ગુજરાતના નવનિર્મિત રેલ્વે મથકોનું ઇ-લોકાર્પણ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે, ત્યારે જામનગર-દ્વારકા જિલ્લાના કુલ પાંચ નવનિર્મિત રેલ્વે મથકોના પણ આજે લોકાર્પણ થયા છે. જામનગરના હાપા ખાતે સાંસદ પૂનમબેન માડમની હાજરીમાં ઇ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, બીજી બાજુ જામવંથલી રેલ્વે સ્ટેશન ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ ઇ લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર અને દેવભૂમિ દ્વારકાના કુલ પાંચ રેલ્વે મથકોને પુન: વિકસીત યોજના અંતર્ગત ૩૫.૪૭ કરોડના ખર્ચે નવનિર્મિત કરાયા છે, જેમાં હાપા, જામવંથલી, કાનાલુસ તેમજ દેવભૂમિ દ્વારકાના મીઠાપુર, ઓખા રેલ્વે મથકોનો સમાવેશ છે. આજે રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલ્વે સંબંધિત વિકાસકાર્યોની ભેટ આપવા માટે પહોંચ્યા છે ત્યારે સાથે સાથે ગુજરાતભરના પુન:વિકસીત રેલ્વે મથકોના ઇ લોકાર્પણના કાર્યક્રમો યોજાયા છે.
હાપા રેલ્વે મથકનો કાર્યક્રમ
આજે હાપા ખાતે પુન:વિકસિત રેલ્વે મથકોના ઇ લોકાર્પણનો કાર્યક્રમો યોજાયો હતો, જેમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષ નેતા આશિષ જોષી, શહેર ભાજપ અઘ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના રાજકીય મહાનુભાવો તેમજ રેલ્વે તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જામવંથલીનો અહેવાલ
જામવંથલીથી આજકાલના ફલ્લાના પ્રતિનિધિ મુકેશભાઇ વરીયાએ આપેલી વિગતો મુજબ રાજકોટ રેલ્વે ડીવીઝનના છ સ્ટેશનો પૈકી હાલારના પાંચ નવનિર્મિત રેલ્વે સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, હાલારના આ રેલ્વે સ્ટેશોનમાં હાપા, ઓખા, મીઠાપુર, કાનાલુસ અને જામવંથલીનો સમાવેશ થાય છે.
જામવંથલી રેલ્વે સ્ટેશનનું ૩ કરોડ ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઇ લોકાર્પણ યોજાયું હતું, જેમાં જામવંથલી રેલ્વે સ્ટેશન ખાતે કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, રેલ્વે અધિકારી સુધીર દુબે, સ્ટેશન માસ્ટર કૃતિક મારૂ, ભાજપ મહામંત્રી કુમારપાલસિંહ રાણા, માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર પદુભા જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય કમલેશભાઇ ધમસાણીયા, યુવા ભાજપના ગીરીરાજસિંહ જાડેજા, માજી તાલુકા પંચાયત પ્રમુખ જયુભા જાડેજા, ભુરાભાઇ, ઉપસરપંચ કાંતાબેન, સરપંચ પદુભા, મોટી લાખાણી સરપંચ રામદેવસિંહજી જાડેજા, દિપકભાઇ કોઠીયા, હરેશભાઇ પરમાર, લીંબાભાઇ, કિરીટસિંહ સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.