વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામે માહિતીસભર લઘુશિબિર યોજાઇ
જામનગર તા.૨ ઓગસ્ટ, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપરટોડા હેઠળ આવતા મોટી વેરાવળ આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત માહિતીસભર લઘુશિબિર યોજાઇ હતી. વિશ્વભરમાં સ્તનપાનને પ્રોત્સાહન આપવા અને બાળકોના સ્વાસ્થ્યને સુધારવાના હેતુથી ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
આ લઘુશિબિરમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન છે. (WHO) અનુસાર નવજાત શિશુને જન્મ પછી છ મહિના સુધી માત્ર માતાનું દૂધ જ પીવડાવવું જોઈએ. બાળકને માતાનું સારું દૂધ મળે તો તેને જીવનભર ઘણી બીમારીઓ થતી નથી. સ્તન દૂધમાં એન્ટિબોડીઝ હોય છે જે વાયરસ અને બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. માતાનું દૂધ નવજાત શિશુની અંદર શક્તિ ભરવાનું કામ કરે છે. તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.એટલું જ નહીં, માત્ર બાળકો માટે જ નહીં પરંતુ માતા માટે પણ બાળકોને સ્તનપાન કરાવવું જરૂરી છે. સ્ત્રીઓમાં, તે સ્તન કેન્સર, અંડાશયના કેન્સર, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે. વિશ્વ સ્તનપાન દિવસ મહિલાઓમાં જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે.
તેમજ લોહતત્વ ગોળી, કૃમિનાશક ગોળી, વિટામીન એ, કુટુંબ નિયોજન પદ્ધતિ વિષે માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર માહિતી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એચ.એચ.ભાયા અને આર.સી.એચ.શ્રી ડો.નુપુર પ્રસાદના માર્ગદર્શન હેઠળ ડી.એસ.બી.સી.સી ચિરાગભાઈ પરમાર અને લાલપુર તાલુકા હેલ્થ ઓફિસર ડો.પી.ડી.પરમારના સહયોગથી આરોગ્ય ટીમના સંજયભાઈ નંદા, ભાવીશાબેન ચાવડા તેમજ ભાનુબેન વાઘેલા દ્વારા આપવામાં આવી હતી તેમજ પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું.