વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડાવવાના કેસમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો

  • April 15, 2025 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
લીધેલા નાણા વ્યાજ સહિત ભરપાઈ કરી દીધા છતાં ધાકધમકીથી કરવામાં આવતી ઉઘરાણીનો ત્રાસ આપી પરિવારના મોભીને ઘર છોડાવવા મજબૂર કરવાના નવ વર્ષ પહેલાંના કેસમાં અદાલતે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.

રાજકોટમાં વર્ષ ૨૦૧૬માં આજીડેમ પો.સ્ટે.માં કોઠારીયા રોડ ઉપર રહેતા ફરિયાદી શિલ્પાબેન વિજયભાઈ બોઘરાએ મતલબની પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે, તેના પતિ વિજયભાઈએ કેટલાક લોકો પાસેથી ધંધાકીય કામકાજ માટે રોકડ રકમ વ્યાજે લીધેલ હોય જે રકમ તથા વ્યાજ આપી દીધેલ હોવા છતાં વ્યાજના રૂપિયા તથા મુદ્દલ રકમની ઉઘરાણી કરી, ધાક ધમકી આપતા હોય જેથી વિજયભાઈ બોઘરા ઘરેથી કોઈને કહ્યા વગર જતા રહેલ હતા અને ત્યારબાદ આરોપીઓ અવારનવાર ફરિયાદીના ઘરે આવી બળજબરીથી વ્યાજના પૈસાની રકમ કઢાવવા ધાકધમકી આપી ઘર છોડી જવાની ધમકી આપી ગુન્હો આચર્યાની મહીલા શીલ્પાબેન બોઘરાની ફરીયાદ ઉપરથી પોલીસે આઈ.પી.સી.ની તથા મની લેન્ડ એકટની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધી અને તાત્કાલીક તપાસ શરૂ કરી ઘનશ્યામ અમરાભાઈ જળુ, જીજ્ઞેશ ઉર્ફે પથુભાઈ બાવાભાઈ ચાવડા, ધર્મેશ બાવાભાઈ ચાવડા, રમેશભાઈ ઉર્ફે મુનભાઈ ભીખુભાઈ રાઠોડ, લાભુભાઈ રાઠોડની ઘરપકડ કરી ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાન સદરહુ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા બચાવ પક્ષ તરફે યુવા વકીલ હેમાંશુ પારેખ દ્વારા પોતાની દલીલમાં રજુઆત કરવામાં આવેલ કે ઘર મુકીને ચાલ્યા જનાર વિજયભાઈએ આજ દિવસ સુધી કોઈ ફરિયાદ અરજી કરેલ નથી. અને તેઓએ નાણાં ન ચુકવવા પડે તે માટે પોતાની પત્ની પાસે લાંબા સમય બાદ ફરીયાદ કરાવેલ છે અને વિજયભાઈને ચેક રિટર્ન કેસમાં સજા થઈ ગયેલ અને ત્યારબાદ તેઓએ રકમ ચુકવી સમાધાન કરેલ છે. આમ આરોપીઓએ ઘરમાં ઘુસીને ધાકધમકીઓ આપેલ હોય કે કોઈ બળજબરી કરીને કોઈ વસ્તુ કે દસ્તાવેજો પડાવેલ હોય તેવું બનેલ નથી, તેમજ સાક્ષીઓની જુબાનીઓમાં વિરોધાભાસ જણાઇ આવે છે, જે ધ્યાનમાં રાખી અદાલતે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવ્યો હતો. આ કામમાં આરોપીઓ તરફે લો ફર્મ યુવા લો એસોસિએટના એડવોકેટ હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, કુલદીપ ચૌહાણ, યશપાલ ચૌહાણ, નીધી રાયચુરા, ડેનીશા રાઠોડ, નયન મણીયાર, વાય.વાય.શેખ તથા લો આસીસ્ટન્ટ સતીષ હેરમા એડવોકેટ તરીકે રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application