રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબુત કરવા છેલ્લી ગુજરાત મુલાકાતમાં સંકેત આપ્યા પછી તમામ શહેર-જિલ્લાનાં કોંગ્રેસના નવા પ્રમુખોને લઇને શ થઇ રહેલી ચર્ચાઓ અંતર્ગત જામનગરમાં પણ કોંગ્રેસની અંદર સળવળાટ જોવા મળી રહ્યો છે, આગામી દિવસોમાં નિરીક્ષકો શહેર-જિલ્લામાં આવીને નવા અઘ્યક્ષના નામની જાહેરાત કરતા પુર્વે ચુંટાયેલા સભ્યો અને સીનીયર નેતાઓ પાસેથી મત-મંતવ્ય મેળવશે. એ પછી કહેવાય છે કે ખુદ રાહુલ ગાંધીની સીધી દરમ્યાનગીરીથી પક્ષના નવા સુકાનીઓ નીમાશે હવે જોવાનું એ રહે છે કે ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે શ થયેલા આ પ્રયાસોમાં ખરેખર તાકાત ધરાવતા કોંગીના નેતાઓને સુકાન મળે છે કે પછી વધુ એક વખત ઇલુ ઇલુથી રાજકારણ ચલાવનારાઓ ફાવી જશે, આ બાબતનો અંદાજ ત્યારે જ આવશે જયારે નવા ચહેરાઓની પસંદગી થશે.
રાહુલ ગાંધીએ પોતાની છેલ્લી મુલાકાત દરમ્યાન ગુજરાતમાં આક્રમતા સાથે એવી વાત કરી હતી કે ભાજપ કે પછી બીજા કોઇ રાજકીય પક્ષ સાથે છૂપી સાંઠગાંઠ ધરાવીને રાજકારણની ઇમારત ચણનારાઓને વીણી વીણીને કાકરાની જેમ ફેંકી દેવામાં આવશે, એવુ પણ સુચક વિધાન કર્યું હતું કે કેટલાક કહેવાતા સીનીયર કોંગી નેતાઓ એવા છે જે બુથમાં પણ કોંગ્રેસને જીત અપાવી શકતા નથી અને ગુજરાતીમાં કહીએ તો મોટા ભા થઇને ફરે છે.
એવું લાગે છે કે ગુજરાત સૌરાષ્ટ્ર અને મહદ અંશે જામનગર શહેર-જિલ્લામાં પણ ઘણા વર્ષોથી સતાધારી ભાજપ સાથે છૂપી સમજૂતીના ભાગપે રાજકારણના રોટલા શેકનારા કોંગ્રેસની અંદરના જ ગદારોને પણ કદાચ હાઇકમાન્ડ ઓળખતી હશે અને ખરેખર ઓળખે છે કે કેમ તેનો સાચો અંદાજ તો ત્યારે જ આવશે જયારે આ વખતે થનારી શહેર-જિલ્લાનાં અઘ્યક્ષોની નિમણુંક ફાઇનલ થશે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જામનગર શહેરમાં હાલ વિરેન્દ્રસિંહ ટેમુભા (દિગુભા જાડેજા) પ્રમુખ પદ ધરાવે છે, તેઓ કાર્યશૈલીમાં આક્રમક અને જાગૃત દેખાયા છે અને સંગઠનના સિમિત વર્તુળ વચ્ચે જયારે જયારે જર પડી ત્યારે ભાજપ સામે વિરોધ કરતા જોવા મળ્યા છે.
શહેરમાં નવા સુકાની નીમવા કે કેમ? કે પછી દિગુભાને રીપીટ કરવા તેની સેન્સ લેવા માટે કોંગ્રેસની હાઇકમાન્ડ તરફથી ટીમ આગામી તા.૨૫ના રોજ આવવાની છે જેમાં યુ.પી.નાં સાહરનપુરના સાંસદ ઇમરાન મકસુદ, જીપીસીસીના વજીરખાન પઠાણ, હસમુખભાઇ દેસાઇ, પ્રદીપભાઇ ત્રિવેદી, ભરતભાઇ બુધેલીયાનો સમાવેશ છે. આ ટીમ સંભવત સર્કીટ હાઉસ અથવા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ચુંટાયેલા નગરસેવકો, પક્ષના સીનીયર નેતાઓ, આગેવાનો, કાર્યકરોને મળશે અને શહેર કોંગ્રેસના સંગઠનને નવા સુકાની આપવા કે કેમ? અથવા રીપીટ કરવા કે કેમ? એ મુદા પર અભિપ્રાય મેળવશે.
બીજી બાજુ જામનગર જિલ્લાના શહેર કોંગી પ્રમુખ પદનો મુદો અત્યંત મહત્વનો છે અને આ પદ મજબૂત વ્યકિતને તથા લોકપ્રિયતા ધરાવતા ચહેરાને આપવુ કોંગી માટે અનિવાર્ય છે, જિલ્લામાં કોંગ્રેસને મજબૂત કરવા માટે એવા જ કોઇ તરવરીયા નેતાની જરત પડશે કે જેની પાછળ લોક સમુહનું સમર્થન હોય. હાલમાં મનોજ કથીરીયા આ પદ ધરાવે છે.
જિલ્લા માટે એઆઇસીસીના સંપતકુમાર, જિલ્લાનાં કોંગીના પ્રભારી ભુપેન્દ્ર મારવી, તેમજ અમરેલીના ઠાકરશી મેટાલીયા, ખેડાના ઇન્દ્રજીતસિંહ ઠાકુર, ગીરસોમનાથના અભય જોટવા, અને જુનાગઢના માજી ધારાસભ્ય બાબુભાઇ વાંઝા સહિતની ટીમ આવશે, એ લોકો કદાચ કોંગી કાર્યાલય અથવા સર્કીટ હાઉસે જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો, જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કોંગીના આગેવાનો અને કોંગીના મોટા નેતાઓને સાંભળીને અમેના મત-મંતવ્ય મેળવશે, જિલ્લામાં એવો કયો ચહેરો છે જે કોંગીની વર્તમાન સ્થિતિને બદલી શકે, કલેવર આપી શકે, મુર્છિત જેવી જિલ્લાની સંગઠન પાંખમાં પ્રાણ પુરી શકે, એવા નામ વિશે વિગતો મેળવશે.
મહત્વનો સવાલ એ છે કે ભાજપની વફાદાર નેતાઓની ટીમ અને મજબૂત સંગઠન પાંખની સામે ટક્કર ઝીલી શકે તથા વાસ્તવિક સ્વરુપમાં કોર્પોરેશનથી લઇને કેન્દ્ર સરકાર સુધી રહેલી ભાજપની ત્રિપલ એન્જીન સરકારો સામે આવાજ ઉઠાવી શકે એવા સાચા તથા ઇલુ-ઇલુમાં નહિ માનતા ચહેરાને ખરેખર પસંદ કરી શકશે કે કેમ?
જામનગર જિલ્લો એક સમયે ભાજપ માટે પડકાર સમાન હતો, વિધાનસભાની ૭માંથી ૩ બેઠકો કોંગ્રેસ પાસે હતી પરંતુ છેલ્લા દોઢ દાયકામાં મહાનગરપાલિકાની વાત કરો કે જિલ્લા પંચાયતની કે પછી વિધાનસભા વિસ્તારની તમામ સ્તરે કોંગ્રેસના અમુક છાપેલ કાટલાઓ દ્વારા ભાજપ સાથે ઇલુ-ઇલુનુ રાજકારણ ચલાવીને કોંગ્રેસની કબર ખોદવામાં કાંઇ બાકી રાખ્યુ નથી, હવે પછીની નવરચનામાં પણ જો એવા જ ખણખોદીયાઓ ફાવી જશે તો કોંગ્રેસને બેઠી કરવાના રાહુલ ગાંધીના સપના ગુજરાતમાં - જામનગર જિલ્લામાં કદાચ સાકાર થઇ શકશે નહીં એવી પુરી શંકા છે.
કોંગ્રેસની આ કણતા છે કે જામનગર જિલ્લામાં હંમેશા શકિતશાળી નેતાઓને કાપવાની ગંદી રમત ચાલી છે, અમુક જુથ એકઠા થઇને પાછળ મોટો લોકસમર્થન ધરાવતા નેતાને કોઇપણ રીતે આગળ ન આવે એવી ગંદી ચાલ હંમેશા ચાલતા રહ્યા છે અને તેમાં સફળ પણ થતા રહ્યા છે તેનું જ આ પરિણામ છે કે આજે જામનગર જિલ્લામાં કોંગ્રેસ પક્ષ વેન્ટીલેટર પર હોવા જેવી દશામાં પહોંચી ગયુ છે.
સારી વાત છે કે રાહુલ ગાંધીએ આ વખતે મજબૂત ચહેરાઓને મોરચા પર લાવવાનો સંકલ્પ કર્યો છે પરંતુ વર્ષોથી સેટીંગનું રાજકારણ ચલાવતા અને મોટા ગણાતા ખંધા નેતાઓ ખરેખર મજબૂત ચહેરાઓને સુકાન લેવા દેશે કે કેમ એ મોટો પ્રશ્ર્ન છે, જોઇએ કોંગ્રેસની ભાગ્યરેખામાં શું લખાયેલું છે શહેર જિલ્લાનાં અઘ્યક્ષોના નવા ચહેરાના નામ પરથી ઘણો બધો સંકેત મળી જશે અને કોંગ્રેસ પર કયા રાહુ-કેતુ છે એ પણ નિશ્ર્ચિત થઇ જશે.
કોંગી માટે આ બાબત દુ:ખદ છે, પરંતુ કડવું સત્ય છે કે જામનગર શહેર-જિલ્લામાં કોંગીમાં વર્ષોથી ગજબની ટાટીયાખેંચ ચાલે છે, લોક સમર્થન ધરાવતો, લોકપ્રિય કોઇ મજબુત ચહેરો આગળ ન આવી જાય તેની બની ચૂકેલા અલગ અલગ જૂથ ચોક્કસ તકેદારી રાખે છે અને કાળા બજારીયા વેપારીઓમાં જે રીતે કાર્ટેલ રચાતી હોય, એ રીતે સાંકળ રચીને એવી મજબુત વ્યક્તિને પ્રદેશ કે કેન્દ્ર કક્ષાએ નેગેટીવ ચિતરી દેવામાં આવતી હોય છે, આવું વર્ષોથી ચાલ્યું આવે છે, જે ઉપરથી દેખાતું નથી, પરંતુ અંદરની દશા જે લોકો જાણે છે તે વાકેફ છે અને તેનું પરિણામ પણ સામે છે કે એટલા માટે જ અહીં મજબુત સ્થિતિમાં રહેલી કોંગીની સંગઠ્ઠનની દ્રષ્ટિએ ખરાબ હાલત થઇ ગઇ છે.
આ વખતે જ્યારે રાહુલ ગાંધીએ સાચા ફાઇટરોને મોરચે લાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે જોવાનું એ રહે છે કે જૂથવાદમાં વહેચાયેલી કોંગ્રેસ ખરેખર શક્તિશાળીને આગળ આવવા દેશે કે કેમ ?