પોરબંદરથી ૬૦ કિ.મી.ના અંતરે આવેલ યાત્રાધામ માધવપુર પ્રવાસીઓ માટે હોટફેવરીટ બન્યુ છે અહીંયા અનેક ઐતિહાસિક સ્થળો ધરાવતી માધવનગરીનો રમણીય બીચ પણ આકર્ષણનું કેન્દ્રબિન્દુ બન્યો છે અને આ યાત્રાધામને વિકસાવવા માટે ૪૩ કરોડ જેવી માતબર રકમ મંજૂર થયા બાદ અનેકવિકાસ કામો ધમધમી રહ્યા છે.
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના પોરબંદર જિલ્લાનાં પોરબંદર તાલુકામાં આવેલું માધવપુર મહત્વનું દરિયાકાંઠાનું ગામ છે.આ ગામ પોરબંદર શહેરથી આશરે ૬૦ કિ.મી.ના અંતરે પાકા ડામર માર્ગે જોડાયેલ છે.જ્યાં પહોંચવા માટે એસ.ટી.બસ અથવા ખાનગી વાહન દ્વારા જઈ શકાય છે. તેના આજુબાજુના પંથકને ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે. સિંહોની ત્રાડ જેવા ઘુઘવાટા કરતો પશ્ચિમ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો, લીસી રેશમ જેવી રેતી, અફાટ જળરાશિ, નાળિયેરીના અખુટ વન અને અમાપ લીલોતરીથી આંખો અને હદયને ભરી દેતુ માધવપુરનું કુદરતી સૌંદર્ય ચારે તરફ પથરાયેલ જોવા મળે છે.આ ભુમિ ખાસતો ભગવાનશ્રી કૃષ્ણની લગ્નભુમિ તરીકે વધારે પ્રખ્યાત છે. મધુવંતીને વન મધુ, ત્રીજા દરિયાલાલ, મધમીઠાં જીવતર તિહાં, જિહાં માધવ પરમ કૃપાલ. આ ગામમાં આંગણવાડી, તાલુકા પ્રાથમિકશાળા, હાઈસ્કુલ, દુધની ડેરી, બસસ્ટેશન, હોસ્પીટલ વગેરે સગવડો આવેલી છે.
ગામનો ઈતિહાસ
રાજાશાહીના સમયમાં માધવપુર ગામ ઉપર પોરબંદરના જેઠવા રાજપુતોનું રાજ હતું.તેઓને "મહારાજા રાણાસાહેબ" નો ખિતાબ પણ મળેલ હતો.જેથી તેઓ રાણા તરીકે પણ ઓળખાય છે.આ ઉપરાંત માધવપુર ઘેડ કાંપવાળો ફળદ્રુપ પ્રદેશ હોવાને લીધે વસ્તીની સઘનતા છે.અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન, માછીમારી, બેલાની ખાણ તેમજ ટ્રાન્સપોર્ટનો છે.
ચોમાસામાં નદીઓના પાણી ઘેડમાં ભરાઈ રહે છે.ચોમાસુ ઉતરતા અહીં વાવણી શરૂ થાય છે.જેથી વાવણી પછી પાકને પાણી ઓછુ પાવુ પડે છે.અહીં કાંપનાં ભેજને કારણે મોલ પાકે છે. જે માધવપુર ઘેડ પંથકની એક આગવી ખાસિયત છે.તેમજ સૌરાષ્ટ્રમાં પ્રાચીન દ્વારકા જે કેટલાક સ્થળોએ હોવાનો દાવો થાય છે. તેમાં માધવપુર પણ એક છે. ઘેડપંથકની ઘણી જગ્યાએ એક હજાર વર્ષ પહેલાનાં અવશેષો મળી આવે છે.
ઘેડ પ્રદેશની ઓળખ
માધવપુર ગામની આજુબાજુનો વિસ્તાર ઘેડ તરીકે ઓળખાય છે, તેની પણ એક અલગ વિશેષતા છે.સામાન્ય રીતે કોઈપણ નદીના મુળથી મુખ સુધીમાં ત્રણ ભાગ હોય છે.જે ગિરિપ્રદેશ, મેદાન પ્રદેશ અને મુખ પ્રદેશ. જેમાં મુખ પાસે નદીનો વેગ ધીમો હોય છે. તેમાં કાંપને ઘસડી જવાની શક્તિ નથી હોતી.આથી મુખ પાસે કાંપ એકત્ર થતો જાય છે. નદીના આવા ભાગને ઘેડ કહે છે. સૌરાષ્ટ્રમાં દ્વારકાથી સોમનાથ સુધીના વિસ્તારમાં બે ઘેડ મુખ્ય છે. એક બરડા ઘેડ અને બીજો સોરઠઘેડ. સાની, સોરઠી અને વર્તુનો ઘેડ તે બરડા ઘેડ, પોરબંદર, કુતિયાણા, કેશોદ અને માંગરોળ,જુનાગઢ જિલ્લો તાલુકાના નીચાણવાળા પ્રદેશમાં ભાદર નદી, ઓઝત નદી અને મધુવંતી નદીના ઘેડ પ્રદેશ આવેલા છે.પશ્ચિમ કાંઠાનો આ સૌથી મોટો ઘેડ છે.
ભાદર નદીથી બનતા ઘેડને ભાદરકાંઠો તથા ઓઝત નદી અને મધુવંતી નદીથી બનતા ઘેડને ઘેડ કહેવાય છે.ઘેડનો વિસ્તાર જયાંથી પુરો થાય, ત્યાંથી અલગ પડતા પ્રદેશને ઘેડ કહેવાય છે. આમ ઓઝત-મધુવંતીનો માધવપુર ઘેડ તેના પ્રાચીન ધાર્મિક સ્થળોને કારણે ધર્મારણ્ય લેખાયો છે.આ પ્રદેશના મુખ્ય સંપ્રદાયો રામદેવપીર,સ્વામીનારાયણ સંપ્રદાય અને વૈષ્ણવ છે.ઘણા વૈષ્ણવ કવિઓ આ પંથકે પકવ્યા છે.વેલાબાવા અને રામૈયા જેવા સંતો ઘેડની નિપજ છે. મેર જ્ઞાતિમાંથી આઈ લીરબાઈમાં જેવા સ્ત્રીસંત પણ ઘેડમાં જન્મયા છે.અમરપુરી,મોતીગર,તપસી મહારાજ, યોગી વસનગર, રામગર, નેભાભગત વગેરે.જેવા તેજસ્વી ભકતોની વાણી માધવપુરનાં ગામડાઓમાંથી વહી છે.
શ્રી માધવરાયજીનું પૌરાણિક મંદીર
માધવપુર ઘેડમાં શ્રી માધવરાયજીનું પૌરાણિક મંદીર આવેલું છે,આ ભગ્નમંદીર સોલંકી ઢબનું ચૌદમી પંદરમી સદીનું ગણાય છે.મંદીર ઉતમ શિલ્પખચિત છે. તેની પ્રાચીનતા અને કલાસમૃધ્ધિ નયનાર્ષક છે. સમુદ્રકિનારા પર રેતીથી અર્ધ દટાઈને ઈતિહાસ જાળવીને હજુ પણ આ મંદીર બેઠુ છે.મંદીરનું શિખર વર્તુળાકાર છે.પુર્વે ઉત્ખન્ન દરમિયાન મંડોવરનો મહત્વનો નીચેનો ભાગ દટાયેલો મળી આવ્યો હતો.તેની આસપાસ જીર્ણવાવ, સપ્તમાતૃકા અને અન્ય મંદીરના ભગ્નાવશેષો પણ મળી આવેલા છે.માધવરાયજીના આ મંદીરને ૧૬ થાંભલા છે.૧૬ થાંભલાયુકત મંડપ "સિંહમંડપ" તરીકે જાણીતો છે.તેમાંના આઠ થાંભલા શિખરને ટેકવે છે. બાકીનાં આઠ સ્તંભ મંડપ તથા પ્રવેશની છતને ટેકવે છે.
