ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવા માટેના મહત્વના તમામ માપદંડમાંથી એક પણ માપદંડમાં રાજકોટનું હીરાસર એરપોર્ટ પાસ થતું નથી. ’રાજકોટનું એરપોર્ટ રાજકારણના ચક્રવ્યુહમાં ફસાયું છે’. તેવો અહેવાલ તારીખ 5 ઓગસ્ટના રોજ ’આજકાલ’માં પ્રસિદ્ધ થયા પછી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સ્થાનિક સત્તાવાળાઓએ ઇન્ટરનેશનલ એરપોર્ટ 15 ઓક્ટોબરથી શરૂ થઈ જશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ આ જાહેરાત વધુ એક વખત નિષ્ફળ નિવડી છે. હવે નવી મુદત જાહેર કરવામાં આવી નથી. પરંતુ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મેળવવા માટે જે માપદંડ નક્કી કરવામાં આવ્યા છે તેમાંથી એક પણ માપદંડમાં રાજકોટનું હીરાસર એરપોર્ટ પાસ થતું ન હોવાથી ભવિષ્યમાં પણ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામે રાજકોટને કોઈ સુવિધા મળવાની નથી તે વરવી વાસ્તવિકતા છે.
’આજકાલ’માં અહેવાલો પ્રસિદ્ધ થયા પછી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સત્તાવાળાઓએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 15 ઓક્ટોબરની તારીખ જાહેર કરી હતી પરંતુ હીરાસર એરપોર્ટની અત્યારની સ્થિતિ જોઈએ તો નવા બિલ્ડીંગમાં હજુ માત્ર 60 ટકા કામગીરી પૂરી થઈ છે અને 40 ટકા કામ બાકી છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે સૌથી મહત્વની અને પાયાની જરૂરિયાત કસ્ટમ અને ઇમિગ્રેશનની હોય છે. આ દિશામાં હજુ એકડો પણ મંડાયો નથી. ઇન્ટરનેશનલ ટર્મિનલ ક્યારે થશે ?તેવા સવાલો પૂછવાનો પણ કોઈ મતલબ નથી. કારણ કે હજુ તો ડોમેસ્ટિક ટર્મિનલના પણ કોઈ ઠેકાણા નથી.
ગયા ઓગસ્ટ માસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બિહારના સાંસદ રાજીવ પ્રતાપ રૂડી રાજકોટની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ’માત્ર ઇન્ટરનેશનલ નામ લખી દેવાથી તે ઇન્ટરનેશનલ એરપોર્ટ બની જતું નથી’ અને આ પછી વિવાદ શરૂ થયો હતો. દિલ્હી સુધી આ વાત પહોંચતા સૌરાષ્ટ્રના લોકોની લાગણી પર મલમપટ્ટા માટે એરપોર્ટ ઓથોરિટીએ 15 ઓક્ટોબર ની ડેઈટ જાહેર કરી હતી. પરંતુ આવી અનેક 15 ઓક્ટોબર પછી પણ રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળે તેવી કોઈ શક્યતા નથી તે વાત જેટલી વહેલી પ્રજા સ્વીકારી લેશે તેટલું યોગ્ય રહેશે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ્ના મોટા ગજાના આગેવાનો જ્યારે રાજકોટની મુલાકાતે આવતા હોય છે ત્યારે તેમના માટે જૂનું એરપોર્ટ ચાલુ કરવામાં આવે છે. પરંતુ પ્રજાને તો હવે નવા એરપોર્ટ જવા-આવવા માટે 35 કિલોમીટરના ધકકા થાય છે. ઇન્ટરનેશનલ એરપોર્ટનો ગોળ કોણીએ ચોટાડીને સ્થાનિક એરપોર્ટ પણ દૂર લઈ જવાયું છે. જ્યાં સુધી નવું એરપોર્ટ પૂર્ણ કક્ષાએ ચાલુ ન થાય ત્યાં સુધી જૂનું એરપોર્ટ ચાલુ રાખવાની માગણી કરનારાઓ પણ હવે શાંત પડી ગયા છે.
ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણી વખતે રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને 2024માં લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું લોકાર્પણ કર્યું હતું. લાંબો સમયગાળો પસાર થઈ ગયા પછી પણ હજુ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયું નથી. કારણ કે ફ્લાઇટની સંખ્યા મુસાફરોની અવરજવર, આવક, પેસેન્જર અને કાર્ગો ની આવક સહિતના રેવન્યુ કે પેસેન્જરના એક પણ મોડ્યુલમાં રાજકોટ ફિટ બેસતું નથી. દિલ્હી દેશની રાજધાની છે, મુંબઈ આર્થિક રાજધાની છે, બેંગ્લોર આઇટી હબ છે. પરંતુ રાજકોટમાં આવું કશું નથી અને તેથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ અહીંથી શરૂ થાય તેવી શક્યતા નથી. રિલાયન્સ ગ્રુપ્ના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન વખતે 10 દિવસ માટે જામનગરને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને અત્યંત ટૂંકા સમયગાળામાં આ એરપોર્ટ પર કસ્ટમ ઈમિગ્રેશન સહિતની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. 400 જેટલી વિદેશની ફ્લાઈટો જામનગરના એરપોર્ટ પર આવી હતી. આ બાબત જોતા ભવિષ્યમાં જો સૌરાષ્ટ્રને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે તો જામનગર તેના પ્રબળ દાવેદારમાં આવી શકે તેમ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech