રાજકોટના કારખાનેદાર કાકા-ભત્રીજાનું બિહારમાં અપહરણ, બંદુક તાકી દોઢ કરોડ માંગ્યા, પછી શું થયું તે જાણવા વાંચો ફિલ્મને ટક્કર આપતી ઘટના

  • April 04, 2025 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં રહેતા અને પડવલા પાસે કારખાનું ધરાવનાર કારખાનેદારને ૨૦૦ ટન એલ્યુમિનિયમનો ઓર્ડર આપી ઓમઓયુ કરવાના બહાને બિહાર બોલાવી અહીં કારખાનેદાર અને તેના કાકાનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. બાદમાં બંદુક બતાવી ધમકી આપી દોઢ કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જોકે કારખાનેદારના પિતાએ રૂ.૨.૫૦ લાખ ચૂકવ્યા બાદ જવા દીધા હતાં. બાદમાં માલુમ પડયું હતું કે આ શખસોએ મોબાઇલ હેક કરી તેમાંથી પણ પૈસા ઉપાડી લીધા હતાં. આ અંગે શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

બનાવ અંગે રાજકોટમાં નાનામવા રોડ પર વ્રજ કોમ્પ્લેકક્ષ ફ્લેટ નં.૪૦૨માં રહેતા મૂળ કાલાવડના બાંગા ગામના વતની મહેકભાઇ પ્રફુલભાઈ ચોવટીયા (ઉં.વ.૨૨)એ શાપર વેરાવળમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શિવરાજ સગી એજીએમ સેન્ટ્રલ કોલફિલ્ડ કંપની હજારીબાગ, ઝારખંડનું નામ ધારણ કરનાર શખ્સ અને રાહુલ નામનો માણસ તેમજ તેની સાથેના અજાણ્યાં શખ્સોના નામ આપ્યા છે. જેના આધારે પોલીસે આરોપીઓ સામે ખંડણી, લૂંટ, અપહરણ, હથિયાર ધારા અને આઇ.ટી એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


અમારે મહીને ૨૦૦ ટન એલ્યુમીનીયમ એસની જરૂર છે

ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓને કોટડાસાંગાણીના પડવલા મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં શીવાય એન્ટરપ્રાઇઝ નામે એલ્યુમીનીયમ ઇંગોટ બનાવવાનું કારખાનું ચલાવે છે. ગઈ તા.૨૫/૦૩/૨૦૨૫ના તેઓ કારખાને હતા ત્યારે તેમના પિતાને ફોન આવ્યો હતો કે, હું સેન્ટ્રલ કોલફિલ્ડ (સી.સી.એલ.) કંપની હજારીબાગ, ચરહી, ઝારખંડથી એજીએમ શીવરાજ સગી બોલું છું, અમારે મહીને ૨૦૦ ટન એલ્યુમીનીયમ એસની જરૂરીયાત છે તમે આપી શકશો તેમ કહેતા, તેઓએ હા પાડતા તેણે કહ્યું કે, તમે અમારી કંપનીએ આવી એમઓયુ કરી જાવ તેમ કહેતા કારખાનું ફરિયાદીના નામે હોય જેથી તેઓના પિતાએ તેમને તથા કૌટુંબિક કાકા આશીષભાઈ ભંડેરીને એમઓયુ કરવા મોકલતા અમો બંન્ને તા.૨૭/૦૩/૨૦૨૫ના અમદાવાદથી બાય ફ્લાઈટ પટના (બીહાર) ગયા હતા. 


સ્તામાં ગાડી ઉભી રાખી ગન બતાવી

પટના એરપોર્ટે ઉતરતા બપોરના એક સવા એક વાગ્યે ફોન આવ્યો અને કહ્યું કે, હું રાહુલ બોલું છું, તમને રિસિવ કરવા આવું છુ. હું એરપોર્ટના ગેઇટ પાસે નં.બીઆર-01-જેએફ -7018 વાળી સફેદ આઈ-૨૦ કાર લઈને ઉભો છું તેવી વાત કરતા બંન્ને એરપોર્ટના ગેઇટ પાસે જતા ત્યાં કાર પાસે રાહુલ તથા તેની સાથે બીજો માણસ ઉભો હતો. જેથી તેઓ ગાડીમાં બેસી ગયા બાદ પટના પશ્ચીમ દરવાજાથી દોઢેક કિલોમીટર આગળ પહોંચતા ત્યાં ડ્રાઇવરે એક રસ્તામાં જતી સ્ત્રી સાથે કાર અથડાવતા તે સ્ત્રીને વાગી જતા તેને દવાખાને લઇ જવા માટે રાહુલ ત્યાં ઉતરી ગયો અને ડ્રાઇવર તેને ૭૦ થી ૮૦ કિ.મી. દુર લઈ જઈ રસ્તામાં ગાડી ઉભી રાખી હતી. ત્યાંથી એક માણસ ગાડીમાં બેસી ગયેલ અને તેણે અમને ગન બતાવી ડરાવેલ બાદ તે બે ત્રણ કિલોમીટર આગળ લઇ ગયેલ હતાં.


