આવતીકાલે હિન્દુ ધર્મનો મોટો તહેવાર એટલે કે મહા શિવરાત્રી હોય, દ્વારકાપીઠ જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી રાજકોટ નજીક આવેલ રતનપરમાં બીરાજમાન સ્ફટીક ચંદ્રમૌલેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે બે દિવસનું રોકાણ કરશે.
શિવરાત્રીને લઇને ચંદ્રમૌલેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે આયોજીત શિવપુજા, મહાપ્રસાદ અને આશિર્વચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શિવરાત્રીનાં પવિત્ર દિવસે જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીની પધરામણી થતી હોય ભકતજનોમાં ઉત્સાહની લાગણી છવાઇ છે. જગદગુરૂ શંકરાચાર્યની સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૫ થી ૮ ભકતજનોને આશીર્વચન પાઠવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રતનપર ખાતે બિરાજમાન ચંદ્રમૌલેશ્ર્વર મહાદેવ મંદિર હજારો ભકતોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં શિવલીંગ સ્ફટીક (ક્રિસ્ટલ) નું છે. આ મંદિરમાં પ્રવેશતા જ એકદમ શાંતિ અને દિવ્યતાનો અનુભવ થાય છે. આ સ્ફટીક શિવલીંગની ઉંચાઇ ૧.૨૫ ફૂટ છે. દ્વારકાના શંકરાચાર્ય બ્રહ્મલીન સ્વામી સ્વપાનંદ મહરાજનાં વરદ હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
અહીં દર વર્ષે શિવરાત્રીનાં દિવસે વિશેષ પુજા અર્ચના થાય છે. ભગવાન શિવનાં માત્ર ત્રણ મંદિર છે જયાં શિવલીંગ સ્ફટીકથી બનેલુ છે જે પૈકીનું એક રાજકોટની નજીક રતનપર ખાતે આવેલ ચંદ્રમૌલેશ્ર્વર મહાદેવ મંદિર છે. આવતીકાલે શિવરાત્રીનાં રોજ યોજાનાર ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા તમામ ભકતજનોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.