ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ 'આજકાલ'ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને વાતચીતમાં જણાવ્યું હતું કે ચોમાસાની આગામી સિઝન સુધી જળાશયોમાં નવા પાણી નહીં આવે ત્યાં સુધી રાજકોટની પ્રજાને પીવાના પાણી બાબતે કોઈ પ્રકારની મુશ્કેલી ઊભી નહીં થાય અને સરકાર ટૂંક સમયમાં રાજકોટને પાણી પૂરું પાડતા આજી એક અને ન્યારી એક ડેમમાં પૂરતા પ્રમાણમાં સૌની યોજના નું પાણી છોડીને આ ડેમ ભરી દેશે.
કુંવરજીભાઈ બાવળિયાએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય તેની સરકાર વતી હું ખાતરી આપું છું. નર્મદા કેનાલ રીપેરીંગ કામગીરી ચાલુ હતી તે કારણથી સિંચાઈ માટે અને ડેમમાં પાણી છોડવાની કામગીરી બંધ રાખવામાં આવી હતી. હવે આ રીપેરીંગની કામગીરી પૂરી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં પીવાના હેતુ માટે પાણી છોડવામાં આવશે તેવી સૂચના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમને આપી છે.
અન્ન અને નાગરિક પુરવઠા, પાણી પુરવઠા સિંચાઈ સહિતના વિભાગોની જવાબદારી સંભાળતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન આજી એક, ન્યારી એક આજી બે અને ન્યારી બે એમ ચાર જળાશયોની મુલાકાત લઈ સિંચાઈ વિભાગના અધિકારીઓ, મહાનગરપાલિકા અને રૂડા વિભાગના અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. રૂડા વિસ્તારમાં અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા ધ્યાન પર આવી છે. આ બાબતે આજે મિટિંગમાં મહાનગરપાલિકા અને રૂડાના અધિકારીઓ વચ્ચે સંકલન કરીને એક પણ ગામડામાં પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે આયોજન ઘડી કાઢી તાત્કાલિક અમલમાં મુકવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ સૂચના કેવું પાલન થયું છે તેનું પણ સતત ફોલોઅપ અને મોનિટરિંગ કરવામાં આવશે.
કુંવરજીભાઈ બાવળિયાએ વધુમાં જણાવ્યું હતું કે સૌની યોજનાની જુદી જુદી ચાર લિંક દ્વારા સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જ્યાં આ વ્યવસ્થા ઓછી છે અથવા તો નથી તેવા વિસ્તારમાં નલ સે જલ જેવી જુદી જુદી પાઇપલાઇન યોજના મારફત પાણી આપવામાં આવે છે.
મહાનગરપાલિકાએ વોટર ચાર્જના બાકી લેણા તો ભરવા જ પડશે
રાજકોટ મહાનગરપાલિકાએ સૌની યોજના મારફત અનેક વખત પાણી લઈને આજી અને ન્યારી ડેમ ભરી દીધા છે. સરકારની સૌની યોજનામાંથી પાણી લીધા પછી વોટર ચાર્જ પેટે જે નાણાં ચૂકવવા જોઈએ તે વર્ષોથી મહાનગરપાલિકાએ ચૂકવ્યા નથી અને તે લેણું વસૂલવા માટે સરકાર તરફથી અવારનવાર સ્મૃતિ પત્રો પાઠવવામાં આવે છે.
સરકારને વોટર ચાર્જ ભર્યો ન હોવાથી રાજકોટને સૌની યોજનામાંથી હવે પાણી મળશે કે નહીં તેવા સવાલો મીડિયામાં શરૂ થઈ ગયા હતા. આ બાબતે કુંવરજીભાઈ બાવળીયા એ જણાવ્યું હતું કે વોટર ચાર્જ અને પાણી ન આપવા જેવી કોઈ બાબત નથી. લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકાર સૌની યોજનામાંથી પાણી તો આપશે જો પરંતુ સાથોસાથ મહાનગરપાલિકા લોકો પાસેથી વોટર ટેક્સ ઉઘરાવે છે અને તેમણે પણ સરકારનું બાકી લેણું છે એ તો ભરવું જ પડશે.
રૂડા અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક કરી
જુદા જુદા જળાશયોની મુલાકાત લઇ કુવરજીભાઈ બાવળિયાએ સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ડેમની વર્તમાન સ્થિતિ, પીવાના પાણીની જીવંત જથ્થાની સપાટી, ડેડવોટરનું પાણી કેટલો સમય ચાલે? તે સહિતના જુદા જુદા મુદ્દાઓની સમીક્ષા કરી હતી. બાદમાં રાજકોટ શહેરી વિસ્તારમાં અને રૂડા હસ્તકના ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં પીવાના પાણીની સમસ્યા છે ત્યાં શું ઉકેલ હોઈ શકે? તે બાબતે રૂડા અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
ઈ- કેવાયસી નહીં હોય તો રેશનકાર્ડ પર અનાજ નહીં જ મળે
ઈ- કેવાયસી રેશનકાર્ડ નહીં હોય તો અનાજનો જથ્થો એનએફએસએ રેશનકાર્ડ ધારકોને કે કોઈને નહીં જ મળે તેવી સ્પષ્ટ વાત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારે આ માટે પૂરતો સમય આપ્યો છે. સરકાર મફતમાં જે અનાજ આપે છે તે કાળા બજારમાં ન ધકેલાય જાય તે સહિતના અનેક ઈરાદાથી કેન્દ્ર સરકારે રેશનકાર્ડ ઈ કેવાયસી યોજના અમલમાં મૂકી છે.
એનએફએસએ કાર્ડ ધારકો માટે આવશે સ્માર્ટ કાર્ડ
રાષ્ટ્રીય અન્ન સલામતી યોજના એનએફએસએ કાર્ડ ધરાવતા પરિવારો માટે સરકાર સ્માર્ટ કાર્ડની નવી યોજના અમલમાં લાવી રહી છે. પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ પ્રકારના કાર્ડ રેશનકાર્ડ ધારકોને આપવામાં આવશે અને તેમાં તેની બધી જ વિગતો આવરી લેવાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech