રાજકોટમાં દીકરાની હત્યાનો બદલો લેવા સગા ફૂવા અને તેના બે પુત્રોએ યુવકનું કારમાં અપહરણ કરી ધોકા-છરી મારી ફેંકી દીધો, સારવારમાં મોત

  • May 15, 2025 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ભાઈની હત્યાનો બદલો લેવા પિતરાઈનું અપહરણ કરી ધોકા-છરીથી જીવલેણ હુમલો કરી રોડ ફેંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું ચાલુ સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. હત્યાના બનાવના પગલે મેટોડા પોલીસ સિવિલ હોસ્પિટલએ દોડી ગઈ હતી અને યુવકનું અપહરણ કરી જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવનાર યુવકના સગ્ગા ફુવા અને તેના બે દીકરાઓ સહીત ચાર સામે પોલીસએ ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ મૂળ પડધરીના ઢોકળીયા ગામનો વતની હાલ રૈયાધારમાં ઇન્દિરાનગરમાં મોટાબા નાથીબેન સાથે રહી મેટોડામાં કારખાનામાં કામ કરતો શિવરાજ ગોવિંદભાઇ મુછડીયા (ઉ.વ.18)નો તા.13ના સાંજે આઠેક વાગ્યે મેટોડા જીઆઇડીસી ગેઇટ નં-1 પાસે હતો ત્યારે ફુવા હમીર મનજીભાઇ મેરિયા તેના બે પુત્ર રાહુલ, ખુશાલ (રહે-ત્રણેય નવા 150 ફૂટ રિંગ રોડ, પરશુરામ મંદિર પાસે) તેનો મિત્ર રોહિત કિરીટભાઈઓ ઉર્ફે તીરથભાઈ રાખસીયારહે-મેટોડા) બધા કારમાં આવી યુવકને બળજબરીપૂર્વક કારમાં બેસાડી મુંજકા પરશુરામ મંદિર પાસે લઈ જઈ ધોકા અને છરી વડે હુમલો કરી આડેધડ ધોકા અને છરીના ઘા મારતા યુવકને ગંભીર ઈજાઓ થતા રોડ પર ફેંકી ચાલ્યા ગયા હતા.


મૃતક શિવરાજ ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો

દરમિયાન રાહદારીએ યુવકને લોહીલૂહાણ હાલતમાં જોતા 108માં જાણ કરી હતી અને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલ આ વચ્ચે શિવરાજએ પરિવારજનોને ફોન કરતા હોસ્પિટલએ દોડી ગયા હતા. શિવરાજનું મોડીરાત્રે સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો. મૃતક શિવરાજ ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો અને તેના માતા-પિતા હુમલો કરનાર હમીરભાઈના દીકરા જયદીપની હત્યાના ગુનામાં જેલ છે.


પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી

બનાવના પગલે મેટોડા પોલીસે મૃતક શિવરાજના મોટા બાપુ રાજેશભાઇ (રાજુભાઇ) પ્રેમજીભાઇ મુછડીયા (ઉ.વ.૫૭-રહે. રૈયાધાર ઇન્‍દિરાનગર-૧૨/૧૩નો ખુણો, મુળ વતન ઢોકળીયા તા. પડધરી)ની ફરિયાદ પરથી રાહુલ હમીરભાઇ મેરીયા, ખુશાલ હમીરભાઇ મેરીયા, હમીરભાઇ મનજીભાઇ મેરીયા અને રોહિત કિરીટભાઇ ઉર્ફ તીરથભાઇ રાખશીયા સામે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી છે.


શિવરાજને મોતને ઘાટ ઉતારી દીધો હતો

રાજેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા બનેવી એટલે કે શિવરાજના ફુવા હમીર મનજીભાઇ મેરીયાનો મોટો દિકરો જયદિપ દારૂ પીને અવાર-નવાર મારા નાના ભાઇ ગોવિંદભાઇના ઘરે ઢોકળીયા ગામે જતો હોઇ અને ગોવિંદભાઇને મને તમારી દિકરી ગમે છે, તેની સાથે લગ્ન કરાવી દો તેમ કહેતો હોઇ ઝઘડા કરતો હોઇ જેથી થોડા મહિના પહેલા મારા ભાઇ ગોવિંદભાઇ અને ભાભી કંચનબેને આ જયદિપને મારકુટ કરતા મોત થયું હતું. આ ગુનામાં ભાઇ-ભાભી જેલમાં છે. આથી મારા બનેવી હમીર મેરીયાના દિકરાઓ રાહુલ, ખુશાલે પોતાના ભાઇ જયદિપની હત્‍યાનો બદલો લેવા મારા ભત્રીજા એટલે એ બંનેના મામાના દિકરા એવા શિવરાજનું અપહરણ કરી મેટોડાથી રાજકોટ લાવી પોતાના પિતા હમીર મેરીયા અને મિત્ર રોહિત સાથે મળી શિવરાજને મોતને ઘાટ ઉતારી દીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application