માધવરાયજીનું આ જુનુ મંદીર પુરાતત્વનાં અવશેષરૂપે સાચવવામાં આવેલુ છે.નવું મંદીર લગભગ સતરમી સદીમાં બનાવેલુ છે.જે પોરબંદરના રાણા વિકમાતજી અને રૂપાળીબાએ બંધાવી આપેલ છે.આ નવા મંદીરમાં જુના મંદીરની જ પ્રતિમા (મુર્તિઓ) પધરાવવામાં આવેલ છે. કહેવાય છે કે સૌરાષ્ટ્રનાં વિખ્યાત બહારવટીયા મુળુ માણેક અને જોધા માણેક અહીં આવીને પ્રાચીન મંદીર પર ભગવાન કૃષ્ણની ધજા ફરકાવી ગયેલા હતા. હાલ આ મંદીરનો વહીવટ ખુબ જ સરસ રીતે શ્રી માધવરાયજી મંદીર ટ્રસ્ટ સંભાળે છે.દર વર્ષે ભરાતા મેળા અને રૂક્ષ્મણી વિવાહનુ સુંદર આયોજન પણ ટ્રસ્ટ જ કરે છે.
માધવપુરનો મેળો
મનુષ્યનું જીવન વેદના અને સંવેદનાથી પસાર થાય છે. લોકો પોતાની વેદના અથવા આનંદ વ્યકત કરતા રહે છે. વ્યકત કરવા માટેનું માધ્યમ કાવ્ય કે લેખ બને છે અને અનુભવવા માટે અલગ અલગ જગ્યાએ યોજાતા મેળાઓમાં જાય છે.આમ પણ પ્રાચીનકાળથી જ ભારતમાં સૌથી વધુ મેળાઓ થાય છે. આમ સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ મેળાઓ ભરાય છે, જેવાકે ભાદરવા સુદ ૫ એટલેકે ઋષિપંચમીના દિવસે તરણેતરનો મેળો યૌવન,રંગ,રૂપ,મસ્તી,લોકગીત,દુહા અને લોકનૃત્યનો મેળો ભરાય છે.જયારે બીજો ગરવા ગિરનારની ગોદમાં મહા વદ ૧૪ એટલેકે મહાશિવરાત્રિના દિવસે ભરાતો ભવનાથનો મેળો અલખના આરાધકોનુ મિલન સ્થળ છે જયાં ભારત ભરનાં સાધુ સંતો ભેગા થાય છે.જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે. જયારે અહી માધવપુરમાં ચૈત્ર સુદ ૯ એટલે કે રામનવમીના દિવસે લગ્નોત્સવને કેન્દ્રમાં રાખીને ભકિત-કીર્તનનો પાંચ દિવસનો માધવપુરનો મેળો ભરાય છે.જે ચૈત્ર સુદ ૧૩ ના દિવસે પુર્ણ થાય છે. કહેવાય છે કે આ મેળાની શરૂઆત લગભગ તેરમી સદીની આસપાસથી થઈ હશે.
ઐતિહાસિક કથા અને મહત્વ
વિશ્વમાં ઉજવાતા અલગ-અલગ ઉત્સવોની પાછળ કાંઈકને કાંઈક કથાઓ જોડાયેલી છે.તેવી જ રીતે માધવપુર ઘેડમાં ભરાતા મેળાની કથા ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન પ્રસંગની સાથે જોડાયેલ છે.પુરાણ કથા મુજબ વિદર્ભનાં રાજકુંવરી રૂક્ષ્મણીનું ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના દિવસે ભરાતા ભવનાથનો મેળામાંથી અપહરણ કરીને શ્રીકૃષ્ણ માધવપુર લઈ આવેલ,ત્યારબાદ અહી માધવપુરમાં તેમના લગ્ન થયા હતા. ત્યારપછીથી તેમની યાદમાં દર વર્ષે અહીં ભારતીય શાસ્ત્રોકત વિધીથી લગ્નની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. આ લગ્નમાં દેશવિદેશથી દરેક જ્ઞાતિનાં લોકો જોડાય છે, જેથી અલગ અલગ ક્ષેત્રનાં લોકો આ મેળામાં આવતાં હોવાથી દરેક પ્રદેશનાં પોશાકો, ભાષા, રિતરીવાજ તેમજ કૌશલ્ય જોવા મળે છે. આ લગ્ન પ્રસંગની ઉજવણી બધા જ લોકો સાથે રહીને કરે છે. આમ પ્રાચીન સમયથી ચાલી આવતી લગ્ન પરંપરાને જીવંત રાખતો આ મેળો ઉજવાય છે.
પ્રસંગો અને ઉજવણી
ભારતીય સંસ્કૃતિમાં લગ્નપ્રસંગ એ બધાનાં જીવન સાથે વણાઈ ગયેલ છે.જે આદિકાળથી દેવી દેવતા અને સામાન્ય મનુષ્યમાં એમ દરેકના જીવનની સુમધુર ઉજવણી છે. આમ ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણને લાડ લડાવવા તેમના લગ્નની યાદની ઉજવણી માધવપુર ઘેડમાં પાંચ દિવસ ચાલે છે. આ મેળાનુ સુંદર આયોજન અને બધી વ્યવસ્થા શ્રી માધવરાયજી મંદીર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે.જેમાં આજુબાજુના ગામના સેવકો તથા મંડળોને અલગ-અલગ સમિતીઓ બનાવીને જુદા-જુદા વિભાગની જવાબદારીઓ સોપવામાં આવે છે.આ ઉપરાંત બહેનોને લગતી જવાબદારીઓ ત્યાનાં ધુનમંડળની મહિલાઓને સોપવામાં આવે છે.મેળામાં ફજર ફારકાઓ, વિવિધ પ્રકારની ચકરડીઓ, મેળામાં આવેલા રબારી, ઘેડીયા કોળી, મેર વગેરે જેવી જ્ઞાતિનાં લોકો પોતાનાં પરંપરાગત પોશાકની વેશભુષાથી સજ્જ થઈને અલગ અલગ જાતનાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજે છે.
શ્રી ગોપાલ લાલજીનું ફુલેકું
શ્રી ગોપાલલાલજી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનું બાળસ્વરૂપ. માધવપુરનો આ લોકમેળો ચૈત્ર સુદ ૯ એટલે કે રામનવમીનાં દિવસે સવારથી જ શરૂ થઈ જાય છે. જેથી ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ મેળાની રંગત જામતી જાય છે. તો બીજી બાજુ મંદીરમાં ભગવાનનાં ફુલેકાની તૈયારી શરૂ થઈ જાય છે. રામનવમીની સાંજે આ ફુલેકાની શરૂઆત થાય છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાય છે અને કિર્તનો અને લોકગીતો ની રમઝટો બોલે છે. આ ફુલેકું શ્રી માધવરાયજીનાં મંદીરેથી નીકળીને પુર્વનાં દરવાજા બહાર ઉતર બાજુનાં પૌરાણિક બ્રહ્મકુંડનાં પુર્વ કાંઠા પર આવેલ પાંચ પાંડવની દેરીઓ પાસે લાવવામાં આવે છે. આ દરમિયાન થોડાથોડા અંતરે રાસમંડળીઓ જમાવટ કરે છે. તે સમયે શ્રી ગોપાલલાલજી મહારાજની મુર્તિનાં દર્શન કરીને લોકો કૃતાર્થ થાય છે.આમ ફરતા ફરતા કિર્તનોની રમઝટ વચ્ચે વરણાગી (પાલખી) અગીરેક વાગ્યાનાં સમયે પરત પોતાનાં નીજ સ્થાને પહોંચે છે. ફુલેકાનો આ ક્રમ ચૈત્ર સુદ ૯, ચૈત્ર સુદ ૧૦ અને ચૈત્ર સુદ ૧૧ આમ ત્રણ દિવસ ચાલે છે.
