જામનગરમાં જિલ્લામાં ૭૦૦થી વધુ અરજી પેન્ડીંગ: કેટલીક વખત તો ઓનલાઇન ફોર્મ ભરાયું હોય પરંતુ સર્વર બંધ થઇ જાય છે: લોકો જાયે તો જાયે કહાં...?
જામનગર જિલ્લાની આર.ટી.ઓ કચેરીમાં મોટરનું લાયસન્સ લેવા માટે માત્ર ૧૪૦ લાયસન્સનો જ સ્લોટ છે જે ઘણો ઓછો પડે છે અને પ્રજાને રિબાવી /દુ:ખી કરી જાણે મજા આવતી હોય તેમ આ ૧૪૦ નો સ્લોટ ફક્ત સવારે ૮ વાગ્યે જ ખુલે છે અને માત્ર ૧થી ૨ મીનીટમાં જ બંધ પણ થઇ જાય છેે. એટલું જ નહીં લાયસન્સ લેવાની પ્રક્રિયામાં કેટલીક વખત તો સર્વર પણ ડાઉન હોવાની થોકબંધ ફરિયાદો મળી રહી છે, ફોર્મ ભર્યા પછી ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શ થાય એ પહેલા જ સર્વર બંધ થઇ જતાં બાકીના લોકો સ્લોટ બુક કરી શકતા નથી. આમ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, આ અંગે આરટીઓના ઉચ્ચ અધિકારીઓએ ઉપલા અધિકારીઓને જાણ કરીને લોકોને મુશ્કેલી નિવારવા પ્રયત્નો કરવા જોઇએ તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. આશરે ૭૦૦ જેટલી લાયસન્સ માટેની અરજીઓ પેન્ડીંગ હોવાથી લાયસન્સ મેળવનાર અરજદારો ભારે પરેશાન થઇ રહ્યા છે, આ અંગે સરકારે પણ તાત્કાલીક પગલા લઇ સર્વર ઝડપથી થાય અને વધુ સમય માટે સ્લોટ ખુલ્લા રહે તેવું લોકોમાં બોલાઇ રહ્યું છે.
જેમ વીજળીના ઝબકારે મોતી પોરાવવાનું હોય તેવો તાલ આજ ઘણા મહિનાથી થાય છે અને જિલ્લાની પ્રજા પરેશાન થાય છે જે જોઈ અધિકારીઓ મશ્કરી કરતા હોય તેવો ઘાટ છે, પાકા લાયસન્સની કામગીરીમાં સ્લોટ બુક કરતી વખતે ૧ થી ૨ મીનીટ દરમ્યાન ઘણી વખત તો ઓટીપી પણ નથી આવતા આવા સંજોગોમાં અરજદારે ફરી બીજા દિવસે સવારે મહેનત કરવાની આવે છે, ઓનલાઇનનો મતલબ ૨૪ કલાક ઓપન હોવું જોઈએ જેથી અરજદાર ગમે ત્યારે એપોઈમેન્ટ લઇ શકે પરંતુ માત્ર જામનગરમાં જ સવારે ૮ વાગ્યે સ્લોટ ખુલે છે તે પણ માત્ર ૧ થી ૨ મીનીટ માટે જ, બીજા જિલ્લામાં ગમે ત્યારે એપોઈમેન્ટ લઇ શકાય છે તો આ નિયમ માત્ર જામનગર માટે જ શા માટે...?
૧૪૦નો સ્લોટ વધારે કરવામાં આવે તેવી ઘણી રજુઆત થયેલ છે પરંતુ આર. ટી. ઓ. અધિકારી એવો જવાબ આપે છે કે આ સ્લોટ ગાંધીનગરેથી સેટ થયો છે અને સમય પણ ત્યાંથી જ સેટ થયો છે, આખા દિવસમાં માત્ર ૧ થી ૨ મીનીટ સ્લોટ ખુલે છે તેથી એપોઈન્ટમેન્ટ મળવામાં મુશ્કેલી થાય. જામનગર જિલ્લામાં આશરે ૭૦૦ થી વધુ અરજી પેન્ડીંગ હોય અને લોકોને સ્લોટ બુક કરતી વખતે પારાવાર મુશ્કેલી પડે તો આ સમસ્યા નિવારવા હવે લોકો કોને રજૂઆત કરે ? જિલ્લાના રાજકીય આગેવાનોએ પણ સમસ્યાને ગંભીર ગણી આ અંગે ગાંધીનગરમાં યોગ્ય રજુઆત કરી, જિલ્લાની પ્રજાને પડતી તકલીફનો અંત લાવવો જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે. અન્ય જિલ્લાઓમાં સર્વરની યોગ્યની વ્યવસ્થા છે ત્યારે જામનગરના લોકો છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે વહિવટી તંત્રએ આ પ્રશ્ર્ન અગત્યનો હોય તાત્કાલીક પ્રશ્ર્નનું નિરાકરણ કરવું જોઇએ તેવી માંગ ઉઠી છે.