ગલી ગલી મેં ગુંજેગા નારા, હર ઘર તિરંગા ગૌરવ હમારા
જામનગર જિલ્લાના મોરકંડા અને સિક્કા ગામમાં છવાયો દેશભક્તિનો રંગ
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતમાં યોજાયેલી તીરંગા યાત્રામાં લોકો અનેરા ઉત્સાહથી સહભાગી થયા
જામનગર જિલ્લામાં સ્વતંત્રતા સપ્તાહની વિવિધ જગ્યાએ ઉજવણી થઈ રહી છે. જેના અનુસંધાને રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતમાં જામનગર જિલ્લાના મોરકંડા અને સીક્કા ગામે તીરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વતંત્રતા દિવસને અનુરૂપ પોસ્ટરો રાખવામાં આવ્યા હતા. તેમજ દેશભક્તિના ગીતો અને સૂત્રોથી સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો રંગ છવાયો હતો.
મંત્રીએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ૧૫મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે પ્રત્યેક ભારતવાસીઓ પોતાના ઘર ઉપર તિરંગો ફરકાવે તેના માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાવ્યું છે. જેને સફળ કરવા જામનગર જિલ્લા સહિત દરેક લોકોને પોતાના ઘર ઉપર દવજ ફરકાવી હર ઘર તીરંગા અભિયાનમાં સહભાગી થવા વિનંતી કરી હતી.
આ રેલીમાં અગ્રણી રમેશભાઈ મૂંગરા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઇ કણજારીયા, તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, અગ્રણીઓ, અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આંગણવાડી કાર્યકરો તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.