મોટી હવેલી જામનગર ગૃહની ગાદી પર નિ.લી.પૂ.પા.ગો.૧૦૦૮ શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રી આજે ગોદ પધાર્યા હતા

  • May 17, 2025 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૈશાખ સુદ પાંચમ ૮૧ મો ગાદી ઉત્સવઃ ગત તા. ૦૧-૦૬-૧૯૪૫ ના રોજ યોજાયેલ ગોદ સમારોહમાં જામ દિગ્વિજયસિંહજી રહ્યા હતા ઉપસ્થિત 

વાત છે વિ.સં. ૨૦૦૧ના વૈશાખ વદ ૫ પાંચમ તદનુસાર 1 જૂન 1945ને શુક્રવારના શુભ દિવસની. આ દિવસે છોટી કાશીના હુલામણાં નામથી પ્રખ્યાત વિદ્વાનોની નગરી એવા જામનગર શહેરની મધ્યમાં સ્થિત પુષ્ટિ સંપ્રદાય મોટીહવેલીમાં આજ અલૌકિક આનંદનો અવસર છે. મંદિરના દ્વારે આસોપાલવ અને આંબાના તોરણો ઝૂલી રહ્યા છે.

શ્રી મદનમોહન પ્રભુને કેસરી સાજ, કેસરી વસ્ત્રો અને ઉષ્ણકાલીન શૃંગાર ધરાવ્યા છે. કીર્તનીયાજીઓ ઉચ્ચ સ્વરે વધાઈ કીર્તન ગાન કરી રહ્યા છે. મંદિરના દ્વારે શરણાઈઓના મંગલ સુરો વહી રહ્યા છે. નોબતના નાદ ગગનમાં ગાજી રહ્યા છે. પરંપરાગત પોશાકોમાં સજ્જ વૈષ્ણવોના હૃદયમાં હરખની હેલીઓ ચઢી છે. એકબીજાને ભગવદ્ સ્મરણ કરીને વધાઈ આપી રહ્યા છે. કેસરી વસ્ત્રોમાં સુસજ્જ સુહાગણ બહેનો મંગલ ગાન કરી રહ્યા છે. આજે ઘણા સમય પછી હવેલીમાં વિશેષ આનંદનો અનુભવ થઈ રહ્યો છે. ગો.આચાર્ય નિવાસમાં વિશેષ ચહલ પહલ છે. આમંત્રિત મહેમાનોનું આગમન થઈ ચુક્યું છે. 

આજનો અવસર છે ચોપાસની ગૃહના ગાદીપતિ શ્રીમદ્ ભાગવતના તત્વજ્ઞ, પરમ પ્રતાપી વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ શ્રીવ્રજભૂષણલાલજી મહારાજશ્રીને મોટીહવેલી જામનગરની મહાન પ્રતાપી ગાદી પર ગોદ પધારવાનો. ઉપસ્થિત સહુ કોઈ  જે સમયની અતિ આતુરતાથી પ્રતીક્ષા કરી હતા એ મંગલ ઘડી આવી પહોંચી. ઉપસ્થિત વૈષ્ણવોના મંગલ જયઘોષ સાથે નિ.લી.પૂ.ગો. શ્રીઅનિરૂદ્ધલાલજીના વહુજી (પૂ.શ્રી ભાભીજી) મહારાજે શ્રીમદનમોહન પ્રભુ સન્મુખ શ્રીવ્રજભૂષણલાલજીને તિલક કરી ગોદમાં બિરાજાવ્યા. આ સાથે જ પૂ.પા.ગો. ૧૦૮ શ્રીવ્રજભૂષણલાલજી મહારાજશ્રી મોટી હવેલી જામનગરના ગાદીપતિ થયા.

વાત જાણે એમ બની હતી કે, મોટી હવેલી જામનગરના પૂર્વ ગાદીપતિ પૂ.પા.ગો. ૧૦૦૮ શ્રીઅનિરૂદ્ધલાલજી મહારાજશ્રી ૪૬ વર્ષની નાની વયે જ નિત્ય લીલામાં પધાર્યા. આપશ્રીના દ્વિતીય વહુજીની ઉંમર ખૂબજ નાની હોવાથી જામનગર, નડિયાદ, ગોકુલ આદિ મંદિરોના વહીવટી કાર્યોમાં ઘણી સમસ્યાઓ આવતી હતી. લીલામાં પધારતા પહેલાં શ્રીઅનિરૂદ્ધ લાલજીએ પોતાના વહુજી સમક્ષ શ્રીવ્રજભૂષણલાલજીને ગોદ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

જામનગરના મહારાજા જામસાહેબ શ્રીદિગ્વિજયસિંહજી મહારાજ અને ખાસ કરીને રાજમાતા શ્રીગુલાબકુંવરબાની ઈચ્છા પણ શ્રીવ્રજભૂષણલાલજી મહારાજશ્રીને જામનગર મોટીહવેલીની પ્રતાપી ગાદી પર ગોદ બિરાજમાન કરવાની હતી. વિ.સં. ૨૦૦૧ના વૈશાખ વદ ૫ પાંચમ તદનુસાર 1 જૂન 1945ને શુક્રવારના શુભ દિવસે પૂ.શ્રી ભાભીજી મહારાજે (શ્રીઅનિરૂદ્ધલાલજીના વહુજીએ) શ્રીમદનમોહન પ્રભુ સન્મુખ શ્રીવ્રજભૂષણલાલજીને તિલક કરી ગોદમાં બિરાજાવ્યા. ત્યારબાદ ઉપર ભગવદ્ મંડલીમાં શ્રીગિરિધરજીની બેઠકમાં જામસાહેબ શ્રીદિગ્વિજયસિંહજીએ શ્રીવ્રજભૂષણલાલજીને તિલક કરી શ્રીમોટીહવેલી જામનગરની ગાદી પર બિરાજમાન કર્યા. ગોદ સમારોહની સભામાં જામસાહેબ શ્રીદિગ્વિજયસિંહજીએ પોતાની તલવાર ખેંચી સિંહ ગર્જના કરી વિરોધીઓને પડકાર ફેંકી કહ્યું કે "કોણ કહે છે કે દત્તક લેવાનો અધિકાર નથી...? તેઓ સાંભળી લે કે આ જામરાવલની તલવાર છે..."  ત્યારબાદ અનેક દિવસો સુધી શ્રીમદનમોહન પ્રભુના વિવિધ મનોરથો, શોભાયાત્રા, સભાઓ આદિ શુભ પ્રસંગો થયા હતા.

મોટી હવેલી જામનગર ગોદ પધારતા પહેલાં પૂ.ગો. શ્રીવ્રજભૂષણલાલજી મહારાજશ્રી ચોપાસની (જોધપુર- રાજસ્થાન) ગાદીના ગાદીપતિ હતાં. શ્રીમોટીહવેલી જામનગર ગોદ પધારતા જ પૂ.ગો.શ્રીવ્રજભૂષણલાલજી મહારાજશ્રી જામનગર ચોપાસનીની સાથે સાથે નડિયાદ અને શ્રીમદ્ ગોકુલની હવેલીના પણ ગાદીપતિ થયા.

વર્તમાનમાં પુષ્ટિ સંપ્રદાય મોટીહવેલી જામનગરના ગાદીપતિ આચાર્ય પદે નિ.લી.પૂ.પા.ગો. શ્રીવ્રજભૂષણલાલજી મહારાજશ્રીના દ્વિતીય આત્મજ પુષ્ટિ સિદ્ધાન્ત સંરક્ષણ શિરોમણિ, મહાકવિ પૂ.પા.ગો.શ્રીહરિરાયજી મહારાજશ્રી બિરાજમાન છે. 

આત્મજ યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. શ્રીવલ્લભરાયજી તેમજ બંને સુપૌત્ર અનુક્રમે પૂ.ગો. શ્રીરસાર્દ્રરાયજી અને પૂ.ગો. શ્રીપ્રેમાર્દ્રરાયજી સહિત પોતાના પરિવાર અને વૈષ્ણવ પરિકર સાથે શ્રીમદનમોહન પ્રભુને વિવિધ મનોરથો દ્વારા નાના પ્રકારે લાડ લડાવી પૂર્વજો દ્વારા સ્થાપિત યશસ્વી પરંપરાનું ગૌરવપૂર્ણ રીતે સંવર્ધન કરી રહ્યા છે.
આ ગરિમામય મંગલ પ્રસંગને આજે વૈશાખ વદ ૫ પાંચમ તા. ૧૭-૫-૨૦૨૫ ને શનિવારના શુભ દિવસે ૮૦ વર્ષ પૂર્ણ થઈ ૮૧માં વર્ષનો શુભારંભ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application