ઓખા થી બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ થયેલ સુદર્શન બ્રીજને પગલે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓનો મોટો પ્રવાહ બેટ દ્વારકા આવતો થયો છે જેને પગલે આ વિકાસનો ગેરફાયદો ઉઠાવવા પણ અમુક લોકો સક્રિય થયા હોવાનું ચિત્ર ખાનગી પાર્કીંગનાં ધંધા રૂપે ઉપસી આવ્યું છે.
બેટ દ્વારકામાં ધમધમતા ખાનગી પાર્કીંગ માં ફોર વ્હીલર - ટેક્સીનાં રૂ .૫૦, બસના રૂ. ૧૦૦ તેમજ પાર્કીંગથી બસ સ્ટેન્ડ સુધી પેસેન્જર લેવા આવ-જા કરતી શટલ રીક્ષાનાં પ્રતિદિન રૂ. ૧૦૦ વસૂલવામાં આવતા હોવાની માહિતી છે. શટલ રીક્ષાને છેક સુધી પેસેન્જર લેવાની ‘છૂટ’ બદલ રૂ. ૫૦ વધારે એટલે કે ૧૦૦ ચૂકવવાની સિસ્ટમ પાછળ કોનાં નફાનું ગણિત કામ કરે છે એ પ્રશ્ન છે.
ખાનગી પાર્કીંગમાં ફાયર સેફ્ટિ સહિતનાં મુદ્દાઓ પર શૂન્યાવકાશ છે. એક વાહનમાં આગ લાગે તો આસપાસ પાર્ક થયેલ અનેક વાહન ઝપટમાં આવી શકે ત્યારે આવી સ્થિતિમાં ફાયર સેફ્ટી વગર ધમધમતા ખાનગી પાર્કીંગ એ અગ્નિકાંડની સંભાવનાવાળું સ્થાન કહી શકાય.
આ મુદ્દે તંત્રની ચૂપકિદી પણ શંકાસ્પદ જણાય રહી છે. પ્રવાસીઓ અને સ્થાનિકોનાં હિતમાં આ કથિત ગેરકાયદે ખાનગી પાર્કિંગ વિરૂદ્ધ પગલા લેવાવા જોઈએ એવુ નિષ્ણાંતોનું માનવું છે.
દ્વારકામાં કાર્યવાહી થઇ તો બેટ- દ્વારકામાં કેમ નહી?
ઉલ્લેખનીય છે કે નજીકનાં ભૂતકાળમાં દ્વારકામાં જવાહર રોડ પર ધમધમતા ખાનગી પાર્કીંગ વિદ્ધ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને તે બંધ કરાવવામાં આવ્યું હતું. તત્કાલીન સ્થિતિ મુજબ સી.આર.પી.સી.૧૩૩ અંતર્ગત કાર્યવાહીનાં પગલા લેવા બાબત હુકમ થયાનું પ્રકાશમાં આવ્યું છે. તો બેટ દ્વારકામાં પણ એ જ સ્થિતિમાં કેમ કોઇ કાર્યવાહી થતી નથી? પ્રવાસીઓનાં આર્થિક હિત તેમજ સુરક્ષા મુદ્દે તંત્રએ પગલા લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે.