બે ફાયર આર્મ સાથે ઝડપાયેલા સાજીદ કચરાનો હથિયારના કેસમાં નિર્દોષ છુટકારો

  • May 31, 2025 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરમાં ડબલ મર્ડરના ગુનામાં પેરોલ જમ્પ કરી નાસી છુટેલો કચરા ગેંગનો મુખ્ય સુત્રધાર સાજીદ હુસેન કચરા ગેરકાયદે હથીયારો સાથે ઝડપાયો હતો, જે આર્મ્સ એકટના છ વર્ષ પહેલાના ગુનામાં કોર્ટે કચરા ગેંગના મુખ્ય સુત્રધાર સાજીદને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડર ગુનાનો આરોપી સાજીદ હુસેન કચરા પેરોલ જમ્પ કરી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ ૨૦૧૯ની સાલમાં આરોપી સાજીદ કચરા ગેરકાયદેસર હથીયાર સાથે જતો હોય તેવી બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વહેલી સવારે વોચ ગોઠવી નહેરૂનગર શેરીના ખૂણા પાસે સાજીદ હુસેન કચરા દેશી બનાવટની રિવોલ્વર અને પિસ્તોલ તેમજ છ જૂના કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો. તેમાં આરોપી સાજીદ કચરા વિરૂધ્ધ આર્મ્સ એકટની કલમ હેઠળ વધુ એક ગુનો નોંધી જેલ હવાલે કર્યો હતો. જે કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા બન્ને પક્ષોની દલીલો તેમજ બચાવ પક્ષે રજૂ રાખેલ ચુકાદાઓ ધ્યાને લઈ અદાલત એવા તારણ પર આવેલ હતી કે, હાલનો કેસ દાખલ કરતા પહેલા જરૂરી એવી ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટની પરવાનગી લેવાઇ નથી, તેમજ તપાસ કરનાર અધીકારી દ્વારા કોઈ સ્વતંત્ર સાહેદોના નિવેદનો નોંધેલ નથી તેમજ પંચો પણ કેસને સમર્થન આપતા નથી, જે બચાવપક્ષની દલીલો માન્ય રાખી આરોપી સાજીદ હુસેન કચરાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ હતો. આ કેસમાં આરોપી વતી યુવા ધારાશાસ્ત્રીઓ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભુમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા અને કેવિન ભીમાણી રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application