રામનાથ મંદિર ફરતે રિટેઇનિંગ વોલ બનાવવા શિવરાત્રીએ ટેન્ડર પ્રસિધ્ધ

  • February 26, 2025 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથ મહાદેવ મંદિર ફરતેની દર્શનાર્થીઓના વાહન પાર્કિંગ માટેની જગ્યામાં રિટેઇનિંગ વોલ બનાવવા માટે અંતે રૂ.૭૧,૮૨,૧૩૨ના એસ્ટીમેટ સાથે અંતે ટેન્ડર પ્રસિધ્ધ કરાયું છે, ટેન્ડરની અંતિમ તા.૧૯ માર્ચ છે તેથી તા.૩૧ માર્ચ સુધીમાં કામ શરૂ થશે તેવી શકયતા છે. ગત ચોમાસે આજી નદીમાં ઘોડાપુર આવતા હયાત પાર્કિંગ પ્લેસનું ધોવાણ થઇ ગયું હતું જેથી ભવિષ્યમાં આવું ન થાય અને પુરના પાણી પાર્કિંગ પ્લેસ સુધી ન પહોંચે તે માટે ઉપરોક્ત રિટેઇનિંગ વોલનું નિર્માણ કરવામાં આવનાર છે તેમ મ્યુનિ.ઇજનેરી વર્તુળોએ જણાવ્યું હતું.

રાજકોટની આજી નદીના કાંઠે બિરાજમાન સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરની દર ચોમાસે ભારે દુર્દશા થતી હોય તેમજ સમગ્ર શહેરની ડ્રેનેજનું ગંદુ પાણી આ મંદિર ફરતે છોડવામાં આવતું હોય તેના લીધે સમગ્ર વિસ્તારમાં સતત દુર્ગંધ રહેતી હોય છે. છેલ્લા બે ચાર વર્ષથી અહીં રામનાથ કોરિડોરનું નિર્માણ કરાશે તેવી જાહેરાત કર્યા બાદ મહાપાલિકા તંત્રએ અહીં કશું જ કર્યું ન હતું. જ્યારે તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં તો મ્યુનિ.કમિશનરે આ પ્રોજેક્ટને બજેટમાં પણ સમાવેશ કર્યો ન હતો. દરમિયાન આજકાલ દૈનિકમાં આ અંગે લગાતાર અહેવાલો પ્રસિદ્ધ થતા ભાજપના શાસકો જાગ્યા હતા અને ફરી આ પ્રોજેક્ટનો બજેટમાં સમાવેશ કરી રામનાથ કોરીડોર પ્રોજેક્ટ અંતર્ગત રામનાથ મહાદેવ મંદિરના જિર્ણોદ્ધાર અને બ્યુટીફિકેશન માટે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ રૂ.૨.૫૦ કરોડની ફાળવણી કરી છે. આગામી નાણાંકીય વર્ષ-૨૦૨૫-૨૦૨૬ અંતર્ગત રામનાથ મહાદેવ મંદિર બ્યુટીફિકેશન પ્રોજેક્ટ માટે રૂ.૨.૫૦ કરોડની જોગવાઇ કરી છે તેમાંથી રાજકોટના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા ભગવાન રામનાથ મહાદેવ મંદિરના પરિસરની સ્વચ્છતા જાળવણી માટે રામનાથ કોરીડોર ડેવલોપમેન્ટ થકી મંદિર પરિસરનું બ્યુટીફિકેશન કરાશે. આગામી નાણાકીય વર્ષના પ્રારંભે એપ્રિલ-૨૦૨૫થી આ કામગીરી શરૂ થશે. મંદિર ફરતે સ્વચ્છતા રહે અને ખાસ કરીને ડ્રેનેજનું પાણી ત્યાં આગળ છોડવાનું બંધ થાય તે માટે તાત્કાલિક અસરથી જરૂરી કાર્યવાહી થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application