25મીએ આ ઘટના બની ને 28 તારીખે અમને અમારા સંતાનોની લાશ મળી... 2 દીકરી અને જમાઈને ગુમાવનાર માતા-પિતાની વ્યથા વાંચશો તો રડી પડશો

  • May 25, 2025 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચાલો આજે આપણે ટીઆરપી ગેમઝોન અને અટલ સરોવર જઈએ. આવું નક્કી કરીને નાની દિકરી, મોટી દિકરી અને મોટા જમાઈ ઘરે હજુ તો નીકળ્યાં હતાં. પણ એને ક્યાં ખબર હતી કે તેઓ ટીઆરપી ગેમઝોનમાં તેની સામે કાળ બનીને આવશે. મોટી દિકરીના લગ્ન એક વર્ષ પહેલા 28-29 ફેબ્રુઆરી 2023માં થયાં હતા.અને 25 ફેબ્રુઆરી 2025ના મોટી દિકરી અને જમાઈ ખુશીથી ઘરે આવ્યાં હતાં.શનિવારનો દિવસ હતો એટલે ત્રણેય જણાએ ટીઆરપી ગેમઝોન અને અટલ સરોવર જવાનું નક્કી કર્યું અને તેઓને કાળ ભરખી ગયો.


આ પરિવારને ક્યાં ખબર હતી કે તેઓ ફરી પાછા આવવાના જ નથી

આ વાત છે આજથી એક વર્ષ પહેલા થયેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની. શનિવારે નાની દિકરી વિશા મોડાસિયા, મોટી દિકરી ખુશાલી દુસારા અને જમાઈ વિવેક દુસારાએ નક્કી કર્યું કે તેઓ આજે ટીઆરપી ગેમઝોન અને અટલ સરોવર જશે. બહાર જવા માટે તેઓએ તેમના માતા અમિતાબેન અને પિતા અશોકભાઈ સાથે વાત કરી. આ સાથે જ દીકરી ખુશાલી અને જમાઈ વિવેકભાઈએ પોતાના ઘરે ફોન કરીને ત્યાં પણ વાત કરી અને તેઓ બહાર જવાના છે તેવું કહ્યું જેથી બંને પરિવારે કહ્યું કે હા તમે જાવ અને નિરાતે આવજે. પણ આ પરિવારને ક્યાં ખબર હતી કે તેઓ ફરી પાછા આવવાના જ નથી.

 
મારી બેય દિકરીઓ અમારૂ ખુબ ધ્યાન રાખતી

એક વર્ષ પહેલા બનેલી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને યાદ કરીને આ બંને દિકરીઓના માતાપિતા આજે પણ રડી રહ્યાં છે. એક દિવસ એવો નહીં હોય તેમને પોતાની બેય દિકરીઓ અને જમાઈને યાદ ન કર્યાં હોય. મીડિયા સાથે વાત કરતા માતા અમિતાબેન કહે છે કે મારે બે દિકરીઓ જ હતી અને આ બેય દિકરીઓ મારે દિકરા પણ વિશેષ હતી. મારી બેય દિકરીઓ અમારૂ ખુબ ધ્યાન રાખતી અને પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ એટલી મદદ કરતી હતી.​​​​​​​


મમ્મી-પપ્પા હું મોટી થઈને સારી એવી નોકરી કરીશ

અમારી મોટી દિકરીના લગ્ન થઈ ગયા હતા તેમ છતાં મારી મોટી દીકરી અને જમાઈ અમને જ્યારે પણ મદદની જરૂર હોય ત્યારે તેઓ પહોંચી જતાં. મારી નાની દીકરી કોલેજનો અભ્યાસ કરતી અને તે હંમેશા કહેતી કે મમ્મી-પપ્પા હું મોટી થઈને સારી એવી નોકરી કરીશ અને તમારૂ હું ધ્યાન રાખીશ.અમે અમારી દિકરીઓને 20-20 વર્ષની કરી હતી અને તેમને આ અચાનક વિદાયથી અમે સાવ નોધારા થઈ ગયા છે.


