પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમરેલીથી સૌરાષ્ટ્રને દિવાળીના પર્વ પૂર્વે રૂ. 4800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે. વડાપ્રધાને અમરેલીના દુધાળા ગામે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરી ગુજરાતમાં જન ભાગીદારી થી જળસંચયના પ્રોજેક્ટને વેગ આપ્યો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમરેલી ખાતેથી ધનતેરસની પૂર્વસંધ્યાએ રૂપિયા 4800 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા જણાવ્યું હતું કે, નવા વિકાસ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના જીવનને આસાન બનાવશે અને વિકાસને નવી ગતિ આપશે. પરમેશ્વરની પ્રસાદી સમાન પાણી માટે પુરુષાર્થ કરનારા ગુજરાતના સામર્થ્યને પ્રેરણા રૂપ બતાવી વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ કહ્યું કે, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમના મંત્ર સાથે ગુજરાત સરકારના જન ભાગદારીના આયામોથી ખેડૂતો સમૃદ્ધ થવાની સાથે પ્રવાસન વિકાસ અને રોજગારીનું પણ સર્જન થશે.
વડાપ્રધાનશ્રીએ અમરેલી જિલ્લાના લાઠી નજીક દુધાળા ગામે ગાગડીઓ નદીને પુનઃજીવીત તથા તળાવોનું નિર્માણ કરીને સરકારના જનભાગીદારી અભિગમની સાથે રહીને જળસંચય માટે કાર્યો કરનાર ધોળકિયા ફાઉન્ડેશનની કામગીરીની નોંધ લીધી હતી.
વડાપ્રધાને આ સંદર્ભમાં ગુજરાતના પાણી માટેના પુરુષાર્થને યાદ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતે ભૂતકાળમાં પાણી માટે સંઘર્ષ કર્યો છે, પણ આજે નર્મદા માતા ગુજરાતની પરિક્રમા કરીને ગુજરાતને સમૃદ્ધ કરી રહી છે. આ સાથે પુણ્ય અને પાણી વહેંચી રહી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજનાના સંદર્ભમાં કહ્યું કે, ત્યારે કોઈ માનવા તૈયાર ન હતું કે આ રીતે સૌરાષ્ટ્રના ડેમો નર્મદાના પાણીથી ભરાશે. આજે આ યોજના સાકાર થઈ છે અને પ્રદેશ લીલોછમ બન્યો છે, ત્યારે પવિત્ર ભાવથી કરેલો સંકલ્પ સિદ્ધ થાય છે તેનો આનંદ મળે છે.
વડાપ્રધાને આ તકે વરસાદના પાણીનો સંગ્રહ કરવા અને નદી ઉપર નાના-નાના તળાવો બનાવીને પાણીનો સંગ્રહ કરીને “વન ડ્રોપ, મોર ક્રોપ“નો આપણો સંકલ્પ સિદ્ધ કરવા પણ આહવાન કર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મોદીએ ગુજરાતના વિકાસમાં અને આગવી ઓળખમાં અમરેલી જિલ્લાના સામાજિક દાયિત્વ અને સેવાના સંદર્ભમાં યોગીજી મહારાજની માંડીને ભોજા ભગત, દુલાભાયા કાગ, કવિ કલાપી, કે.લાલ, રમેશ પારેખ, સહિતના મહાનુભાવને યાદ કરીને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને ગોવિંદભાઈ ધોળકિયા સહિત અમરેલી જિલ્લાના રત્નોની સામાજિક સેવાને પ્રેરણાદાયી ગણાવી હતી.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી મિશનમોડમાં કામ કરી રહ્યાં છે. પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અમરેલી પ્રગતિશીલ છે, એમ જણાવતાં વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની અલગ યુનિવર્સિટી હાલોલમાં શરૂ થઈ છે અને તેની સાથે જોડાયેલી પ્રાકૃતિક કૃષિની પ્રથમ કોલેજ અમરેલીને મળી છે. અમરેલીની સહકાર ક્રાંતિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, વર્ષ 2007માં અમર ડેરીની શરૂઆત વખતે 25 ગામોમાં સહકારી સમિતિ હતી. આજે 700થી વધુ ગામોની સહકારી સમિતિ ડેરી સાથે જોડાયેલી છે અને દરરોજ સવા લાખ લિટર દૂધ ભરાય છે.
શ્વેત તથા હરિત ક્રાંતિ સાથે આપણે સ્વીટ રિવોલ્યૂશન શરૂ કર્યું હતું. ખેતરોમાં મધ ઉત્પાદન માટેના પ્રોજેક્ટ થકી આજે અમરેલી જિલ્લાના ખેડૂતો ખેતરમાં મધમાખી પાલન કરીને મધ ઉત્પાદન કરીને વધારાની આવક મેળવી રહ્યાં છે. આ સાથે જ અમરેલીના મધની આગવી ઓળખ ઊભી થઈ છે.
