જામનગરમાં ૧૮ થી ર૦ જુન શાળા પ્રવેશોત્સવ, બાળકીઓના વધુ નામાંકનની ખાસ તાકીદ

  • May 22, 2025 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહિત રાજ્યભરની બાલવાટિકા, પ્રાથમિક, માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શાળાઓ તથા જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ રેસીડેન્સીયલ  સ્કૂલોમાં આગામી તા. ૧૮ થી ર૦ જુનના શાળા પ્રવેશોત્સવ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમને અનુલક્ષીને જે વિસ્તારમાં બાળકીઓના ઓછા નામાંકન થાય છે તે વિસ્તારમાં બાળકીઓના વધુ નામાંકનની તાકીદ કરવામાં આવી છે.  ધો. ૮ માં ઉત્તીર્ણ છાત્રોએ ધો. ૯ અથવા આઇટીઆઇમાં પ્રવેશ મેળવ્યો કે અધવચ્ચે અભ્યાસ છોડ્યો તે બીઆરસી-સીઆરસીએ સુનિશ્ર્ચિત કરવાનું રહેશે. પ્રવેશોત્સવ પૂર્વે સર્વે કરી તમામ બાળકોના નામાંકનની પ્રક્રિયા પૂર્ણ કરવા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીની ખાસ સૂચના આપવામાં આવી છે.


ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા શાળા પ્રવેશોત્સવને અનુલક્ષીને જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારી અને ખાસ માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં પ્રવેશોત્સવમાં રાજ્યકક્ષાએથી આવનાર મહાનુભાવોના રૂટને અનુલક્ષીને નિયત રૂટ તૈયાર કરવાના રહેશે. આટલું જ નહીં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત પદાધિકારીઓ અને અધિકારીઓને કીટ આપવાની રહેશે. જેમાં શિક્ષણ વિભાગની સિઘ્ધિઓ દશાર્વતી બુકલેટ, પ્રવેશપાત્ર બાળકોની યાદી, શાળામાં પ્રવેશથી વંચિત બાળકોની યાદી સહિતની વિગતો આપવાની રહેશે.


તદ્દઉપરાંત શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિની રચના કરવાની રહેશે. જેમાં પ્રમુખ તરીકે જિલ્લા કલેકટર અને સભ્ય તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ રહેશે. ખાસ કરીને ધો. ૮ અને ધો. ૧૦ માં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓએ માઘ્યમિક અને ઉચ્ચત્તમ માઘ્યમિક શાળાના મુખ્ય શિક્ષકે આચાર્ય સાથે સંકલનમાં રહીને કરવાનું રહેશે. ધો. ૮ ઉત્તીર્ણ કરનાર વિદ્યાર્થીઓએ ધો. ૯ માં કે આઇટીઆઇમાં પ્રવેશ મેળવ્યો છે કે કેમ ? અથવા અધવચ્ચે અભ્યાસ છોડી દીધો છે તે સુનિશ્ર્ચિત સીઆરસી અને બીઆરસીએ કરવાનું રહેશે. તદ્દઉપરાંત શાળા પ્રવેશોત્સવની પૂર્વ તૈયારી‚પે પ્રવેશ પાત્ર તમામ બાળકોનો સર્વે કરી આ બાળકોનું શાળામાં નામાંકન કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. 
​​​​​​​

શાળા પ્રવેશોત્સવ પહેલા શાળા પરિસરની સ્વચ્છતા અને યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગામના વાલીઓની અને ગ્રામજનોની સંપૂર્ણ હાજરી રહેશે તે પ્રકારે આયોજન કરવાની તાકીદ કરવામાં આવી છે. તદ્દઉપરાંત સ્વાસ્થ્ય પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક ઉત્થાનના કાર્યક્રમો વિગેરે વિષય પર બાળકોને વક્તવ્ય તૈયાર કરાવવાની જવાબદારી શિક્ષકોની રહેશે. પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનું વક્તવ્ય રાખવાનું રહેશે. ખાસ કરીને જે વિસ્તારમાં દિકરીઓનું નામાંકન ઓછું થતું હોય તે વિસ્તારોને અલગ તારવી આ વિસ્તારોમાં દિકરીઓનું વધુમાં વધુ નામાંકન થાય તે માટે સઘન પ્રયાસો કરવા સૂચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application