દેવભૂમિ દ્વારકા જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે તાજેતરમાં વિશ્વ હાયપરટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોમ્યુનિટી સ્તરે હાઈ બ્લડ પ્રેશરના જોખમો, તેમજ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન વિગેરે બાબતો માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા હાયપરટેન્શનની થીમ “તમારા બ્લડ પ્રેશરને સચોટ રીતે માપો, નિયંત્રણમાં રાખો અને લાંબુ જીવન જીવો” તેમ રાખવામાં આવેલ છે. જે અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને સ્વસ્થ જીવન માટે કસરત કરવી, મીઠાનો ઓછો ઉપયોગ, જંકફૂડથી દુર રહેવું, નિયમિત યોગા કરવા વગેરે બાબતો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
વધુમાં જણાવવાનું કે, હાયપરટેન્શનની સારવાર ચાલુ હોય એટલે કે નિયમિત દવા લેતા વ્યક્તિઓએ દર માસે એકવાર તેમના બ્લડ પ્રેશરની તપાસ અવશ્ય કરાવવી જોઈએ. સાથે ડોક્ટર દ્વારા આપવામાં આવેલી દવાઓ નિયમિત લેવી જોઈએ અને આવા દર્દીઓએ પોતાના નિયમિત ખોરાકમાં કાચા મીઠાનો ઓછો ઉપયોગ કરવો. તેલવાળો ખોરાક ઓછો ખાવો, જો વધુ વજન હોય તો તેને નિયંત્રિત કરવું વિગેરે બાબતો ધ્યાને રાખી બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવું જોઈએ.
હાલ રાજ્ય સરકાર દ્વારા “મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન ચાલી રહ્યું છે, તે અંતર્ગત વધુ વજન ધરાવતી વ્યક્તિઓએ વજન ઘટાડવું, જંક ફૂડનો ઓછો ઉપયોગ, તેલ વાળી વસ્તુઓનો ઓછો ઉપયોગ, મીઠાઈનો ઓછો ઉપયોગ, ઠંડા પીણાનો ઓછો ઉપયોગ વગેરે બાબતો ધ્યાને રાખી વજન ઘટાડવા માટે નિયમિત કસરત કરવી, ચાલવું, યોગા કરવા વગેરે પ્રવૃતિઓ વધારીને વજનને નિયંત્રણમાં રાખવું જોઈએ. તેમજ નિયમિત બોડી માસ ઇન્ડેક્ષ (BMI) ની તપાસવું જોઈએ.
આમ, વિશ્વ હાયપરટેન્શન દિવસની ઉજવણી અંતર્ગત આરોગ્ય શાખા દ્વારા લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુ સાથે માર્ગદર્શિત કરવામાં આવી રહ્યા છે. જિલ્લાની જાહેર જનતાએ પોતાના વિસ્તારની નજીકમાં સરકારી દવાખાનામાં નિયમિત રીતે બ્લડપ્રેશર તપાસવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.