ્યું નથી. પગલા નથી લેવાયા માટે શું આવું કમિશન કાંડ જેવું બન્યું જ નહીં હોય માત્ર ચર્ચા જ કે અફવા જ ચાલી હશે ? કે પછી બધુ ઘર કી બાત ઘર મે માનીને ઢાંકી દેવાઈ હશે ? હજી સુધી કોઈ મગનું નામ મરી નથી પાડતું કે કોઈ ઓનપેપર બહાર આવ્યું નથી. ભલે ખાનગી રાહે તપાસ થઈ હશે. માટે અત્યારે તો કમિશન કાંડ ચર્ચા કે અફવા જ માનવી પડે.
પોલીસ વેલફેરના ઉમદા હેતુ સાથે પેટ્રોલ પપં બનાવાયો હતો
રાજકોટ શહેર પોલીસના વેલફેર માટે સોર્સ બની રહે એ માટે રાજકોટ સીટી પોલીસની હેડ કવાર્ટરની જામનગર રોડ પરની જમીન પર પેટ્રોલીયમ કંપની દ્રારા પેટ્રોલ પપં બનાવાયો હતો. પેટ્રોલ પપં પર પેટ્રોલ, ડીઝલના વેચાણ પર આવતું કમિશન રાજકોટ સીટી પોલીસ વેલફેર ફંડમાં જમા થાય છે. પોલીસ વેલફેરના ઉમદા હેતુસર શંકર અહેશાન લોયની નાઈટ દશ વર્ષ પુર્વે યોજાઈ હતી અને તેમાંથી ઉત્પાદીત થયેલા નાણામાંથી આ પેટ્રોલ પપં બનાવાયો હોવાનું જાણવા મળે છે
સુપરવિઝન જેનું છે તે પોલીસ અધિકારી વિશ્ર્વાસમાં રહ્યા કે?
અગાઉ પણ આવું થયું હશે કે થતું હશે કે કેમ ? તેવો પણ પોલીસમાં તપાસનો કે ચર્ચાનો વિષય બન્યો હશે. સવાલ પણ એ ઉઠે કે પપં સંચાલન પર સુપરવિઝનની જે પોલીસ અધિકારીઓની જવાબદારી છે જેઓની સહીથી પેમેન્ટ થાય છે તે અધિકારીઓના ધ્યાને આવું કાંઈ નહીં પડયું હોય કે ડોકયુમેન્ટ કે ચેક આવ્યા એટલે વિશ્ર્વાસમાં રહીને સહી કરી અપાતી હશે ? અથવા તો બધાના હાથ કાળા હશે ? આવું જો અને તો જેવું ચર્ચામાં છે.
રાજકોટ સિટી પોલીસના વાહનોનો મહિને ૩૦ હજાર લીટર જેવો ઉપાડ
રાજકોટ શહેર પોલીસના મથકો, બ્રાંચોમાં દોડતા પીસીઆરથી લઈ અધિકારીઓની કાર સહિતના રાજકોટ સીટી પોલીસના વાહનો ઈંધણ પોલીસ વેલફેર પંપમાંથી પુરાવે છે. રોજીંદા સરેરાશ એકાદ હજાર લીટરનો પોલીસ વાહનોનો ઉપાડ હોવાનું જાણવા મળે છે. સરકારમાંથી આવતી ગ્રાંટમાંથી આ પેમેન્ટ ચુકવાય છે. થોડા માસ પુર્વે ગ્રાન્ટના અભાવે પપં દોઢેક માસ બધં પણ રહ્યો હતો. જો કે, પોલીસ વાહનો ઉપરાંત ખાનગી વેચાણ પણ સારૂ છે. ડીઝલનું સરેરાશ ૨૫૦૦ લીટર જેવું તથા પેટ્રોલનું રોજીંદા છ હજાર લીટર માસિક ૧.૮૦ લાખ લીટર જેવું વેચાણ થાય છે. જયારે રોજ સીએનજીનું પણ ૨૫૦૦ કિલો જેવું વેચાણ થતું હોવાનું પેટ્રોલ પપં સંબંધી એક કર્મચારીએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech