જોડીયાના બાલંભા પાટીયા પાસે આજે વ્હેલી સવારે પાટણ વિસ્તારના પદયાત્રીઓ દ્વારકા જઇ રહયા હતા ત્યારે ટ્રક કાળ બનીને ત્રાટકયો હતો, જેમાં પદયાત્રીઓના સંઘને હડફેટે લેતા ૩ મહિલા પદયાત્રીને ગંભીર ઇજા કરી મૃત્યુ નિપજતા હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠયો હતો, ભારે અફડાતફડી મચી ગઇ હતી, પાંચથી વધુ ઇજાગ્રસ્ત પદયાત્રીઓને તાકીદે સારવાર માટે જોડીયાની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, બનાવની જાણ થતા જોડીયા પોલીસની ટુકડી તાકીદે ઘટના સ્થળ અને હોસ્પીટલ ખાતે દોડી જઇ બનાવ સબંધે વિગતો મેળવવા તપાસ આદરી હતી.
પાટણ પંથકના બકુતરા વિસ્તારના મહિલા સહિતનો પદયાત્રીનો સંઘ આશરે ૩-૪ દિવસ પહેલા દ્વારકા દર્શનાથે જવા માટે નીકળ્યો હતો, અને આજે વ્હેલી સવારે જોડીયા તાલુકાના બાલંભા પાટીયા પાસે પહોચ્યા હતા, દરમ્યાનમાં વ્હેલી સવારે એકબાજુ ઝાકળ હતી એ વેળાએ પુરપાટ ઝડપે આવી રહેલો ટ્રક કાળ બનીને પદયાત્રીઓ પર ત્રાટકયો હતો અને હડફેટે લેતા ૩ પદયાત્રી મહિલાના ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયા હતા જયારે તેની સાથેના પાંચ જેટલા પદયાત્રીઓને શરીરે નાની મોટી ઇજાઓ થતા તાકીદે જોડીયાની હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, અહીથી પસાર થનારા કોઇએ મદદ કરી હતી, બીજી બાજુ જોડીયા પોલીસની ટુકડી દોડી આવી હતી.
ટ્રક ફરી વળતા હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠયો હતો, મરણજનાર મહિલાઓ બકુતરા ગામના હોવાનું અને જેમાં છાનુબેન બકુતરીયા (ઉ.વ.૩૦), ડીબેન બકુતરીયા (ઉ.વ.૬૦) અને સેજુબેન (ઉ.વ.૫૦) હોવાનું જાણવા મળ્યુ હતું જયારે ઇજાગ્રસ્તોના નામ મેળવવામાં આવી રહયા છે. આ ગોઝારો અકસ્માત કેવી રીતે બન્યો અન્ય કોઇ વાહન બાબતે પણ પોલીસ ટુકડી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. દ્વારકા દર્શનાથે જઇ રહેલા પદયાત્રીઓને વ્હેલી સવારે ગોઝારો અકસ્માત નડયાની વિગતો બહાર આવતા પંથકમાં ભારે અરેરાટી ફેલાઇ જવા પામી છે.
હાઇવે પર ગંભીર અકસ્માતોના બનાવોનું પ્રમાણ વધી રહયું છે, તાજેતરમાં બે થી ત્રણ ગોઝારા અકસ્માતમાં માનવ જીંદગીના ભોગ લેવાઇ ચુકયા છે જયારે આજે વહેલી સવારે ૩ પદયાત્રી મહિલા કાળનો કોળીયો બનતા ભારે ગમગીની છવાઇ ગઇ હતી, પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરવા અને મૃતકોના પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બીજી બાજુ પાટીયા પાસેના સીસી કેમેરાઓ ચેક કરવા સહિતની તપાસ લંબાવવામાં આવી છે.