જાનનુ આગમન અને સ્વાગત
ભગવાનનાં ફુલેકાનાં ત્રણ દિવસની ઉજવણી પુર્ણ થયા બાદ ચૈત્ર સુદ ૧૨નાં દિવસની સવારે પોરબંદરનાં રાજવી પરીવાર દ્વારા મોકલાવામાં આવેલ ધજા લઈને માધવપુરની બાજુમાં આવેલ કડછ ગામનાં લોકો આવે છે.સૌ પ્રથમ મંદીરનાં ભકતજનો તરફથી ધજાનું વાજતે-ગાજતે સામૈયું કરવામાં આવે છે. ત્યારબાદ આ ધજા શ્રી માધવરાયજી મંદીર ઉપર શાસ્ત્રોકત વિધી કરીને પછી ચડાવવામાં આવે છે. આ પ્રસંગ પુર્ણ થયા બાદ લોકમેળોતો ચાલુ જ રહે છે.
સાંજનાં ચારેક વાગ્યાના સમયે શ્રી માધવરાયજીના નવા મંદીરના પ્રાંગણમાં મોટો સમીયાણો ગોઠવવામાં આવે છે. ત્યાંથી બે ઘોડાઓવાળા લાકડાનાં શણગારેલા રથમાં ભગવાનનાં બે ફુલેકા નીકળે છે.આ પ્રસંગ પછી તરત જ ભગવાનશ્રી કૃષ્ણની જાન પરણવા માટે વરઘોડા સ્વરૂપે મંદીરેથી નીકળે છે અને તે જયાં શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન થયા હતા તે જગ્યા રૂક્ષ્મણીમઠ ખાતે પહોંચે છે. આવા ખુશીનાં લગ્નોત્સવ પ્રંસંગે લોકો ઢોલ, શરણાઈ, નગારા તેમજ અલગ અલગ પ્રકારનાં વાંજીત્રો વગાડીને કિર્તન અને લગ્નગીતો ગાતા જાય છે અને આનંદવિભોર બની જાય છે. દુલ્હેરાજાનાં રથને ગામનાં પાદરથી હિમારીનાં વડ સુધી દોડાવવામાં આવે છે અને ત્યા વડ પાસે થોડો સમય રોકવામાં આવે છે. ત્યારબાદ વરઘોડાનાં રથની સાથે માનવમેદની મધુવન પહોંચે છે. જયાં વરરાજાની જાનનું ભવ્યાતીભવ્ય રજવાડી ઠાઠમ ઠાઠથી સ્વાગત (સામૈયું) કરવામાં આવે છે.
લગ્નવિધી પ્રસંગ
વરરાજાની જાનનાં સ્વાગત પછી દુલ્હેરાજા ભગવાન શ્રીકૃષ્ણને વિવાહ મંડપમાં લઈ આવવામાં આવે છે. જયાં વરરાજાને પોખવાની ભવ્ય વિધી કરવામાં આવે છે. આ વિધીનો લાભ લેવા માટે લોકો દ્વારા પૈસાની ઉચી બોલી બોલાય છે, જે પૈસાનો વધારે ચડાવો કરે તેને આ લાભ આપવામાં આવે છે. આ વિધી પુર્ણ થયાબાદ ભારતીય સંસ્કૃતિ મુજબ પરંપરગત શાસ્ત્રોકત વિધીથી લગ્નવિધી શરૂ થાય છે. આ દરમિયાન ક્ધયાપક્ષ એટલેકે માંડવાપક્ષનાં મહેમાનો અલગ બેસે છે અને વરપક્ષનાં મહેમાનો તેની સામેની બાજુએ પોતાનુ સ્થાન લે છે. લગ્નવિધી દરમિયાન બન્ને પક્ષ તરફથી વારાફરતી ફટાણાઓ (લગ્નગીત) ગવાય છે.
જેમ જેમ લગ્નવિધી આગળ ચાલતી જાય છે તેમાં કંસાર પીરસવાની વિધી, મંગલફેરાની વિધીઓ આગળ ચાલે છે. જે રીતે હિન્દુસમાજમાં લગ્ન માટેની જે વિધીઓ છે તેનો સંપુર્ણ અમલ થાય છે. આવા શુભ પ્રંસંગે બધાને પ્રસાદની પણ વ્યવસ્થા સરસ રીતે કરવામાં આવે છે. આમ કિર્તનો અને લગ્નગીતોની રમઝટ વચ્ચે લગ્નવિધી પુર્ણ થાય છે.
ક્ધયાવિદાય પ્રસંગ
મનુષ્યનાં જીવનમાં આવતો આ એક એવો કરૂણ પ્રસંગ છે જે દરેક માણસને અંદરથી હચમચાવી નાખે છે. ખાસ કરીને આ પ્રસંગ કોઈપણ દિકરીનાં બાપને વધારે દુ:ખ દે છે. આથી માધવપુરમાં ભલે આ લગ્ન ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના હોય, પરંતુ તેમાં એકમય થયેલા દરેક માણસો આ પ્રસંગે હર્ષ અને દુ:ખનાં આંસુ પાડીને કૃતાર્થ થાય છે.વાત પણ સાચી છે ને કે ક્યો એવો નિસ્ઠુર બાપ હોય જે પોતાની દિકરીનાં વિદાય પ્રંસંગે ના રડે? સામાન્ય રીતે જાન વિદાયના સમયે જેવી રીતે બે વેવાઈઓ સામ સામે બાથ ભીડીને કરૂણ પ્રસંગે એકબીજાને દિલાસો આપે છે, તે જ રીતે માધવપુરનાં પાદરમાં આવા દ્રશ્યો ખડા થાય છે. આમ તે રાત મધુવનમાં પસાર કરે છે. અને સવારે જાન પરણીને પરત જાય છે.
આમ ભગવાન શ્રીકૃષ્ણની જાન પરણીને પરત નીજ મંદીરે આવે છે. અહીં આવ્યા બાદ ફરીથી જાનનાં આગમન પ્રસંગને અનુરૂપ રજવાડી ઠાઠથી સામૈયા થાય છે.જેમાં પણ ઢોલ શરણાઈ અને સંગીતનાં શુરો રેલાવીને લોકો આનંદમાં ડુબી જાય છે.આ પ્રસંગની સમાપ્તીની સાથે જ મેળો પણ પુર્ણ થાય છે.આ દરમિયાન માધવપુર પધારેલા સૌ લોકો આ લગ્નોત્સવનો અને મેળાનો આનંદ માણે છે.ખરેખર આવા મેળાઓ મનુષ્યનાં જીવનને આનંદથી ભરી દે છે અને આનંદમય જીવન જીવવાની પ્રેરણા આપે છે.
માધવપુરમાં દેવસ્થાનો
માધવપુરમાં મુખ્યતો માધવરાયજીનું મંદીર આવેલુ છે. આ ઉપરાંત કપિલમુનિની દેરી, પાંચ પાંડવની દેરી, ગુજરાતમાં જમણી શુંઢના ગણેશના મંદીરો જુજ છે. તેમાંનુ એક મંદીર આવેલુ છે, આ મંદીરમાં ગણેશનાં ઘણા શિલ્પો છે. જેથી તે ગણેશજાળુ તરીકે પ્રખ્યાત છે.ગદાવાવ, બ્રહ્મકુંડ, પાળીયા, બળદેવજીનો મંડપ, રેવતીકુંડ, રામદેવપીરનું મંદીર દર્શનીય છે. આ ઉપરાંત વૈષ્ણવોનાં મહાપ્રભુજીની ૮૪ બેઠકોમાંની ૬૬ મી બેઠક અહીં માધવપુરમાં આવેલી છે. શ્રી ઓશો આનંદ આશ્રમ પણ આવેલો છે. જયાં દેશ વિદેશમાંથી આ આશ્રમની મુલાકાતે આવે છે આમ પણ માધવપુરનો બીચ ખુબ જ નયનરમ્ય છે. ગામથી થોડે દુર મધુવંતી નદીને કિનારે સુર્યમંદીર આવેલું છે. જયાં ભાદરવા સુદ અગિયારસે નદીકાંઠે મેળો ભરાય છે. તે દિવસે શ્રધ્ધાળુ ભકતો વરાહકુંડ, ગોમતીકુંડ, જ્ઞાનવાવ, મધુવંતી નદી તથા સમુદ્રસંગમે સ્નાન કરી કૃતકૃત્યતા અનુભવે છે.
