મારા કમિશનના 2000 આપી દે, યુવાને કહ્યું સાંજ સુધીમાં આપીશ તો શખ્સે કારમાં બળજબરીથી બેસાડી અપહરણ કર્યું, માર માર્યો, રાજકોટનો બનાવ

  • June 03, 2025 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં નાડોદાનગરમાં રહેતા ડ્રાઇવીંગ કામ કરનાર યુવાનને જૂનાગઢના ફેરાના કમિશનના રૂ.૨ હજાર ન આપતા ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી તેનું અપહરણ કરી મારકૂટ કરી જુનાગઢ લઇ જવામાં આવ્યો હતો. અહીં મોકો મળતા તે ધક્કો મારી ભાગી ગયો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે શિતલ પાર્કમાં રહેતા શખસ સામે મારકૂટ,અપહરણ અને એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

રાજકોટમાં હુડકો પોલીસ ચોકી પાછળ નાડોદાનગર શેરી નંબર-૭ માં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરનાર સંજય ભીખાભાઈ રાઠોડ (ઉ.વ 24) નામના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શીતલ પાર્ક પાસે રહેતા શકીલ રજાકભાઈ દશાડીયાનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રાજકોટ અમદાવાદ હાઇવે પર કારમાં પેસેન્જર ફેરા કરે છે. ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ઘણા બધા લોકો પેસેન્જર કાર ચલાવતા હોય જેમાં શકીલ પણ હોય તે તેની સ્વીફ્ટ કારમાં પેસેન્જર ભરી અમદાવાદ જતો હોય જેથી છેલ્લા એકાદ વર્ષથી ફરિયાદીને તેની સાથે પરિચય છે.


હાલ મારી પાસે પૈસા નથી

ગઇ તા. 30/5/2025 ના યુવાન ચોકડી ખાતે બપોરના ચારેક વાગ્યે ઊભો હતો. ત્યારે શકીલ દશાડીયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, સંજયભાઈ તમારે જૂનાગઢનું ભાડું છે તો તમારે જવું હોય તો જણાવો તેમ કહેતા યુવાને હા પાડી હતી અને ગ્રાહક પાસેથી રૂપિયા 6,300 નું ભાડું લેવાનું મૌખિક નક્કી થયું હતું જેમાં રૂપિયા 2000 શકીલનું કમિશન યુવાનને તેને ભાડામાંથી ચૂકવવાનું નક્કી થયું હતું. બાદમાં યુવાન આ ભાડું નહીં જુનાગઢ પેસેન્જર મુકવા ગયો હતો. બાદમાં રાજકોટ પરત આવી ગયો હતો. દરમિયાન શકીલે ફોન કરીને કહ્યું હતું કે, મારા કમિશનના રૂપિયા 2000 ક્યારે આપશો. જેથી યુવાને તેને કહ્યું હતું કે હાલ મારી પાસે પૈસા નથી હું તમને તા. 1/6 ના ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવું ત્યારે પૈસા આપી દઈશ.​​​​​​​


મારા કમિશનના 2000 મને આપી દે

બાદમાં તા. 1/6 ના બપોરના ત્રણેક વાગ્યા આસપાસ યુવાન ગ્રીનલેન્ડ ચોકડી પાસે જતા અહીં શકીલ સ્વીફ્ટ ગાડીમાં પેસેન્જર બેસાડવાની તૈયારીમાં હતો તે વખતે યુવાન પાસે આવી ગયું હતું કે, મારા કમિશનના 2000 મને આપી દે. જેથી યુવાને કહ્યું હતું કે, સાંજ સુધીમાં તમારા પૈસા પહોંચાડી દઈશ હાલ મારી પાસે પૈસા નથી તેમ વાત કરતા શકીલે તેને કહ્યું હતું કે, પૈસા તો તારે અત્યારે જ આપવા પડશે તેમ કહી ધમકી આપી ઝાપટ મારી હતી અને તેણે પોતાની ગાડીમાં પેસેન્જર ભર્યા હતા તેને ઉતારી કહ્યું હતું કે જો અત્યારે પૈસા આપવા ના હોય તો ગાડીમાં બેસી જા તેમ કહી યુવાનને બળજબરીથી કારમાં બેસાડી અપરણ કરી અને જુનાગઢ તરફ કાર હંકારી મૂકી હતી. ચાલુ કારે કહ્યું હતું કે, રૂપિયા 2000 જુનાગઢ વાળા ખાનભાઈને આપવાના છે જેથી ખાનભાઈ પાસે જવાનું છે જ્યાં સુધી 2000 મને નહીં આપે ત્યાં સુધી તારે જુનાગઢ જ રહેવાનું છે. તેમ કહી ફરી બે ત્રણ લાફા મારી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા. બાદમાં અહીં જુનાગઢ ખાનભાઈ પાસે લઈ ગયો હતો.


તું મારા કમિશનના 2000 નહીં આપે તો તું ગ્રીનલેન્ડ ચોકડીએ કેમ ધંધો કરે છે

ખાનભાઈ મજેવડી ગેઇટ પાસે મળતા તેમણે મારે કમિશન નથી જોતું તેમ કહ્યું હતું અને તે અહીંથી જતા રહ્યા હતા. બાદ શકીલે કહ્યું હતું કે, તું મારા કમિશનના 2000 નહીં આપે તો તું ગ્રીનલેન્ડ ચોકડીએ કેમ ધંધો કરે છે તે હું જોઈ લઈશ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અહીં મજેવડી ગેટ પાસે તેને ગાડી ઉભી રાખી હોય મોકો મળતા યુવાન તેને ધક્કો મારી દોડીને ભાગી ગયો હતો અને ત્યાંથી પ્રાઇવેટ બસમાં રાજકોટ આવ્યા બાદ તેણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે આરોપી સામે અપહરણ,મારકૂટ અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application