આજે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ

  • July 16, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સુરત જિલ્લાના ઉમરપાડામાં આજે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન 14 ઈચથી વધુ વરસાદ ખાબકયા પછી આજે રાજ્યના અન્ય વિસ્તારો ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્રમાં જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગુજરાતમાં છોટાઉદેપુર સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેવા કે રાજકોટ જામનગર પોરબંદર દ્વારકા બોટાદ અને ગુજરાતમાં વડોદરા ભરૂચ ડાંગ તાપી માટે ભારે વરસાદનું યલ્લો એલર્ટ યલ્લો હવામાન વિભાગે આપ્યું છે અને જણાવ્યું છે કે રાજ્યના અન્ય તમામ મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમાં વરસાદ પડશે.
દરમિયાનમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 214 તાલુકામાં સામાન્યથી અતિ ભારે વરસાદ પડ્યો છે, સુરત જિલ્લાના ઉમરપાડામાં 14 ભરૂચ જિલ્લાના નેત્રંગમાં સાડા સાત નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં 6 નાંદોદમાં સાડા પાંચ તિલકવાડામાં ચાર ઇંચ વરસાદ થયો છે રાજ્યના 73 તાલુકા એવા છે કે જ્યાં એક ઇંચ કે તેનાથી વધુ વરસાદ થયો છે.


ભાદરમાં દોઢ ફૂટ પાણી આવ્યું સપાટી 15 ફૂટને પાર પહોંચી
રાજકોટ અને જેતપુરની જીવાદોરી સમાન સૌરાષ્ટ્રના બીજા ક્રમના સૌથી મોટા એવા ભાદર-1 ડેમમાં દોઢ ફૂટ પાણીની આવક થતા સપાટી 15 ફૂટને પાર પહોંચી છે. જો કે કુલ 34 ફૂટની ઉંડાઇનો ભાદર-1 ડેમ ઓવરફ્લો થવામાં હજુ 18.90 ફૂટનું છેટું છે.
વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ ગત સવારે સાતથી આજે સવારે સાત સુધીના છેલ્લા 24 કલાકમાં કુલ 82માંથી 8 ડેમમાં નવા નીરની આવક થઇ છે જેમાં રાજકોટ જિલ્લામાં ભાદર-1માં 1.57 ફૂટ, ફોફળમાં 2.20 ફૂટ, વેણુ-2માં અડધો ફૂટ, છાપરવાડી-2માં 6.23 ફૂટ, મોરબી જિલ્લામાં મચ્છુ-2માં 0.16 ફૂટ, જામનગર જિલ્લામાં રૂપારેલમાં 0.03 ફૂટ, દ્વારકા જિલ્લાના શેઢા ભાડથરીમાં 0.16 ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે.


બંગાળની ખાડીમાં શુક્રવાર આસપાસ લો પ્રેસર સર્જાશે
બંગાળની ખાડીમાં આગામી તા. 19 આસપાસ વેસ્ટ સેન્ટ્રલ દિશામાં એક લો પ્રેશર સર્જાશે તેવી ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ લોપ્રેશર કેટલું પ્રભાવશાળી બનશે તેની અસર બાબતે એકાદ બે દિવસમાં અનુમાન આવી જશે. જો આ લોપ્રેસર વાવાઝોડામાં પરિવર્તિત થશે અને ગુજરાત તરફ આવશે તો વરસાદનો આ રાઉન્ડ વધુ લાંબો ચાલશે.
બીજી બાજુ દક્ષિણ ગુજરાતથી કેરલ સુધીના અરબી સમુદ્રમાં ઓફ શોર ટ્રફ સર્જાયો હોવાથી અરબી સમુદ્રમાં પણ જોરદાર કરંટ જોવા મળે છે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ અને મેરી ટાઈમ બોર્ડ દ્વારા આગામી તારીખ 19 થી માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપી છે, હવામાન ખાતાના જણાવ્યા મુજબ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં આ સમયગાળા દરમિયાન પ્રતિ કલાકના 40 થી 45 કીલોમીટરની ઝડપે પવન ફુકાશે અને અમુક તબક્કે તેની ઝડપ વધીને 55 થી 60 કિલોમીટર આસપાસ થઈ જવાની શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application