પાલીતાણામાં બંધ ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા એક જ પરિવારમાંથી ત્રણ જુવાનજોધ દીકરાના મોત, નાનકડા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું

  • April 11, 2025 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાલીતાણા શહેરના ભીલવાસ વિસ્તારમાં રોડ પર બંધ હાલતમાં ઉભેલા ૧૮ વ્હીલ વાળા ટ્રક પાછળ ધડાકાભેર બાઈક ઘૂસી જતાં થોરાળી ગામના ત્રણ પિતરાઇ ભાઇઓને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજયા હતાં. અકસ્માતના પગલે સ્થળ પર અને હોસ્પિટલમાં મૃતકના સગાઓ તેમજ લોકોના ટોળા ઉમટ્યા હતાં. એક સાથે ત્રણ યુવાનોના મોતના પગલે થોરાળી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અકસ્માત અંગે પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ટ્રકના ચાલક વિ‚ઘ્ધ ફરિયાદ નોંધાવાતાં પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી હતી. 


એકનું તો ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

પાલીતાણાના થોરાળી ગામે રહેતા કમલેશભાઈ હિંમતભાઈ વાઘેલા, દીપકભાઈ શામજીભાઈ વાઘેલા અને રાહુલભાઈ ઠાકરશીભાઇ વાઘેલા બાઇક લઇ પાલીતાણા કામ સબબ જઇ રહ્યા હતા ત્યારે પાલિતાણાના ભીલવાસ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન રોડ પર ટ્રાફિકને અડચણ‚રૂપ બંધ હાલતમાં ઉભેલા ૧૮ વ્હીલવાળા ટ્રક પાછળ ધડાકાભેર બાઇક ઘૂસી જતાં ત્રણેયને ગંભીર ઇજા થઇ હતી જેમાં કમલેશભાઈ હિંમતભાઈ વાઘેલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

​​​​​​​

બે યુવકે હોસ્પિટલમાં દમ તોડ્યો

જ્યારે ગંભીર રીતે ઇજા પામેલા દીપકભાઈ અને રાહુલભાઈને સારવાર માટે  તાબડતોબ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાંથી બન્ને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં  જ્યા આગળ બન્નેના ચાલુ સારવાર દરમિયાન મોત નિપજયા હતાં. અકસ્માતના પગલે ઘટના સ્થળે તેમજ હોસ્પિટલમાં લોકોના ટોળાં ઉમટ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસે દોડી જઈ ટ્રક ચાલક સામે ગુનો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.​​​​​​​


ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી

આ અંગે થોરાળી ગામે રહેતા બાલાભાઈ  હિંમતભાઈ વાઘેલા (ઉં. વ. ૩૩)એ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ૧૮ વ્હીલ વાળા  ટ્રક નંબર જી. જે. ૦૪ એ એક્સ ૨૨૮૩ના ચાલક સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે, પોતાના ભાઈ કમલેશભાઈ, કાકાના દીકરા દીપકભાઈ શામજીભાઈ અને રાહુલભાઈ ઠાકરશીભાઈ વાઘેલા પોતાના ગામ થોરાળીથી કામ સબબ પાલીતાણા જઈ રહ્યા હતા ત્યારે પાલીતાણાના તળાજા રોડ પર ઉપરોક્ત ટ્રકના ચાલકે ટ્રકની પાછળ કોઈપણ પ્રકારની લાઈટ કે ઇન્ડિકેટર વગર ટ્રાફિકને અડચણરૂપ ઉભો રાખ્યો હોય જેની સાથે પોતાના ભાઈ કમલેશભાઈનું બાઈક ધડાકાભેર અથડાતા કમલેશભાઈનું ઘટનાસ્થળે જ્યારે દીપકભાઈનું ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું  બાલાભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પાલીતાણાટાઉન પોલીસે ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application