જામનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના પેલેસ રોડ ઉપર જોગર્સ પાર્કના પોશ એરીયા પાસેના જાહેર માર્ગ ઉપર એક ક્ધટેનર કેબીન સાથેનું આર.આર.આર. સેન્ટર ઊભું કરાયું છે.
જેમાં લોકો જૂની વણજોઈતી પરંતુ બીજાને કામ આવે તેવી સ્થિતિના વસ્ત્રો, બુક, રમકડા સહિતની તમામ વસ્તુઓ મુકી જઈ શકે છે, અને જરૂરીયાતમંદ લોકો પોતાની જરૂરિયાતની તમામ વસ્તુ વિના મુલ્યે કોઈને પણ પુછ્યા વગર લઈ શકે છે. અત્યાર સુધીમાં કુલ ૩૯૪ લોકોએ આ સેન્ટરમાંથી વિવિધ વસ્તુઓ મેળવી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા રીડયુઝ, રી-યુઝ અને રીસાયકલના સુત્ર સાથે એટલે કે આર.આર.આર. ના સુત્રને અનુસરીને દીવાળીના સમયથી પેલેસ રોડ પર એક ક્ધટેનર મૂકીને આ સુવિધા શરૂ કરી છે. જેમાં લોકો પોતાના માટે બિનજરૂરી હોય અને અન્ય લોકોને કામ આવે તેવી વસ્તુઓ જેવી કે કપડા, રમકડા, ચંપલ, બોટલ, લંચ બોક્સ, અલગ અલગ વિષયોની પુસ્તકો, વોકર, ચશ્માં, પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ, કાચની ક્રોકરી સહિતની ચીજ વસ્તુઓ મૂકી જાય છે.
ગત ઓગસ્ટ મહિનાથી શરૂ કરાયેલા આ સેન્ટરમાં આજ દિન સુધીમાં કુલ ૪૧૬ લોકો અલગ અલગ ચીજ વસ્તુઓ મૂકી ગયા છે, જેમાં સૌથી વધારે કપડા ની નોંધણી કરાઈ છે. જેમાં સૌથી વધારે મહિલાઓના જીન્સ ટોપ ડ્રેસ જેવા કપડાઓ મૂકવામાં આવ્યા છે.
તો બીજી તરફ આ બધી વસ્તુ જરૂરિયાત મંદોને પણ ખૂબ જ કામ આવી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે અત્યાર સુધીમાં કુલ ૩૯૪ લોકોએ આ સુવિધ નો લાભ લઈને પોતાની જરૂરિયાત સંતોષી છે. જેથી મહાનગરપાલિકા નું આર.આર.આર. સેન્ટર જરૂરિયાતમંદો માટે ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.