ગોંડલના જયરાજસિંહ જાડેજા, ગણેશ અને અલ્પેશ ઢોલરિયા વિરૂદ્ધ બેફામ વાણીવિલાસ કરનાર બન્ની ગજેરા અને તેના સાગરીત પિયુષ રાદડિયાની ધરપકડ

  • May 19, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય તથા તેના પુત્ર ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ગોંડલનાં ભાજપી આગેવાનો વિશે સોશિયલ મિડિયામાં વીડિયો બનાવી બેફામ વાણીવિલાસ કરનાર ભાવિન ઉર્ફે બન્ની ગજેરા તથા તેની મદદગારી કરનાર ગોંડલ નાં પિયુષ રાદડીયાની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરીછે.


પિયુષ રાદડિયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી 

પ્રાપ્ત વિગત મુજબ જેતપુર તાલુકાનાં મોટાગુંદાળા રહેતા ભાવિન ઉર્ફે બન્ની ગોરધનભાઈ ગજેરા સામે ગોંડલ તાલુકા પોલીસ ઉપરાંત સુલતાનપુર પોલીસમાં ફરિયાદ થઇ હોય ડીવાયએસપી ઝાલાનાં માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ ઓડેદરા તથા તાલુકા પીઆઇ પરમારની ટીમ દ્રારા બન્નીની શોધખોળ હાથ ધરાતા તપાસનાં અંતે ઉત્તરાખંડનાં નૈનીતાલથી ઝડપી લીધો હતો. વધુમાં તેને મદદગારી કરનાર ગોંડલ પિયુષ લાલજીભાઈ રાદડિયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી કાર્યવાહી કરી હતી.


બન્ની વીડિયો સોશિયલ મીડીયામાં અવારનવાર મૂકી ચર્ચાસ્પદ બન્યો 

છેલ્લા કેટલાક સમયથી બન્ની ગજેરા પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા, તેના પુત્ર ગણેશ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા વિરૂદ્ધ બેફામ વાણીવિલાસ કરતા વીડિયો સોશિયલ મીડીયામાં અવારનવાર મૂકી ચર્ચાસ્પદ બન્યો હતો.


બન્નીએ 11 લાખની માંગણી કરી હતી

દરમિયાન ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખને તેમના જ મિત્રની પત્ની સાથે અનૈતિક સંબધં હોવાનો એક વીડિયો વાઇરલ કર્યો હતો. બાદમાં આવા વીડિયો નહીં બનાવવા સમજાવટ કરવા જતા બન્નીએ 11 લાખની માંગણી કર્યા મામલે પોલીસ ફરિયાદ થઇ હતી. જેમા તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ ઠુંમરે સુલતાનપુર,  પોલીસ તથા  ઉપપ્રમુખ વિશાલભાઈ ખુંટે ગોંડલ તાલુકા પોલીસ ઉપરાંત જેતપુરનાં વેપારી અતુલભાઈ માવાણીએ ઉપરોકત મામલે ખંડણી તથા ધમકી આપવા અંગે જેતપુર પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ કરતા બન્ની સામે અલગ અલગ ત્રણ ગુનાઓ નોંધાયા હતા.


પિયુષ રાદડિયા સામે અમદાવાદ બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઇ ચુક્યો છે

જ્યારે ગોંડલનો પિયુષ રાદડિયા બન્ની ગજેરાને માહિતી પુરી પાડી વીડિયો વાઈરલ કરવા મદદરૂપ બનતો હતો. નાશી છૂટેલા બન્ની ગજેરાને બાતમીનાં આધારે નૈનીતાલથી દબોચી લીધો હતો. જ્યારે પિયુષ રાદડિયાને ગોંડલથી ઝડપી લઇ પુછપરછ હાથ ધરી છે. સોશિયલ મીડીયામાં વીડિયો વાઇરલ કરી બેફામ વાણીવિલાસ કરનાર બન્ની ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે જેતપુર, ઉપલેટા, સુલતાનપુર, બનાસકાંઠા ડીસા સહિત ગુના નોંધાયા છે. જ્યારે પિયુષ રાદડિયા સામે અમદાવાદ બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઇ ચુક્યો છે


તાલુકા બાદ સિટી પોલીસે બન્નેની કરી ધરપકડ

પોલીસે બન્નેની ધરપકડ કરી કાર્યવાહી કર્યા બાદ બન્નેનો જામીન પર છુટકારો થતા ગોંડલ એ'ડીવીઝન પોલીસે નોંધાયેલી ફરિયાદના કામે બન્નેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ગોંડલનાં સુખનાથનગરમાં રહેતા નિલેશભાઈ ગોવિંદભાઈ સાવલિયાએ બન્ની ગજેરા સામે સોશિયલ મીડિયામાં ગોંડલનાં રાજકારણ વિરૂધ્ધ અપમાનજનક ટીપ્પણીઓ કરી હોય તથા પાટીદાર તથા ક્ષત્રીય સમાજ વચ્ચે વૈમેનસ્ય સર્જાય તેવા વીડીયો વાઇરલ કરવા અંગે એ'ડીવીઝન પોલીસમાં ફરિયાદ કરી હોય પીઆઇ. એ.વી.ડામોરે બન્ની તથા પિયુષની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application