બે સપ્લાયર ફરાર
દ્વારકાના નરસંગ ટેકરી કરી વિસ્તારમાં રહેતા હુસેન ઉર્ફે રાહિલ ગુલાબભાઈ હીંગળોજા નામના 22 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂની 12 બોટલ તેમજ એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 16,744 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં તેણે ઉપરોક્ત દારૂ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રહીશ સાગર ભીમાભાઈ ડુમાડીયા પાસેથી મેળવ્યાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી. જે અંગે દ્વારકા પોલીસમાં ગુનો નોંધાયો છે.
અન્ય એક કાર્યવાહીમાં ભાણવડ પોલીસે રૂપિયા 15,677 જેટલી કિંમતની વિદેશી દારૂની 26 બોટલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. દારૂનો આ જથ્થો પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ફાટલનેસ વિસ્તારમાં રહેતા બધા કરમણ રબારી નામના શખ્સએ સપ્લાય કર્યો હોવાનું તેમજ આ પ્રકરણમાં પોલીસ રૂપિયા 2 લાખની કિંમતની હ્યુન્ડાઈ વર્ના મોટરકાર પણ કબજે લીધી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
ખંભાળિયામાં જીવલેણ રીતે બાઈક સ્ટંટ કરતા સામે ગુનો
ખંભાળિયામાં ખોડીયાર ચોક વિસ્તારમાં આવેલા એક મંદિર પાછળના ભાગે રહેતા કિશન ઉર્ફે પાંચો કાનજીભાઈ બગડા નામના 20 વર્ષના શખ્સએ રાત્રિના સમયે ખંભાળિયા - જામનગર નેશનલ હાઈવે પર કાઠી દેવળીયા ગામના પાટીયા નજીક તેનું જી.જે. 37 એફ. 8186 નંબરનું રૂપિયા 40 હજારની કિંમતનું મોટરસાયકલ ભયજનક રીતે બાઈક પર સુતા સુતા સ્ટંટ કરી અને ડ્રાયવિંગ લાયસન્સ વગર ચલાવતા પોલીસે તેને ઝડપી લઇ, તેની સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ભાણવડમાં હોટેલ સંચાલક સામે કાર્યવાહી
ભાણવડમાં આવેલી જય અંબે પરોઠા હાઉસ રેસ્ટોરન્ટ ખાતે સીસી ટીવી કેમેરા ન લગાવતા આ અંગે જસ્મીનભાઈ દિનેશભાઈ લાલચેતા સામે સ્થાનિક પોલીસે જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ટોકન વગર માછીમારી કરવા ગયેલા દ્વારકાના માછીમાર સામે ગુનો
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા સદ્દામ જાકુબ સમા નામના 30 વર્ષના માછીમાર યુવાને ટોકન લીધા વગર દરિયામાં માછીમારી કરવા જતા પોલીસે તેને ઝડપી લઇ, ગુજરાત મત્સ્યોધ્યોગ અધિનિયમ હેઠળ જરૂરી કાર્યવાહી કરી હતી.