ખેતરની ઓરડીમાં લઈ ગયા

ત્યાં બે બાઇકમાં ચાર માણસો આવેલ અને તેઓને કોઇ અવાવરૂ ખેતરમાં લઇ ગયેલ અને બંન્નેના મોબાઇલ ફોન, બંન્નેના પાકીટ તેમજ ફરિયાદી પાસે રહેલ રોકડ રૂ.૧૨,૫૦૦ તથા આશીષ પાસે રહેલ રોકડ રૂ.૩૫ હજાર તેમજ મેકબુક લઈ લીધેલ અને બંન્નેના મોબાઇલ ફોનના પાસવર્ડ માંગી ફોન ફ્લાઇટ મોડમાં મુકી તેઓના વાઇફાઇથી બંન્નેના મોબાઇલ ફોનના વોટ્સઅપમાં તેમના પિતાને શેર કરેલ લાઇવ લોકેશન ડિલીટ કરી નાખેલ હતું. બે-ત્રણ કલાક બાદ આરોપી રાહુલ ત્યાં આવેલ અને અંધારૂ થઈ જતા આરોપીઓ કારમાં પાંચેક કીલોમીટર દુર ખેતરમાં લઈ ગયેલ અને ત્યાં બે માણસો ઉતરેલ અને ત્યાં બીજા બે માણસો હાજર હતા. રાહુલ તથા તેની સાથેનો બીજો એક માણસ કાર લઈને ત્યાંથી જતા રહેલ બાદ ત્યાં હાજર ચારેય માણસો આશરે દોઢ-બે કીલોમીટર ચલાવી એક ખેતરની ઓરડીમાં લઈ ગયેલ હતાં.


ચાર માણસો પાસે જોટાવાળી બંધુક હતી

ત્યાં બીજા પાંચ માણસો હાજર હતા જેમાંથી ચાર માણસો પાસે જોટાવાળી બંધુક હતી અને ત્યાં ખેતરની ઓરડીમાંથી એક માણસ તેઓને ફોનમાં વાત કરાવતો હતો. સામેનો માણસ બંન્નેના બેંક એકાઉન્ટની ડીટેઇલ માંગતો હતો. બાદ મોડી રાત્રીના તેઓ દોઢ કરોડ રૂપીયા આપો નહીતર મારી નાખશુ તેવી ધમકી આપતા હતા. બીજા દિવસે એટલે તા.૨૮ ના સવારના અગીયારેક વાગ્યે ફરિયાદીના પિતાના મોબાઇલ નંબર લઇ તેના વોટ્સઅપ કોલમાં પિતા સાથે વાત કરાવી કહેડાવેલ કે, પચાસ લાખ રૂપીયા આમને આપો નહીંતર આ બધા અમને મારી નાખશે તેવી વાત કરાવેલ હતી.


ધોકાથી માર માર્યો,નગ્ન કરી વીડિયો ઉતાર્યો

આરોપીઓ ઘણી વખત ફરીયાદી પાસે ફોન કરાવતા હતા અને આ વાત દરમિયાન ધોકા વડે મારતા પણ હતા તેમજ નગ્ન વિડીયો પણ ઉતારતા હતા. જેથી ફરીયાદીનાં પિતાએ તેમને રૂપીયા આપવાની હા પાડતા તેઓએ અલગ અલગ બેંક એકાઉન્ટ આપતા તેના પિતાએ એકાઉન્ટમાં રૂ.૨.૫૦ લાખ નાખેલ હતાં. બાદ સાંજના સાડા આઠ વાગ્યે બે શખસ તેમની આઈ.૨૦ કારમાં બેસાડી બીહારના ઇસ્લામાપુર ટાઉનથી આશરે એકાદ કીલોમીટર દુર બંન્નેના પાકીટ તથા આશીષની ચેકબુક આપી ઉતારી દીધા હતાં.


ત્યાંથી ત્રણેય ફ્લાઇટમાં અમદાવાદ આવી ગયા

બાદમાં તેઓ બંન્ને ત્યાંથી ઈસ્લામાપુર પહોંચી એક મોબાઇલ ફોનના દુકાનવાળાના ફોનથી તેના પિતાને ફોન કરી ગુગલ પે દ્વારા રૂપીયા મંગાવી તે દુકાનેથી નવો મોબાઇલ ફોન તથા સીમ લઈ ત્યાંથી બસમાં બેસી રાંચી તા.૨૯/૦૩/૨૦૨૫ ના વહેલી સવારના પહોચેલ તે દરમ્યાન તેમના પિતા પણ તેઓને શોધતા શોધતા રાંચી પહોંચી ગયેલ અને ત્યાંથી ત્રણેય ફ્લાઇટમાં અમદાવાદ આવી ગયેલ હતાં.


ફરિવાર તમારા પુત્રને ઉપાડી જશું તેવી ધમકી આપી

બાદમાં ફરિયાદી અને તેના પિતરાઈએ પોતાના બેંક એકાઉન્ટ તપાસતા ફરિયાદીના એકાઉન્ટમાંથી રૂ.૩૪ હજાર તેમજ આશીષના એકાઉન્ટમાંથી રૂ.૯૯૦૦ નું ગીફ્ટ કાર્ડ લઈ ઈ-મેઇલ ઉપર ટ્રાન્સફર કરી લીધેલ હતુ. તેમજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરી લીધેલ હતું. ઉપરાંત આરોપીઓ હજુ પણ અવારનવાર ફરીયાદીનાં પિતાને ફોન કરી વધું ખંડણીની માંગણી કરી રૂપીયા નહીં આપો તો ફરિવાર તમારા પુત્રને ઉપાડી જશું તેવી ધમકી આપી છે. જેથી આ મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ટોળકીએ આ રીતે રાજકોટના અન્ય ઉદ્યોગપતીઓને પણ મોટા ઓર્ડરની લાલચ આપી પટના બોલાવી લુંટી લીધા હોવાની વાત સામે આવી રહી છે.ત્યારે પોલીસે આ ગેંગને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application