ગોંડલના વેકરી કામે ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પર માસિયાઈ ભાઈઓનો ધોકાથી હુમલો

  • May 21, 2025 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગોંડલ તાલુકાના વેકરી ગામે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીના ઘરે ધસી જઇ તેના માસિયાઈ ભાઈઓએ ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


ગોંડલ તાલુકાના વેકરી ગામે રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પ્રહલાદસિંહ ઉર્ફે બાવુભાઇ રેવતુભા ચુડાસમા (ઉ.વ 40) દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં વેકરી ગામમાં જ રહેતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ભોજરાજસિંહ ઝાલા અને અર્જુનસિંહ ભોજરાજસિંહ ઝાલાના નામ આપ્યા છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગુંદાળા ચોકડી પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસ ચલાવે છે. ગઈકાલે સવારના 9:00 વાગ્યા આસપાસ તે પોતાની કાર લઈ વેકરીથી ચરખડી ગામ તરફ જતો હતો ત્યારે તેનું જૂનો ડ્રાઇવર પપ્પુ વજુભાઈ કાછડીયા અહીંથી પસાર થયો હતો. યુવાને અગાઉ તેને રૂપિયા 10,000 ઉછીના આપ્યા હોય જે પરત લેવાના હોય જેથી તેને રોકી રૂપિયા પરત આપવા માટે કહેતા તેણે કહ્યું હતું કે સાંજ સુધીમાં તમારા રૂપિયા પરત આપી દઈશ. જેથી યુવાન અહીંથી ઘરે જતો રહ્યો હતો.


બાદમાં 11 વાગ્યા આસપાસ યુવાનના મોબાઇલમાં તેના માસિયાઈ ભાઈ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ઝાલાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમે કેમ પપ્પુને ઉભો રાખી તેની પાસે રૂપિયા માંગો છો જેથી યુવાને કહ્યું હતું કે, મેં અગાઉ તેને હાથ ઉછીના પૈસા આપ્યા હતા તે માંગ્યા છે જેથી રાજેન્દ્રસિંહએ કહ્યું હતું કે તે મારૂ બાઈક લઈને નીકળ્યો હતો એટલે તમારે તેને રોકવાનો નહીં જેથી બંને વચ્ચે ફોનમાં બોલાચાલી થઈ હતી. રાજેન્દ્રસિંહે કહ્યું હતું કે હું તારા ઘરે આવું છું તેમ કહ્યા બાદ થોડીવારમાં રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા અને તેનો ભાઈ અર્જુનસિંહ અહીં યુવાનના ઘરે ધોકા લઈને આવ્યા હતા.


યુવાન અહીં ફળિયામાં ઊભો હોય તેની સાથે ગાળાગાળી કરતા યુવાને ઘરમાં મહિલાઓ છે ગાળો બોલવાની ના કહેતા આ બંને ધોકો લઇ મારવા દોડતા યુવાનના પત્ની દિક્ષિતાબા અને યુવાનના ઘરે કડિયા કામ કરનાર વચ્ચે આવતા રાજભાએ યુવાની પત્નીને ધક્કો મારી પછાડી દઈ બંને ભાઈઓ યુવાન સાથે મારકુટ કરવા લાગ્યા હતા. રાડારાડી થતા પરિવારના સભ્યોએ વચ્ચે પડી યુવાનને છોડાવ્યો હતો અને આ બંને ભાઈઓ અહીંથી જતા રહ્યા હતા જતા જતા ધમકી આપી હતી કે આજે તો તું બચી ગયો હવે પછી મળીશ તો તને જાનથી મારી નાખીશ. જેથી આ અંગે યુવાને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application