બિન રાજકીય નાગરિક સમિતિની ચોટદાર રજૂઆતો
કલ્યાણપુર તાલુકામાં આવેલા મહત્વના એવા સાની ડેમમાં રીપેરીંગના ભાવે છેલ્લા છ-સાત વર્ષથી પાણીનો સંગ્રહ ન થઈ શકતા આ મુદ્દે ખંભાળિયાની બિન રાજકીય સંસ્થા નાગરિક સમિતિ દ્વારા વિલંબ બદલ ચોટદાર ટકોર કરવામાં આવી છે.
કલ્યાણપુર તાલુકાના રાવલ વિસ્તારમાં આવેલો સાની ડેમ એ કલ્યાણપુર તાલુકા ઉપરાંત ઓખા મંડળના અનેક ગામોમાં પીવાના તેમજ વાપરવાના પાણી માટે આશીર્વાદપ બની રહ્યો હતો. પરંતુ સાની ડેમ ક્ષતિગ્રસ્ત બનતા તેમાં છેલ્લા છ વર્ષથી તંત્ર દ્વારા પાણીનો સંગ્રહ કરવામાં આવતો નથી. ત્યારે આ વિસ્તારમાં વરસતા ભરપૂર વરસાદમાં પણ અહીં પાણી સંગ્રહિત ન થઈ શકતા લોકોની નજર સામે લાખો ગેલન પાણી દરિયામાં વહી જાય છે.
આ ગંભીર મુદ્દે ખંભાળિયાની વિવિધ તજજ્ઞો, તબીબો વિગેરે સાથેની સેવા સંસ્થા નાગરિક સમિતિ દ્વારા વધુ એક રજૂઆતમાં જણાવ્યું છે કે કલ્યાણપુર ઉપરાંત નજીકના રાવલ, ભાટીયા વિગેરે જેવા અનેક ગામોને સાની ડેમની ભેટ મળી છે, તે માટે કાર્યકર મૂળજીભાઈ નામના એક સદ ગૃહસ્થની રજૂઆત ફળી છે. આ ડેમમાં થોડા વર્ષ પૂર્વે ગાબડું પડ્યા બાદ તેમાં પાણી ભરવાનું બંધ કરવામાં આવ્યું છે.
હાલની પરિસ્થિતિમાં છેલ્લા આશરે સાતેક વર્ષથી સાની ડેમમાં પાણી ભરવામાં આવતું નથી. ત્યારે આ ડેમનું તંત્ર દ્વારા ટેન્ડરિંગ સહિતના કારણોસર રીપેરીંગ ન થતા વરસાદનું અમૂલ્ય એવું લાખો ગેલન જળ દરિયામાં વહી જતાં આ વિસ્તારના ધરતીપુત્રો તેમજ ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળે છે.
આ વિસ્તારના લાખો લોકોની જીવનશૈલી આ ડેમ સાથે જોડાયેલી હોય, વિવિધ ચોટદાર સવાલો સાથે આ બાબતને ગુનાહિત વિલંબ ગણાવીને નાગરિક સમિતિના અધ્યક્ષ ડો. એચ.એન. પડિયા દ્વારા વિવિધ મુદ્દાઓ વર્ણવ્યા છે. જિલ્લાનો વિશાળ અને મહત્વનો એવો સાની ડેમ છેલ્લા છ-સાત વર્ષથી ખાલીખમ્મ બની રહેતા આ મુદ્દે તંત્ર દ્વારા તાકીદે લક્ષ્ય કેળવી અને રીપેરીંગની વિધિનું કાર્ય ચોમાસા પૂર્વે પૂર્ણ કરવું જોઈએ તેમ આ વિસ્તારની જનતા ઈચ્છી રહી છે.