પ્રિ-મોન્સુન પ્લાન હોય તો જાહેર કરવા ચેલેન્જ

  • May 17, 2025 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં આજે ખુલતી કચેરીએ વિપક્ષ કોંગ્રેસ દ્વારા મેયર અને મ્યુનિ.કમિશનરને સંબોધીને જો ચાલુ વર્ષ ૨૦૨૫નો પ્રિમોન્સૂન પ્લાન બની ગયો હોય તો જાહેર કરવા ચેલેન્જ ફેંકવામાં આવી છે તેમજ જો એક સપ્તાહમાં શહેરમાં આવશ્યક એવી પ્રિમોન્સૂન કામગીરી શરૂ નહીં કરાય તો કોંગ્રેસ દ્વારા આ કામગીરી શરૂ કરાશે તેવી ચિમકી પણ આપી છે.

વિશેષમાં મેયર અને મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને આજરોજ પાઠવેલા આવેદનપત્રમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી અને મ્યુનિ.વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું છે કે, અમારી જાણમાં છે ત્યાં સુધી તો હજુ સુધી ચાલુ વર્ષ ૨૦૨૫નો પ્રિ-મોન્સુન પ્લાન આજ દિવસ સુધી તૈયાર પણ કરાયો નથી જે બાબત ખુબ જ શરમજનક છે, જો પ્રિ-મોન્સુન પ્લાન બની ગયો છે તેવો તંત્રવાહકોનો દાવો સાચો હોય તો પ્લાનની વિગતોની નાગરિકોની જાણ માટે સતાવાર રીતે પ્રેસ રિલીઝ મારફતે જાહેર કરો તેવી કોંગ્રેસની ચેલેન્જ છે. પ્રિમોન્સુન કામગીરી માટે મેયર કે મ્યુનિસિપલ કમિશનરએ હજુ સુધી મિટિંગ પણ બોલાવી નથી તો કામગીરી શરૂ કરવાની તો વાત જ ક્યાં રહી ?!

વધુમાં આવેદન પત્રમાં પ્રિમોન્સૂન પ્લાન અંતર્ગત કરવાની થતી વિવિધ ૨૧ પ્રકારની કામગીરીઓ તત્કાલ શરૂ કરવા માંગણી કરાઇ છે જેમાં (૧) રાજમાર્ગો અને રહેણાંક સોસાયટીઓના રસ્તાના તમામ ખાડા તત્કાલ રિપેર કરો (૨) ડીઆઈ પાઇપલાઇન નેટવર્કનું કામ પૂર્ણ થયું હોય યોગ્ય રીતે પુરાણ કરી ડામર કરો (૩) ડ્રેનેજ ગટરના તમામ ઢાંકણાનું ચેકીંગ કરો, જરૂર પડે ત્યાં રિપેર કરો અથવા બદલાવી નવા મૂકો, ડ્રેનેજ લાઇનની સફાઇ કરાવો (૪) સ્ટ્રીટલાઇટોની વોર્ડ વાઇઝ ફેરણી કરાવો, ચોમાસામાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને કારણે ગંભીર અકસ્માતો થાય છે (૫) નવરીધૂપ બેઠેલી ગાર્ડન શાખા પાસે સ્ટ્રીટ લાઈટોના પ્રકાશને અવરોધતા વૃક્ષોના ડાળખાં પાંદડા દૂર કરાવો (૬) ચોમાસા પૂર્વે વોંકળા સફાઇ કરો, જેથી વોંકળામાં ઘોડાપુર ન આવે, વોંકળામાં પાણીનું વહેણ અવરોધતા ગેરકાયદે બાંધકામો દૂર કરો (૭) આજી નદીમાં તેમજ રામનાથ મહાદેવ મંદિર પાસે સઘન સફાઇ કરો (૮) ભયગ્રસ્ત મિલકતોનો સર્વે કરી નોટિસો આપો, અતિ ભયગ્રસ્ત મિલકતો તા.૧૫ જૂન સુધીમાં ખાલી કરાવો (૯) ચોમાસામાં વરસાદી પાણી ભરાયાંની ફરિયાદો ક્યાં કરવી ? મોન્સુન કંટ્રોલ રૂમના નંબર જાહેર કરો (૧૦) ચોમાસામાં વૃક્ષો ધરાશાયી થયાની ફરિયાદો ક્યાં કરવી ? તેના ટેલિફોન નંબર જાહેર કરો (૧૧) ચોમાસામાં ટ્રાફિક સિગ્નલ વારંવાર બંધ થઇ જતા હોય તમામ સિગ્નલનું મેન્ટેનન્સ અને રિપેરિંગ કરાવો (૧૨) ડામરકામ વહેલું પૂર્ણ કરવા આદેશ કરો, રોડની બન્ને બાજુના સ્લોપ (ઢાળ) યોગ્ય છે કે નહીં તેનું ચેકિંગ કરાવો જેથી ચોમાસામાં રોડ ઉપર વરસાદી પાણી ન ભરાય (૧૩) ભારે વરસાદ વખતે ફાયર સ્ટેશનોના ફોન ઠપ્પ થઇ જાય છે, આવું ન થાય માટે દરેક સ્ટેશનમાં એકથી વધુ લેન્ડલાઇન ટેલિફોન નંબર ફાળવો અને તે નંબરો જાહેર કરો (૧૪) ફ્ક્ત ફાયર બ્રિગેડ જ નહીં તમામ બ્રાન્ચના શાખા અધિકારીઓ પાસેથી પ્રિ મોન્સુન કામગીરીનો વોર્ડ વાઇઝ અહેવાલ માંગો, યોગ્ય કામગીરી કરી ન હોય તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરો (૧૫) ચોમાસામાં વરસાદ હોય ત્યારે દર કલાકે વરસાદની વિગતો તેમજ આજી-૧ અને ન્યારી-૧ ડેમની સ્થિતિની લેટેસ્ટ વિગતો નાગરિકો જોગ જાહેર કરવાની વ્યવસ્થા કરો. (૧૬) ચોમાસામાં સૌથી વધુ ફરિયાદો ડ્રેનેજ છલકાવાની, ચોક અપ-જામ થવાની, ડ્રેનેજનું ગંદુ પાણી પીવાના પાણી સાથે ભળી જવાની આવે છે. ખાસ કરીને આ ફરિયાદો દિવસો સુધી ઉકેલાતી નથી, ફરિયાદ કેન્દ્રોના ફોન કોઈ ઉપાડતું નથી, કોન્ટ્રાકટર નો સ્ટાફ ફરિયાદ ઉકેલવાના પૈસા પેટે રૂ.૧૦૦થી ૫૦૦ જેવી રકમ પણ વસુલે છે. આવું ન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરો (૧૭) શહેરના મુખ્ય કનક રોડ ફાયર સ્ટેશનના ૫૦ વર્ષ જૂના બિલ્ડિંગમાં તેમજ ત્યાં આગળના મુખ્ય કંટ્રોલ રૂમમાં વરસાદી પાણી ટપકવાની સમસ્યા દૂર કરો (૧૮) ચોમાસા પૂર્વે શહેરના તમામ વોર્ડમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ ચલાવો, જેથી ક્યાંય પ્લાસ્ટિક કે અન્ય કચરાના કારણે પાણીનો પ્રવાહ અવરોધાય નહીં (૧૯) નવા ભળેલા ગામો સહિતના વિસ્તારોનો સમાવેશ થાય તે રીતે નવેસરથી પ્રિ મોન્સુન પ્લાન તૈયાર કરાવો, વર્ષોથી એકનો એક જ પ્લાન ફક્ત વર્ષ ફેરવીને જાહેર કરાય છે જે હવે જનતા પણ જાણે છે (૨૦) રોડ ઉપર થર્મો પ્લાસ્ટ પેઇન્ટ કરાવો જેથી ચોમાસામાં રોડ સાઇનેજીસ સ્પષ્ટ દેખાય તો અકસ્માતો ન સર્જાય, તમામ સ્પીડ બ્રેકર્સ ઉપર પટ્ટા દોરાવો (૨૧) ટ્રાફિક સર્કલ, ટ્રાફિક આઇલેન્ડ, રોડ ડીવાઈડરમાંના વૃક્ષોનું ટ્રીમિંગ કરાવો જેથી વળાંક વળતી વાહનચાલકો યોગ્ય રીતે રસ્તો જોઇ શકે, ટ્રાફિક વિઝિબિલિટી ડિસ્ટર્બ ન થાય આ સહિતની ૨૧ કામગીરી તત્કાલ શરૂ કરવા કોંગ્રેસે માંગણી કરી છે.

...તો કોંગ્રેસ શરૂ કરશે પ્રિમોન્સૂન કામગીરી

રાજકોટ મહાપાલિકામાં મિટીંગોના નામે વાતોના વડા બંધ કરી શહેરમાં તત્કાલ પ્રિમોન્સુન કામગીરી શરૂ કરાવો તેમજ જો મહાપાલિકા પ્રિ-મોન્સુન કામગીરી કરી શકે તેમ ન હોય તો રાજકોટ શહેર કોંગ્રેસના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરશે. પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત કરવાની થતી વિવિધ ૨૧ કામગીરી શરૂ કરવાની માંગણી સાથે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસનું એક સપ્તાહનું અલ્ટિમેટમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application