ચિક્કાર નશામાં ધૂત થઈ PSI ભાન ભૂલ્યા, પૂરપાટ ઝડપે કાર ચલાવી 3 વાહનને અડફેટે લીધા, 2 મહિલાને ઈજા, રાહદારીઓ સાથે ઝપાઝપી કરી

  • May 25, 2025 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરા શહેરમાં હવે પોલીસને ન ગાંઠતા શખસો આતંક મચાવતા હોય તેવું આપણે અવારનવાર સમાચાર મળે છે. પરંતુ પ્રજાના રક્ષક જ જ્યારે ભાન ભૂલે તો લોકોને જવું ક્યાં? આવી જ એક ઘટના વડોદરામાં ગત રાત્રે બની હતી. PSIએ ચિક્કાર દારૂના નશામાં પૂરપાટ ઝડપે કાર ચલાવી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં બે મહિલાને ઈજા થતા હોસ્પિટલ ખસેડાઈ હતી. રાહદારીઓ જ્યારે દોડી આવ્યા તો પીએસઆઈ લાજવાને બદલે ગાજ્યા હતા અને લોકો સાથે ઝપાઝપી કરી હતી. 


મળતી માહિતી અનુસાર, વડોદરાના છાણી બ્રિજ પાસે ગત રાતે કાળા કલરની બ્રેઝા કારે એક કાર અને બે એક્ટિવાને એક પછી એક અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે મહિલાઓને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જનાર કારને કેટલાક રાહદારીઓએ રોકીને તપાસ કરતા કારમાંથી એક ખાખી વર્ધીમાં PSI જોવા મળ્યાં હતા.


PSI રજા પર હોવાથી પોતાના ઘરે બોટાદ જઇ રહ્યાં હતા

બ્રેઝા કારથી અકસ્માત સર્જનાર પી.એસ.આઇ વાય.એચ. પઢિયાર એટલી હદે નશામાં હતા કે, તેણે રાહદારી યુવકો સાથે ઝપાઝપી કરી હતી. જ્યારે યુવકો દ્વારા તેમની કારની તપાસ કરવામાં આવી ત્યારે વિદેશી બ્રાન્ડની બે દારૂની બોટલો મળી આવી હતી. તપાસ કરતા માલુમ પડ્યું કે, નશામાં પી.એસ.આઇ વાય.એચ પઢીયાર રાજપીપળામાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે અને તેઓ હાલ રજા પર હોવાથી પોતાના ઘરે બોટાદ જઇ રહ્યાં હતા.


બે મહિલા પોલીસકર્મીને ઈજા પહોંચી

નશામાં PSI પઢિયારે એક GST એડિશનલ કમિશનરની કાર, બે મહિલા પોલીસકર્મીની એક્ટિવા અને એક યુવકની એક્ટિવાને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બંને મહિલા પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. છાણી પોલીસે અકસ્માત, દારૂ પીધાનો અને ગાડીમાંથી દારૂ મળી આવવા મામલે ગુનો નોંધ્યો છે.


ખાતાકીય તપાસ કરવામાં આવશેઃ DCP

આ મામલે ઝોન-1ના DCP ઝૂલી કોઠીયાએ જણાવ્યું હતું કે, આજે GSFC અકસ્માત થયો છે અને લોકોની ભીડ જમા થઈ છે, તેઓ મેસેજ મળતા છાણી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા. ત્યાં જઈને ખબર પડી હતી કે કોઈ પોલીસ અધિકારી દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે. PSI વાય. એચ. પઢીયાર રાજપીપળા ખાતે ફરજ બજાવે છે. તેઓ પોતાના વતન તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. પ્રાથમિક રીતે જોવા મળે છે કે, તેને નશો કરેલો છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેના જિલ્લા એસપીને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય તપાસ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News