મોટા ઉપાડે ગુણોત્સવની કામગીરીમાં શૈક્ષણિક વિભાગના કર્મચારીઓને જોતર્યા બાદ પરીણામ જાહેર કરવામાં ન આવતાં અનેક સવાલની સાથે શિક્ષણ સુધારણાના દાવા પોકળ
જામનગર સહિત રાજયભરની સરકારી પ્રાથમિક ગ્રાન્ટેડ માઘ્યમિક શાળાઓમાં વર્ષ ૨૦૨૪-૨૫માં શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ગુણોત્સવ ૨.૦ મુલ્યાંકન ફેઝ-૫નું પરીણામ શાળાઓમાં વેકેશન શ થઇ ગયું હોવા છતાં હજુ સુધી જાહેર કરવામાં ન આવતાં અનેક સવાલ ઉઠયા છે, ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસનું સ્તર, સુવિધા સહિતની બાબતોની સર્વગ્રાહી મુલ્યાંકનની કામગીરી કરવામાં આવે છે અને આ કામગીરીમાં શૈક્ષણિક વિભાગના કર્મચારીઓને જોતરવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી શાળાઓ માટે મહત્વનું ગુણોત્સવનું પરીણામ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ પણ જાહેર કરવામાં ન આવતાં આમા કયાંથી ભણે ગુજરાત ? સહિતના સવાલના સાથે શિક્ષણ સુધારણાના દાવા પોકળ પુરવાર થયા છે.
જામનગર સહિત રાજયભરમાં પુરા થયેલા શૈક્ષણિક વર્ષમાં ઓગસ્ટથી એપ્રિલ મહીના દરમ્યાન સરકારી પ્રાથમિક શાળાઓ અને સરકારી તથા ગ્રાન્ટેડ માઘ્યમીક તથા ઉચ્ચતર માઘ્યમીક શાળાઓમાં ભૌતિક અને શૈક્ષણિક સુધારણા માટે ગુણોત્સવ ૨.૦ ફેઝ-૫ની શાળા મુલ્યાંકન કામગીરી જીસીઇઆરટી હેઠળ કામ કરતી જીએસકયુએસસી નામની સંસ્થાને સોંપવામાં આવી હતી. વર્ષ ૨૦૦૯થી સમગ્ર રાજયની સરકારી પ્રાથમિક શાળાઓની પણ સર્વગ્રાહી મુલ્યાંકન કામગીરી માટે રાજય સરકાર દ્વારા ગુણોત્સવ કાર્યક્રમ અમલમાં મુકાયો હતો, ત્યારબાદ સમયાંતરે ગ્રાન્ટેડ શાળાઓમાં પણ આ કામગીરી શરુ કરવામાં આવી હતી.
ગુણોત્સવની બાહ્મ મુલ્યાંકન કામગીરી કરવા માટે સ્કુલ ઈન્સ્પેકટર તરીકેની જવાબદારી પ્રાથમિક શાળાના એચટાટ આચાર્યો અને હાઇસ્કુલના આચાર્યોને અપાઇ હતી. શાળાઓના આચાર્યોને આ કામગીરી સોંપતા શાળાઓની વહિવટી અને શૈક્ષણિક કામગીરીને માઠી અસર થઇ હતી, આટલું જ નહીં ગુણોત્સવની કામગીરીમાં ગંભીર બેદરકારી અને છબરડા પણ સમયાંતરે બહાર આવ્યા હતાં. આ સ્થિતિમાં જામનગર સહિત રાજયભરની સરકારી પ્રાથમિક અને સરકારી અને ગ્રાન્ટેડ માઘ્યમિક તથા ઉચ્ચતર માઘ્યમીક શાળાઓમાં ભૌતિક અને શૈક્ષણિક સુધારણા માટે ગુણોત્સવ ૨.૦ ફેઝ-૫ની કામગીરી કરાઇ હતી. પરંતુ નવાઇની વાત એ છે કે, તમામ શાળાઓમાં શૈક્ષણિક સત્ર પુર્ણ થઇ ગયું છે અને વેકેશન શરુથઇ ગયું હોવા છતાં ગુણોત્સવનું પાંચમાં તબકકાનું પરીણામ હજુ સુધી જાહેર કરવામાં ન આવતાં અનેક સવાલ ઉઠયા છે.
ગુણોત્સવનું પરીણામ હજુ ઉચ્ચકક્ષાએથી જાહેર કરાયું નથી...
ગુણોત્સવના બાકી પરીણામ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિપુલ મહેતા એ જણાવ્યું હતું કે, જામનગર સહિત રાજયભરની સરકારી પ્રાથમિક અને કેજીબીવી શાળા, સરકારી અને ગ્રાન્ટેડ તથા ઉચ્ચતર માઘ્યમીક શાળાઓમાં શૈક્ષણિક સુધારણા માટે ૩૦ ટકાથી વધુ શાળાઓમાં ગુણોત્સવ ૨.૦ની ફેઝ-૫ની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ગુણોત્સવની આ કામગીરીનું પરીણામ હજુ સુધી ઉચ્ચ કક્ષાએથી જાહેર કરવામાં આવ્યું નથી.
૨૦૨૪-૨૫ના વર્ષમાં ગુણોત્સવની પેર્ટનમાં ફેરફાર: શાળાઓને ઘી-કેળા...
રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫થી ગુણોત્સવ ૨.૦ની પેર્ટનમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે મુજબ પહેલા શાળાઓનું બાહ્મ નિયંત્રણ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવતું પરંતુ પેર્ટન બદલાતા ગુણોત્સવ કામગીરીમાં આચાર્ય દ્વારા ૨૦ ટકા સીઆરસી દ્વારા ૨૦ ટકા અને ૬૦ ટકા ઓનલાઇન ડેટા આધારીત મુલ્યાંકનની પેર્ટન અમલી બનાવવામાં આવી છે. આચાર્ય અને સીઆરસી સ્થાનિક જ હોય અને ગુણોત્સવ મુલ્યાંકન તેને સીધુ અસર કરતા હોય છતાં તેને કામગીરી સોંપવામાં આવતાં અનેક સવાલ ઉઠયા છે. બાહ્ય મુલ્યાંકનમાં જે તે સમયે ઘણી શાળાઓનું પરીણામ ખુબ જ નીચુ એટલે કે રેડ ઝોનમાં આવતું હતું પણ નવી પેર્ટનમાં આચાર્ય અને સીઆરસી મુલ્યાંકનકાર હોય આ વર્ષે જામનગર સહિત રાજયમાં રેડ ઝોનમાં ભાગ્યે જ કોઇ શાળા હશે તેમ શિક્ષણ તજજ્ઞોએ જણાવ્યું છે.
ગુણોત્સવમાં અભ્યાસ, શૈક્ષણિક પ્રવૃતિ સહિત મુખ્ય પાંચ બાબતનું મુલ્યાંકન કરવામાં આવે છે...
જામનગર સહિત રાજયભરની સરકારી-પ્રાથમિક તથા સરકારી અને ગ્રાન્ટેડ માઘ્યમિક તથા ઉચ્ચતર માઘ્યમીક શાળાઓમાં ગુણોત્સવ કામગીરી અંતર્ગત મુખ્ય પાંચ બાબતનું સર્વગ્રાહી મુલ્યાંકન કરવામાં આવે છે, જેમાં અઘ્યયન અને અઘ્યાપન, શાળા વ્યવસ્થાપન, શૈક્ષણીક પ્રવૃતિઓ, સંસાધનો અને તેનો ઉપયોગ તથા રાજય દ્વારા આયોજીત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારીનો સમાવેશ થાય છે, આ પાંચ મુખ્ય બાબતોની હેઠળ પણ અન્ય મુદાઓનો સમાવેશ કરાયો છે જેની પણ ચકાસણી કરવામાં આવે છે.