પર્યાવરણના ક્ષેત્રે મોટાકામો અનિવાર્ય ગણાવતાં તેમણે કહ્યું હતું કે, “એક પેડ માઁ કે નામ” અભિયાનનો ઉલ્લેખ કરીએ ત્યારે વિશ્વના લોકોની આંખોમાં એક ચમક આવી જાય છે. પી.એમ. સૂર્યઘર મફત વીજળી યોજના થકી સામાન્ય પરિવારો વર્ષે વીજબીલના રૂ.25-30 હજાર બચાવી શકે અને વીજળી વેચીને કમાણી પણ કરી શકે તેવું મોટું અભિયાન આપણે ઉપાડ્યું છે, એમ જણાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, આ યોજના માટે દેશભરમાં દોઢ કરોડ લોકોએ નોંધણી કરાવી છે. જ્યારે ગુજરાતમાં બે લાખથી વધુ ઘરમાં સોલર પેનલ લાગી પણ ગઈ છે.
ઊર્જાક્ષેત્રે અમરેલી અવ્વલ હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ દૂધાળા ગામને સોલાર ગામ બનાવવા માટેનું અભિયાન શરૂ કર્યું છે. જેનાથી ગામલોકોના વીજબીલના નાણાં બચશે. દૂધાળા હવે દેશનું પ્રથમ સોલાર વિલેજ બનવા જઈ રહ્યું છે.
પાણી અને પ્રવાસનનો સીધો સંબંધ છે. આ વાતનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, અમરેલી જળસમૃદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાયાવર પક્ષીઓને અહીં નવું સરનામું મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આપણે સરદાર સરોવર બનાવ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલનું સૌથી ઊંચું સ્ટેચ્યૂ મૂકીને આ સ્થળની મૂલ્યવૃદ્ધિ કરી છે. ગત વર્ષે 50 લાખ લોકોએ સરદાર સાહેબના દર્શન કર્યાં છે. 31મી ઓક્ટોબરે સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે રાષ્ટ્રીય એકતા દોડ યોજાય છે પરંતુ આ વર્ષે દિવાળી હોવાથી એકતા દોડ 29મી ઓક્ટોબરે યોજાશે.
પોરબંદર જિલ્લાના મોકરસાગર ખાતે કર્લી રિચાર્જ સરોવરને વિશ્વસ્તરીય સસ્ટેનેબલ ઈકોટૂરિઝમ તરીકે વિકસાવવામાં આવશે. તેનાથી ઈકોટૂરિઝમને વેગ મળશે તથા ત્યાં એડવેન્ચર ટૂરિઝમની પણ અપાર સંભાવનાઓ છે. અહીં બર્ડ સેન્ચ્યુરી પણ ઊભી થશે.
બ્લૂ રિવોલ્યૂશનને વેગ આપવા સાથે આપણે પોર્ટ લેડ ડેવલપમેન્ટને વેગ આપી રહ્યાં છીએ. ભૂતકાળમાં જે દરિયાકિનારો ખારોપાટ ગણાતો, તેને સમૃદ્ધિના દ્વાર બનાવવા પ્રાથમિકતા આપીને કામ કરી રહ્યાં છીએ. આપણા ગુજરાતના બંદરોને દેશના અન્ય બંદરો સાથે જોડી રહ્યાં છીએ, ઉપરાંત ભારતના ઐતિહાસિક બંદરને દુનિયાના પ્રવાસનના નકશા પર મૂકવા, લોથલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ - વિશ્વ કક્ષાનું મ્યૂઝિયમ બનાવાઈ રહ્યું છે. જાફરાબાદ તથા શિયાળબેટ વિસ્તારમાં સારામાં સારી માળખાકીય સુવિધા વિકસાવવામાં આવી રહી છે.
ઘોઘા રો-રો ફેરી સર્વિસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, તેના થકી સાત લાખ લોકોએ મુસાફરી કરી છે. પંચોતેર હજારથી વધુ ટ્રકો, એક લાખથી વધુ વાહનોનું પરિવહન થયું છે. જેના કારણે નાણાં, કલાકોની બચત થઈ છે. તેમજ પર્યાવરણને પણ ફાયદો થયો છે. જામનગર, મોરબી તથા રાજકોટ એક એવો ત્રિકોણ છે. જેનામાં મેન્યુફેક્ચરિંગ હબ બનવાની ક્ષમતા છે. આ ત્રિકોણ આજે મીની જાપાન થવાની તાકાત ધરાવે છે.
એરોસ્પેસ એન્જિનિયરિંગ ક્ષેત્રે સ્પેન ભારતમાં મોટું રોકાણ કરી રહ્યું છે, ત્યારે તેનાથી ગુજરાત તથા રાજકોટના ઉદ્યોગોને મોટો લાભ થશે. સૌરાષ્ટ્રના લઘુઉદ્યોગોની તો પાંચે’ય આંગળીઓ ઘીમાં છે. તેમણે કહ્યું હતું કે, ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત એ જ આપણો સંકલ્પ છે. આજે દુનિયામાં ભારતનું ગૌરવ વધ્યું છે. દુનિયાના લોકોને ભારતના લોકોની ક્ષમતાનો પરિચય થવા લાગ્યો છે. જેમાં ગુજરાતની ભૂમિકા ખૂબ મહત્વની છે. દેશના શહેરો અને ગામડાઓમાં કેટલું સામર્થ્ય છે, તે ગુજરાતે બતાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech