ધ્રોલમાં થયેલી હત્યા પ્રકરણના સાહેદને છરી બતાવી મારી નાખવાની ધમકી
જામનગરના લાલબંગલા સર્કલ પાસે આવેલ કોર્ટની નવી બિલ્ડીંગની પાછળના પાર્કિંગમાં રામેશ્ર્વરનગરના યુવાનને છરી બતાવીને મારી નાખવાની ધમકી દીધાની ધ્રોલના શખ્સ સામે પોલીસ ફરીયાદ નોેંધાવી છે. ધ્રોલમાં અગાઉ થયેલી હત્યા કેસમાં જામનગરનો યુવાન સાહેદ હોય અને વકિલને મળવા જતો હતો ત્યારે સમાધાન કરી લેવા દબાણ કરીને ધમકી આપી હતી.
જામનગરના રામેશ્ર્વરનગર, નિર્મળનગરમાં રહેતા અજયરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (ઉ.વ.૨૯) નામના યુવાન ગત તા. ૩૦-૪-૨૪ના રોજ પોતાનું મોટરસાયકલ પાર્ક કરીને લાલબંગલા સર્કલ, કોર્ટમાં જતા હોય ત્યારે આરોપી નરેન્દ્રસિંહ ત્યા ઘસી આવી છરી બતાવી, અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
આ અંગે અજયરાજસિંહ જાડેજા દ્વારા ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં ધ્રોલના ત્રિકોણબાગ પાસે રહેતા નરેન્દ્રસિંહ હરદેવસિંહ ઝાલાની વિરુઘ્ધ આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨) તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ એએસઆઇ કે.પી. જાડેજા ચલાવી રહયા છે.
વધુમાં મળેલી વિગત મુજબ ધ્રોલમાં આશરે ૪ વર્ષ પહેલા દિવ્યરાજસિંહ જાડેજા નામના યુવાનની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી જે કેસ જામનગરની અદાલતમાં ચાલી રહયો છે અને આ કેસના રામેશ્ર્વરનગરના અજયરાજસિંહ સાહેદ હોય અને પોતાની ગાડી પાર્ક કરીને અંદર જઇ રહયા હતા ત્યારે આરોપી નરેન્દ્રસિંહે આવીને છરી બતાવીને ધમકી દીધી હતી તથા હત્યા કેસના આરોપી અમારા મિત્ર છે, તું સમાધાન કરી લેજે તેવી દાંટી મારી હતી, ઉપરાંત જો સમાધાન નહીં કરે તો તા પણ મર્ડર કરાવી નાખીશ એવી ધમકી દીધી હતી.