એક વૃઘ્ધાને દિ.પ્લોટ વિસ્તારમાં ઢીક મારતા ઇજાગ્રસ્તને સારવાર માટે જી.જી.માં ખસેડાયા: રામેશ્ર્વરનગર વિસ્તારમાં પણ ૮૦ વર્ષના વૃઘ્ધાને ઢોરે હડફેટે લેતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, મહાનગરપાલિકા નિષ્ફળ ગઇ છે, કારણ કે ગઇકાલના દિવસમાં બે જુદા જુદા વિસ્તારોમાં બે વૃઘ્ધાને ઢોરે હડફેટે લઇને ઇજાગ્રસ્ત બનાવ્યા છે, દિ.પ્લોટમાં પહેલો બનાવ બન્યો છે અને રામેશ્ર્વરનગરમાં પણ ૮૦ વર્ષના વૃઘ્ધાને હરાયા ઢોરે હડફેટે લીધા છે.
જામનગર શહેરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ યથાવત રહયો છે, અને એક રાહદારી બુઝુર્ગ મહિલા તેનો શિકાર બન્યા છે, અને હાલ સારવાર મેળવી રહ્યા છે, આમ વધુ એક વખત શહેરમાં રખડતા ઢોરે વૃઘ્ધાને ઇજાગ્રસ્ત બનાવ્યા છે અને મહાનગરપાલિકાની ઢોર પકડવાની કહેવાતી ઝુંબેશનું વધુ એક વખત સૂરસૂરીયું થયું છે, હજુ પણ પંચવટી ગૌશાળા, પંચેશ્ર્વર ટાવર સહિતના જામનગરના સંખ્યાબંધ વિસ્તારોમાં ઢોરના ઢગલા જોવા મળે છે, હાલમાં વેકેશન હોવાથી સાંજના સમયે બાળકો ખેલકુદ માટે ઘરની બહાર નીકળે છે ત્યારે કૂતરાઓના ખૌફની લટકતી તલવાર વચ્ચે ઢોરની ઢીકની બીક પણ વાલીઓને સતત સતાવે છે.
જામનગરના દિગવીજય પ્લોટ વિસ્તારમાં ગઈકાલે બપોરે એક મહિલા પગપાળા ચાલીને જઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તે રઝળતા એક ખુટિયાએ રાહદારી બુઝુર્ગ મહિલાને હડફેટમાં લઈ જમીન પર પછાડી દીધા હતા. જેના કારણે તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.
ઉપરોક્ત સમય દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક રીક્ષાના ચાલકે આવીને બુઝુર્ગ મહિલાને બચાવ્યા હતા, અને ખૂંટીયાને ત્યાંથી દૂર કર્યો હતો. જેથી હાશકારો અનુભવાયો હતો. જ્યારે બુઝુર્ગ મહિલા ને પ્રાથમિક સારવાર અપાઇ છે. મહાનગરપાલિકાના તંત્રએ ફરીથી રસ્તે રઝળતા પશુઓ ને પકડવા માટેની ઝુંબેશ વગવંતી બનાવવા માંગ ઉઠી રહી છે.