જસદણના કમળાપુર પાસેથી સુરેન્દ્રનગરના શખસને તમંચા સાથે ઝડપી લેતી એસઓજી

  • May 17, 2025 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે જસદણના કમળાપુર પાસેથી સુરેન્દ્રનગરના શખસને દેશી તમંચા સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પુછતાછ કરતા તેણે આ હથિયાર શોખ માટે સાથે રાખ્યું હોવાનું જણાવ્યું હતું. આરોપી આ હથિયાર કોની પાસેથી લાવ્યો હતો તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્રારા ગેરકાયદેસર હથિયાર રાખી હેરાફેરી કે, વેચાણ કરતા શખસો ઉપર વોચ રાખી તેને ઝડપી લેવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ રાજકોટ ગ્રામ્ય એસઓજીના પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.નો સ્ટાફ ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતો.દરમિયાન હેડ.કોન્સ શિવરાજભાઇ ખાચર, વિજયભાઇ વેગડ,મયુરભાઇ વિરડા તથા કોન્સ વિપુલભાઇ ગોહીલને બાતમી મળી હતી કે, હિરેન ડણીયા (રહે. સુરેન્દ્રનગર) નામનો શખસ ચોટીલા કમળાપુર રોડ, કમળાપુર,જય સોમનાથ પેટ્રોલ પંપની સામે રોડ ઉપર ઉભો છે અને તેના પેન્ટના નેફામાં હથીયાર છે. તે ભાડલા ગામ ખાતે જવાનો છે.


આ બાતમીના આધારે એસઓજીની ટીમે અહીં પહોંચી જય સોમનાથ પેટ્રોલ પંપની સામે રોડ ઉપર એક શખસ શંકાસ્પદ હાલતમાં ઉભો હોય તેની પુછતાછ કરતા તેનું નામ હિરેનભાઇ જગદીશભાઇ ડણીયા(ઉ.વ ૩૯ રહે. સુરેન્દ્રનગર, વેલનાથ સોસાયટી, દશામાના મંદીર પાસે) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અંગજડતી લેતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો.જેથી પોલીસે આરોપી પાસેથી રૂ. ૩ હજારની કિંમતનો આ તમંચો કબજે કરી આરોપી સામે ભાડલા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મજુરી કામ કરે છે. હથિયાર બાબતે પુછતા તેણે શોખ માટે હથિયાર સાથે રાખ્યું હોવાની કબુલાત આપી હતી. આરોપી હથિયાર કોની પાસેથી લાવ્યો હતો તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.આરોપી સામે અગાઉ પણ હથિયારાધારનો એક કેસ થયો હોવાની પોલીસને વાત મળતા આ અંગે પોલીસ ખરાઇ કરી રહી છે. આ કામગીરીમાં રાજકોટ રૂરલ એસઓજીના પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી.મિશ્રા તથા હેડ કોન્સ. શિવરાજભાઇ ખાચર, વિજયભાઇ વેગડ,મયુરભાઇ વિરડા તથા વિરરાજભાઇ ધાધલ તથા કોન્સ. વિપુલભાઇ ગોહીલ, વિજયગીરી ગૌસ્વામી તથા ચીરાગભાઇ કોઠીવાર સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application