સયાજી હોટેલ સામે આવેલા જીમમાં મહિલા કર્મીને છુટા પૈસા આપવાનું કહી ૨૦ હજાર તફડાવી લીધા

  • May 23, 2025 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સયાજી હોટેલ સામે આવેલા ફિઝિયોફિટ જીમમાં એક અજાણ્યા શ્ખસે છુટા પૈસા આપવા બાબતે વાતચીત કરી અહીં જીમમાં નોકરી કરનાર યુવતી પાસેથી રૂપિયા 20,000 રોકડ લઇ નંબર પ્લેટ વગરનું બાઈક લઈ નાસી ગયો હતો. જે અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ શખસે આ પ્રકારે આઠેક તફડંચીને અંજામ આપ્યો હોવાનું માલુમ પડ્યું છે. આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.


સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ આર્ય શ્રી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતી હીમાબેન રજનીશભાઈ રાઠોડ (ઉ.વ 19) નામની યુવતીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કાલાવડ રોડ પર મોકાજી સર્કલ તરફ સયાજી હોટલ સામે આવેલ ફિઝિયોફિટ જીમ ખાતે છેલ્લા 8 મહિનાથી નોકરી કરે છે.


ગઈ તા. 12/5 ના રોજ સવારના 6 થી બપોરના 1 વાગ્યા સુધીની અહીં જીમમાં તેમની શિફ્ટ હોય બપોરના આશરે 12:00 વાગ્યા આસપાસ જીમમાં એક અજાણ્યો શખસ આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, અહીં નજીકમાં જ મારી દુકાન છે અને હું અવારનવાર અહીંથી 500 વાળી નોટ લઈ જતો હોઉં છું અને તેના બદલામાં 200 વાળી નોટ આપી જતો હોઉં છું અને અહીંનો બધો સ્ટાફ મને ઓળખે છે તો તમે મને 500 વાળી નોટ આપો એટલે હું તમને 200 વાળી નોટ આપી જાવ તેવી વાત કરતા છૂટા પૈસાની જરૂરિયાત હોય અને આ શખસે જીમના સ્ટાફને ઓળખતા હોવાનું કહેતા ફરિયાદીએ તેમને 500ના દરની 40 નોટ છુટા કરવા માટે આપી હતી. આ શખસ ફરિયાદી પાસેથી પૈસા લઈ બહાર પડેલ પોતાના બાઈક તરફ ગયો હતો અને ફરિયાદી અહીં જીમના ગેટ પાસે ઊભા હતા. દરમિયાન આ શખસ નંબર પ્લેટ વગરનું પોતાનું બાઈક લઇ નાસી ગયો હતો. જેથી ફરીયાદી તુરંત સિક્યુરિટીને જાણ કરી હતી. બાદમાં આજુબાજુમાં તપાસ કરતા આ શખસ ક્યાંય મળી આવ્યો ન હતો આમ છુટા પૈસા કરાવવાના બહાને અહીંથી રૂપિયા 20,000 રોકડ લઈ આ નાસી ગયા અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.


તફડંચીના આ બનાવને લઈ તાલુકા પોલીસ મથકના સ્ટાફે તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ ચકાસતા એક શંકાસ્પદ શખસ નજરે પડ્યો હતો. આ શખસે આ પ્રકારે જ તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જ પાંચ સહિત કુલ આઠેક તફડંચીને અંજામ આપ્યો હોવાનું માલુમ પડ્યું છે. હાલ આ શખસ પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application