સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરિણામો જાહેર થાય તે પહેલા એડમિશન પ્રોસેસ શરૂ, જીકાસમાં ક્વીક રજિસ્ટ્રેશન શરૂ

  • April 14, 2025 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચાલુ શૈક્ષણિક સત્રમાં સ્નાતકક્ષાની પરીક્ષાઓ હજુ પૂરેપૂરી લેવામાં આવી નથી. આ પરીક્ષાઓ ક્યારે લેવાશે અને ક્યારે તેના પરિણામો જાહેર થશે તે અંગે પણ કોઈ નિશ્ચિતતા ન હોવા છતાં યુનિવર્સિટીએ એડમિશન માટેની પ્રોસેસ જીકાસ પોર્ટલ મારફત શરૂ કરી હોવાનું બહાર આવી રહ્યું છે.


ચાલુ શૈક્ષણિક સત્રમાં પ્રથમ વખત ગુજરાત સરકારના કોમન એડમિશન પોર્ટલ પર રજિસ્ટ્રેશન અને એડમિશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને તેમાં ઘણું મોડું થવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ખાનગી યુનિવર્સિટીઓમાં અને ખાનગી કોલેજોમાં એડમિશન લઈ લીધા હતા. આ પરિસ્થિતિના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ભવનોમાં મોટા પ્રમાણમાં બેઠકો ખાલી રહેવા પામી છે. ભવિષ્યમાં આવું ન થાય તે માટે થોડા સમય પહેલા ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ મંત્રીની હાજરીમાં તમામ સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓની એક બેઠક બોલાવી હતી અને તેમાં વિદ્યાર્થીઓને ફોર્મ ફિલિંગમાં અને ચકાસણીમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત જીકાસ પોર્ટલને ધ્યાનમાં રાખી તે સંદર્ભની વ્યવસ્થા તારીખ 15 એપ્રિલ સુધીમાં પૂરી કરવા જણાવ્યું હતું.


સરકારની સૂચના મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જીકાસમાં ક્વીક રજીસ્ટ્રેશન શરૂ કરી દીધું છે અને આવા જ સેન્ટરો યુનિવર્સિટી સંલગ્ન 250 જેટલી કોલેજોમાં શરૂ કરી દેવામાં આવ્યા છે. અત્યારે યુનિવર્સિટી ભવનો અને કોલેજોમાં વિદ્યાર્થીઓના નામ, ઇમેલ આઇડી અને મોબાઈલ નંબર સાથે કવિક રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. હવે જ્યારે પરીક્ષાઓ પૂર્ણ થશે અને પરિણામ લેવાઈ જાહેર થઈ જશે ત્યાર પછી માર્કશીટ સાથે વિધિવત રજીસ્ટ્રેશન કરવામાં આવશે.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શિક્ષણ જગત સાથે સંકળાયેલા અનુભવીઓ કહે છે કે આ પ્રકારની કામગીરીની કોઈ જરૂર નથી. આ તો કામગીરીનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે. ખરેખર જો નક્કર કામગીરી કરવી હોય તો કવિક રજીસ્ટ્રેશન વખતે જ કોર્સવાઈસ સેન્ટ્રલ એડમિશન સિસ્ટમ જાહેર કરવી જોઈએ. આવું લિસ્ટ હજુ સુધી બહાર પડાયું નથી અને તેના કારણે વિદ્યાર્થીઓને કયા કોર્સમાં એડમિશન લેવું તે સૌથી મોટી મૂંઝવણ કવિક રજીસ્ટ્રેશનના મામલે જોવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News