ગુલાબનગરમાં જુગારના અખાડામાંથી બે લાખની રોકડ સાથે ત્રિપુટી ઝબ્બે

  • November 14, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક શખ્સ ફરાર : રોકડ, બાઇક, મોબાઇલ અને ટોકન મળી આવ્યા : નાગરપરામાં પાના ટીંચતી છ મહિલાની અટકાયત


જામનગરના ગુલાબનગર શેરી નં. 3માં એક મકાનમાં ગંજીપતાનો જુગારનો અખાડો ચાલે છે એવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને વેપારી સહિત 3ની બે લાખની રોકડ સાથે ધરપકડ કરી હતી, એક શખ્સ ફરાર થઇ ગયો હતો, દરોડા દરમ્યાન રોકડ, બે બાઇક, મોબાઇલ અને અલગ અલગ કલરના ટોકન મળી આવ્યા હતા. જયારે શહેરના નાગરપરા વિસ્તારમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતી છ મહિલાની 35 હજારના મુદામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી.


ગુલાબનગર શેરી નં. 3માં ચામુંડા કૃપા નામના મકાનના પહેલા માળે એક શખ્સ બહારથી માણસો બોલાવીને નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે એવી બાતમીના આધારે સીટી-બી પીઆઇ ઝાની સુચનાથી સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.


દરોડા દરમ્યાન તિનપતીનો જુગાર રમતા લાલવાડી, શાંતીવન સોસાયટી શેરી નં. 7માં રહેતા ડ્રાઇવીંગ કરતા વનરાજસિંહ દિલુભા જાડેજા, રાંદલનગરમાં રહેતા વેપારી અરવિંદસિંહ બટુકસિંહ રાયજાદા અને પટેલ કોલોની શેરી નં. 7 સપ્રીમ એપાર્ટમેન્ટમાં રહેતા નોકરી કરતા હિતેશ હર્ષદરાય કોટેચા નામના શખ્સોને રોકડા 2.00.720 તથા બે મોટરસાયકલ, 4 મોબાઇલ, ગંજીપતા તથા પ્લાસ્ટીકના અલગ અલગ કલરના 106 ટોકન મળી કુલ 2.70.720ના મુદામાલ સાથે પકડી લીધા હતા. જયારે એક અજાણ્યો ઇસમ નાશી છુટયો હતો.


બીજા દરોડામાં જામનગર શહેરના નાગરપરા પાસે રતન એપાર્ટમેન્ટની સામેની ગલીમાં કેટલીક મહિલાઓ જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમે છે એવી હકીકતના આધારે સીટી-એ પોલીસે દરોડો પાડયો હતો.


દરોડા દરમ્યાન ગંજીપતા વડે જુગાર રમતી યુવાપાર્ક આવાસ ત્રીજા માળે તથા દિ.પ્લોટ 49 ખાતે રહેતી હંસાબેન ધનજી પરમાર, ગોકુલનગરના સંતોકબેન રમેશ કડેધીયા, સાધના કોલોની બ્લોક એમમાં રહેતી મંજુલાબેન હસમુખ ટાંક, વસંતવાટીકા શેરી નં. 3માં રહેતી નલીનીબેન બાબુ કોટડીયા, સાધના કોલોની બ્લોક એલમાં રહેતી પ્રતીમા હેમતસિંહ ચૌહાણ અને શ્યામનગરમાં રહેતી મંજુબેન કિશોર રાંદલપરાની અટકાયત કરી હતી, ગંજીપતા તથા 35100ની રોકડ જપ્ત કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application