માધવપુરની આસપાસનાં ધાર્મિક સ્થળો
આ ગામથી થોડે દુર મધુવન (રૂપેણવન) આવેલું છે. આ વનમાં મધુ નામનો દૈત્ય રહેતો હતો અને કૃષ્ણએ તેનો સંહાર કરેલો. દૈત્યનાં નામ ઉપરથી મધુવન નામ પડ્યુ તેમજ મધુ દૈત્યનો સંહાર કર્યો એટલે કૃષ્ણ મધુસુદન કહેવાયા તેવી લોકવાયકા છે. અહીં નિલકંઠ મહાદેવનું પ્રાચીન સ્થાનક આવેલ છે.
આ ગામની નજીકમાં દિવાસા ગામ છે. જે ગામમાં દાડમા દૈત્યની જગ્યા આવેલી છે. કૃષ્ણએ દાડમા દૈત્યનો અહીં સંહાર કર્યો હતો તેમ મનાય છે. દિવાસા ગામમાં જુના સમયનો દરબારગઢ પણ આવેલો છે, જેની શિલાઓ ખુબ જ મોટી અને જુની હોય તેવુ જણાય છે.
ઘેડ પંથકમાં બળેજ ગામ આવેલુ છે. બળેજનાં મંદીરમાં જુનાં સમયનુ પથ્થરનું અદભુત તોરણ જોવાલાયક છે. જૈતમાલનો પાળિયો પણ શૌર્યગાથાઓની યાદ અપાવે છે.
ઘેડમાં માંગરોળના રસ્તે મુળ માધવપુર ગામમાં અગિયારમી સદીનું ભગ્ન વિષ્ણુ મંદીર આવેલુ છે.જે તેના ઘુંમટના નાગદમનની કલાકૃતિ છે તે શિલ્પનો શ્રેષ્ઠ નમુનો છે.આમ પુરાવશેષોની દ્રષ્ટિએ માધવપુર પંથક સમૃદ્ધ છે, તો માધવરાયજી મંદીરને કારણે તે જીવંત તિર્થધામછે. માધવપુરની બાજુમાં આવેલા ઘોડાદર ગામે જય ગંજપીરની જગ્યા આવેલી છે. જયાં ફાગણ વદ ૧ એટલેકે ધુળેટીના દિવસે મેળો ભરાય છે, જે મેળાને લોકો આસ્થાનો મેળો કહે છે.આ મેળાની વિશેષતા એ છે કે લોકો આ દિવસે ગંજપીરને સાકર, ખજુર અને શ્રીફળની માનતા ચડાવે છે. આ મેળામાં લોકો એકસાથે ખુબજ મોટી સંખ્યામાં માનતા ચડાવતા હોવાથી સાકર, ખજુર અને શ્રીફળને પ્રસાદ તરીકે જમાડવામાં આવે છે. માનતાનાં આ પ્રસાદને ઘોડાદર ગામની બહાર લઈ જવાની મનાઈ છે અને જો કોઈ લઈ જાય તો તે ગામની બહાર જઈ શકતા નથી. જેથી જે પ્રસાદ વધે તે પશુઓને ખવડાવી દેવામાં આવે છે. આમ લોકો પોતાના કાર્ય સફળ થયાનો આનંદ વ્યકત કરે છે. અને આ મેળો સવારથી શરૂ થાય અને સાંજે પુર્ણ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech