પોરબંદરમાં ધોળે દિવસે વૃધ્ધાને ઘેરી મહિલા સહિત ચાર ઇસમોએ ૧ લાખ ૭૦ હજારથી વધુની લૂંટ કરી હતી અને પોલીસે તાત્કાલિક આ ચારેય ઇસમોને પકડી પાડ્યા છે. તેઓ રીઢા ગુનેગાર હોવાનું અને અગાઉ પણ તેમની સામે આ પ્રકારના ગુના દાખલ થયાનું જાણવા મળ્યું છે. પોરબંદરની કમલાબાગ પોલીસની ટીમે પકડી પાડેલ ચાર આરોપીઓ સામે માત્ર અમદાવાદ ખાતે જ ૫૦ લાખથી વધુ રકમની ઘરફોડી ચોરીના ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
છાયાના માતીનગરમાં ચાણક્ય સ્કૂલ પાસે રહેતા ૬૫ વર્ષના વૃધ્ધા રાણીબેન ભુપતભાઈ ખુંટી દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે કે સવારે ૧૦ વાગ્યે તેઓ પોરબંદર શહેરમાં શાકભાજી અને ફ્રૂટ લેવા માટે આવ્યા હતા. સુદામાચોકથી પગપાળા રાણીબાગ ચાર રસ્તે થઇને હોટલ લીલાસ વાળા રોડ પર પહોંચ્યા ત્યારે ગલી પાસે બજરીયા કલરનો શર્ટ અને વરીયાળી કલરનો પેન્ટ પહેરેલો એક ઇસમ ત્યાં આવ્યો હતો અને રાણીબેનને ‘મારા શેઠે મને નોકરીમાંથી કાઢી મૂકયો છે. મેં ત્યાં પૈસાની ચોરી કરી છે.’ તેમ કહીને ૫૦૦ની નોટવાળું એક કાપડથી સીવેલ બંડલ બતાવ્યું હતું અને રાણીબેનને એવું કહ્યું હતું કે, ‘મને રાજકોટ જવા માટે ભાડાના પૈસા આપો તો હું તમને આ પૈસાનું બંડલ આપી દઉં’ તેમ કહેતા રાણીબેને પોતાના બટવામાંથી ૫૦૦ની નોટ કાઢીને હાથમાં રાખી હતી. તે દરમિયાન પીળા રંગની કુર્તી પહેરેલી એક મહિલા અને બીજા બે પુરૂષો ત્યાં આવી ગયા હતા અને ચારેય જણાએ આ વૃધ્ધાને ઘેરી લીધા હતા.
ગલીમાં માણસોની કોઇ અવરજવર નહીં હોવાથી ધમકી આપી હતી કે ‘તે ગળામાં પહેરેલ સોનાનો ચેઇન અને બુટીયા કાઢી આપ નહીંતર તને બચાવવા માટે કોઇ નહી આવે’ તેવી ધમકી આપી રાણીબેનના દાગીના ઝૂંટવવા લાગ્યા હતા. જેમાં મહિલાએ સોનાનો ચેન ખેંચી લીધો હતો. તથા અન્ય ઇસમોએ કાનના બુટીયા કાઢી લીધા હતા તથા હાથમાં રહેલી ૫૦૦ની નોટ ઝુંટવીને ધમકી આપી હતી કે ‘અમોએ દાગીના અને પૈસા ઝૂંટવી લીધાની વાત કોઇને કરતી નહી અને પોલીસ ફરિયાદ પણ કરતી નહીં, અમે તારી પાછળ જ છીએ જો કોઇને વાત કરીશ કે ફરિયાદ કરીશ તો તને જીવતી રહેવા દેશુ નહીં’ એમ કહીને રાણીબેનને ત્યાંથી જવાનું કહ્યુ હતુ અને એ ચારેય રીક્ષામાં બેસીને બસ ડેપો તરફ જતા રહ્યા હતા.
ત્યારબાદ એ સમયે જ પોલીસના બે બાઇકમાં ત્રણ પોલીસ કર્મચારીઓ નીકળતા રાણીબેને તાત્કાલિક તેમને દાગીના ઝૂંટવી ગયેલા લોકો વિશેનું વર્ણન કરતા પોલીસ તેને શોધવા ગયા હતા અને રાણીબેન પોલીસમથકે ગયા હતા. પોલીસે તાત્કાલિક આ મુદ્દે તપાસ હાથ ધરીને ચારેય ઇસમોને પેરેડાઇઝ ફૂવારા પાસેથી પકડી લીધા હતા અને આકરી પૂછપરછ કરી હતી.
પોલીસ દ્વારા તેઓની આકરી પૂછપરછ કરવામાં આવતા મહિલા મહેસાણા જિલ્લાના વીજાપુર ગામે રહેતી મીના રામાભાઇ સલાટ તથા તેની સાથે રહેલા ઇસમો જશવંત જીતુભાઇ સલેટ તેમજ બીજા બે ઇસમોમાં અમદાવાદ ગ્રામ્યમાં રહેતા રતનભાઈ પ્રેમાભાઇ રાઠોડ અને કૈલાસ પ્રેમાભાઇ રાઠોડ હોવાનું જણાવ્યું હતું. પોલીસની તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, આ ચારેય લૂંટારુઓ સામે અગાઉ પણ આ પ્રકારની ફરિયાદ થઇ ચૂકી છે. એકસાથે સંગઠિત થઇ મિલાપીપણું કરી નાણાકીય લાભ થાય તેવી ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ૧ લાખ ૪૦ હજારનો ચેન, ૩૦ હજારના સોનાના બુટીયા અને ૫૦૦ની એક ચલણી નોટ સહિત કુલ ૧ લાખ ૭૦ હજાર ૫૦૦ની લૂંટ કરનારા તમામને પોલીસે પકડી પાડ્યા હતા.
કમલાબાગ પોલીસમથક દ્વારા પકડી પાડવામાં આવેલા ઇસમોને ઘટનાસ્થળે લઇ જઇ મોડી સાંજે રીકન્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું અને આ તમામની રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech