મરચામાં કલરયુકત કેમીકલ અને લાકડાનો વેર, હળદરમાં એસેન્સ નખાતા હોવાની ફરિયાદ ઉઠી છે છતાં પણ જામ્યુકોના ફુડશાખાના અધિકારીઓ શા માટે ભેળસેળીયો માલ પકડતા નથી ? ચર્ચાતો પ્રશ્ર્ન
જામનગર સહિત હાલારમાં મસાલાની સિઝન પુરબહારમાં ખીલી ઉઠી છે ત્યારે ગયા વખત કરતા આ વખતે મરચા અને ધાણાજીરુના ભાવમાં ૧૫ થી ૨૦ ટકા ઘટાડો થયો છે, પરંતુ ગયા વખતની જેમ સિઝનમાં જ કેટલાક મસાલામાં ભેળસેળ કરાતું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે, જામનગર મહાપાલીકાના ફુડશાખાના અધિકારીઓએ શહેરના ગ્રેઇન માર્કેટ, સાધના કોલોની, રણજીતનગર સહિતના કેટલાક વિસ્તારોમાં વેંચાતા મસાલામાં ભેસસેળ થતી હોવાની રાવ લોકોમાં ઉઠવા પામી છે, આ અંગે તપાસ કરવાની જરુર છે.
એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, રાયમાં સિન્થેટીક રંગ, વરીયાળી, મરચુ, હળદરમાં પણ સિન્થેટીક રંગ, મરીમાં પપૈયાના બી, ધાણાજીરુમાં લાકડાનો વેર, આ બધા મસાલામાં કેમીકલ પણ નાખવામાં આવે છે, ભેળસેળવાળા મસાલા ખાવાથી આરોગ્ય ઉપર ગંભીર ખતરો ઉભો થાય છે, જો કે ગયા વખતે ફુડશાખાએ મસાલા બજારમાં મસાલા ચેક કર્યા હતાં અને નમૂના પણ લીધા હતાં, જો કે પાછળથી રીપોર્ટ શું આવે છે તેની કોઇને ખબર પડતી નથી.
શહેરમાં મરચુ દળાઇ ગયા બાદ આ બી વાળા મરચામાં સિન્થેટીક રંગ અને કયારેક તો કેમીકલ સાથે લાકડાનો વેર ઉમેરવામાં આવે છે, જેનાથી વજન પણ થાય છે અને ૨૦૦ રુપિયામાં વેપારીને પડતું મરચુ ૪૫૦ રુપિયામાં ગ્રાહકને ધાબડી દેવામાં આવે છે. ફુડ સેફટી સ્ટાર્ન્ડડ એકટ ૨૦૦૬ ની કલમ મુજબ શા માટે જામનગરમાંથી વ્યાપકપણે વેંચાતા ભેળસેળીયા મસાલા ચેક કરવામાં આવતા નથી...? તે પણ ફરિયાદ ઉઠી છે.
દરરોજ વેપાર-ધંધાથી ધમધમતી ગે્રઇન માર્કેટમાં પણ ભેળસેળીયુ મરચુ અમુક સ્થળોએથી મળતું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે, સાધનાકોલોની વિસ્તારમાં ખાનગીમાં દુકાનોમાં કેમીકલ અને લાકડાનો વેર નાખીને મસાલાને સ્વાદીષ્ટ બનાવવા પ્રયત્ન કરવામાં આવે છે.
લોકોના આરોગ્ય સામે ચેડા કરતા આવા લોકોને તાત્કાલીક અસરથી પકડી પાડવા જોઇએ અને મસાલાના નમૂના પણ લેબમાં મોકલી દેવા જોઇએ, તાત્કાલીક લેબમાંથી રીપોર્ટ શા માટે નથી આવતો...? તે રમતની ખબર પડતી નથી...! મસાલા બજાર ગરમ થઇ રહી છે ત્યારે આગામી દિવસોમાં પણ મસાલાની વધુ આવક થશે, વિવિધ પ્રકારના રેશમ પટ્ટો, તીખુ મરચુ, મોળુ મરચુ, લવીંગીયા મરચા, સેલમ હળદર, રાય, ધાણાજીરુ, વરીયાળી સહિતના મસાલાઓની બજાર વધુ ધમધમે અને ભેળસેળીયા મસાલા ગ્રાહકોના પેટમાં જાય એ પહેલા જામ્યુકોની ફુડ શાખાએ સફાળા બેઠા થઇ જવાની જરુર છે તેમ લોકોનું કહેવું છે.