રોજ બપોરે ઘડિયાળમાં 3 વાગે અને મને મારી દીકરી યાદ આવે છે

નાની દીકરીને યાદ કરતા અમિતાબેન કહે છે કે મારી દિકરી બપોરે જમીને બધું કામ એ કરતી અને 3 વાગ્યે મને ચા બનાવીને આપતી એ પછી હું મારૂ કામ ચાલુ કરતી. પણ દરરોજ બપોરે ઘડિયાળમાં 3 વાગે અને મને મારી દીકરી યાદ આવે છે. સાંજની રસોઈ પણ એ જ કરતી .આ અગ્નિકાંડે અમારૂ સર્વસ્વ છિનવી લીધું છે.


25 તારીખે આ ઘટના બની અને 28 તારીખે અમને અમારા સંતાનોની લાશ મળી

ભાવુક થયેલા પિતા અશોકભાઈ આજે પણ એ ઘટનાને યાદ કરીને રડે છે. તેઓ કહે છે કે જ્યારે તેઓ ટીઆરપી ગેમઝોન ગયા ત્યારે મને આ નામ ખબર પડી કે રાજકોટમાં આવી કોઈ જગ્યા છે.બાકી મે આ જગ્યા વિશે ક્યારેય સાંભળ્યું પણ ન હતું અને હું ગયો પણ ન હતો.એક વર્ષ પહેલાની ઘટનાને યાદ કરતા તેઓ કહે છે કે 25 તારીખે જ્યારે આ ઘટના બની અને જ્યારે મને આ ઘટનાની જાણ થઈ ત્યારે મારા હાંજા ગગળી ગયા હતા. 25 તારીખે આ ઘટના બની અને 28 તારીખે અમને અમારા સંતાનોની લાશ મળી.


2023ના મારી મોટી દીકરીના લગ્ન થયા હતા

એક વર્ષે પહેલા જે દિવસે એટલે 29 ફેબ્રુઆરી 2023ના મારી મોટી દીકરીના લગ્ન થયા હતા.એના બરાબર એક વર્ષ બાદ એટલે કે 29 ફેબ્રુઆરી 2024ના અમે એ દિકરી અને જમાઈના અગ્નિ સંસ્કાર કર્યા હતા.આ વાત અમને ક્યારેય નહીં ભુલાઈ.અમારી નાની દિકરીના અંતિમ સંસ્કાર 28 ફેબ્રુઆરીએ અમે રાજકોટમાં કર્યા હતા.જ્યારે મોટી દિકરી અને જમાઈને તેમના ગામ વેરાવળ લઈ જવામાં આવ્યાં હતા.જ્યાં તેમના અગ્નિ સંસ્કાર 29 ફેબ્રુઆરી 2024ના  કરવામાં આવ્યાં હતાં.


આ જોઈને મને ખુબ આઘાત લાગ્યો

પિતા અશોકભાઈ કહે છે કે અગ્નિકાંડની એ ઘટના બની એની જાણ મને ન હતી.પણ મારી નાની દીકરીની બેનપણીને આ વાતની ખબર પડી એટલે એ દોડીને મારા ઘરે આવી હતી અને મને કહ્યું કે અંકલ તમને આ ઘટનાની કંઈ ખબર છે.ત્યારે મે ના પાડી અને હું સીધો જ ટીઆરપી ગેમઝોન પહોંચ્યો પણ ત્યાં કોઈને અંદર જવા દેતા ન હતા અને ત્યાંથી અમને સિવિલ હોસ્પિટલ જવાનું કહ્યું એટલે હું ત્યાં દોડીને ગયો.ત્યાં ગયો તો ત્યાં પણ સ્થિતિ ખુબ ગંભીર હતી. આ જોઈને મને ખુબ આઘાત લાગ્યો.


અમારા સંતાનોને ક્યારેય ભુલી શકશું નહીં

થોડીવારમાં સિવિલ હોસ્પિટલમાંથી કહેવામાં આવ્યું કે જેમના પણ પરિવારના લોકો ટીઆરપી ગેમઝોન ઘટનામાં ગયા હોય તેમના સ્વજનો આવે અને તેઓ તેમના DNAએ આપે.ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ.કારણ કે આ ઘટનામાં મારી બેય દિકરીઓએ અને અમારા જમાઈ હતા.આજે અમે આ ઘટનામાં અમે અમારા ત્રણેય સંતાનો ગુમાવ્યા છે.ઘરના દરેક ખુણા અમને અમારા સંતાનોની યાદ અપાવે છે.અમે જ્યારે મરીશું ત્યારે અમારી સાથે જ અમારી આ યાદો જશે. કારણ કે જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી અમે અમારા સંતાનોને ક્યારેય ભુલી શકશું નહીં.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News